રામ મંદિરમાં થશે દિવસમાં ત્રણ સમયે આરતી, જાણો ક્યારથી અને કયા સમયે કરી શકાશે દર્શન
રામ મંદિરમાં યોજાતી આરતીમાં ભાગ લેવા માટે પાસ લેવો ફરજિયાત છે
Ram Mandir Darshan Timing: અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ત્યારે મોટી સંખ્યામાં રામભક્તો અયોધ્યા જઈ રહ્યા છે, પરંતુ એ જાણાવું જરૂરી છે કે, રામ મંદિરમાં યોજાતી આરતીમાં ભાગ લેવા માટે પાસ લેવો ફરજિયાત છે. જો કે, મંદિરના કાઉન્ટર પરથી પાસ ઓફલાઈન પણ લઈ શકો છો, પરંતુ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ઓનલાઈન પાસ આપવાની સુવિધા પણ આપે છે.
રામ મંદિરમાં દિવસમાં ત્રણ વખત આરતી થશે
22મી જાન્યુઆરી રામ મંદિરની અંદર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બપોરે 12:15થી 12:45 વચ્ચે કરવામાં આવશે. અયોધ્યા રામ મંદિરમાં દિવસમાં ત્રણ વખત આરતી કરવામાં આવશે. સવારે 6:30 શ્રૃંગાર/જાગરણ આરતી, બપોરે 12:00 ભોગ આરતી અને સાંજે 7:30 વાગ્યો સંધ્યા આરતી કરવામાં આવશે. રામ મંદિરમાં દર્શન કરવાનો સમય સવારે 7.00થી 11.30 સુધી રહેશે. ત્યાર પછી બપોરે 2.00થી સાંજે 7.00 વાગ્યા સુધી ફરી એક વખત દર્શન માટે મંદિરના કપાટ ખુલશે.દિવસમાં બે વખત ભક્તો રામલલાના દર્શન કરીને તેમના આશીર્વાદ લઈ શકશે.
રામલલા થયા સ્થાપિત, કોણે બનાવી હતી આ પ્રતિમા?
ગુરૂવારે ગર્ભગૃહમાં ભગવાન રામલલાની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહમાં બિરાજિત રામલલાની પ્રથમ તસવીર પણ સામે આવી છે. આ પ્રતિમા કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણશિલામાં તૈયાર કરવામાં આવી છે. મૈસુરના જાણીતા શિલ્પકારોની પાંચ પેઢીની પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધુ ડિમાંડ ધરાવતા શિલ્પકાર છે. અરુણની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી હતી. તેમના પિતા યોગીરાજ પણ કુશળ શિલ્પકાર હતા. તેમના દાદા બસવન્ના શિલ્પી મૈસુરના રાજા દ્વારા સુરક્ષિત હતા.