Explainer: જાણો લેટરલ એન્ટ્રીનો રાજકીય વિવાદ, શું તેમાં સીધી જ સેક્રેટરી સ્તરનો હોદ્દો અને સત્તા મળી જાય છે?

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
UPSC


Lateral Entry System: 'લેટરલ એન્ટ્રી' દ્વારા પ્રશાસનમાં ઊંચા હોદા ઉપર   'એક્સપર્ટ 'ની નિમણૂક કરવાની સરકારે લીધેલા નિર્ણય ઘણાં સવાલોથી ઘેરાઈ ગયો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ કેન્દ્રના પ્રશાસનમાં ઊંચા હોદા પર નિમણૂક 'લેટરલ એન્ટ્રી' દ્વારા કરવાની જાહેરાત કરી હતી. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેને 'રાષ્ટ્ર વિરોધી પગલું' ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘આ નિર્ણય કરીને સરકાર ખુલ્લેઆમ અનામત છીનવી રહી છે'. રાહુલના આરોપો પર સરકારે વળતો પ્રહાર કર્યો હતો. 

ચાલો, જાણીએ લેટરલ એન્ટ્રી શું છે અને તેનો વિપક્ષો વિરોધ કેમ કરી રહ્યા છે... 

અનામત ખતમ કરવાની મોદીની ગેરંટી

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'લેટરલ એન્ટ્રી' દ્વારા ભરતી એ 'રાષ્ટ્ર વિરોધી પગલું' છે. આ પ્રકારની ભરતીના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોનું આરક્ષણ   છીનવાઈ રહ્યું છે'. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને બદલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. મેં હંમેશા કહ્યું છે કે ટોચના અમલદારો સહિત દેશના તમામ ટોચના હોદ્દા પર વંચિતોને પ્રતિનિધિત્વ નથી મળતું, તેને સુધારવાને બદલે સરકાર તેમને લેટરલ એન્ટ્રી દ્વારા ટોચના હોદ્દા પરથી દૂર કરી રહી છે. સરકસર યુપીએસસીની તૈયારી કરી રહેલા પ્રતિભાશાળી યુવાનોના અધિકારો પર તરાપ મારી રહી છે અને વંચિતો માટે અનામત સહિત સામાજિક ન્યાયની વ્યવસ્થા પર હુમલો કરી રહી છે. વહીવટી માળખા અને સામાજિક ન્યાય બંનેને નુકસાન કરનાર આ રાષ્ટ્રવિરોધી પગલાનો 'INDIA' ગઠબંધન સખત વિરોધ કરશે.   IASનું 'ખાનગીકરણ' કરી અનામત ખતમ કરવાની મોદીની ગેરંટી છે.'

આ પણ વાંચો: મહિને પાંચથી દસ લાખ કમાય છે આ ટ્રક ડ્રાઈવર, શું કરે છે એ જાણીને તમને પણ આશ્ચર્ય થશે

વિપક્ષે લેટરલ એન્ટ્રીને લઈને કર્યો ઉગ્ર વિરોધ 

સપા પ્રમુખ અખિલેશ યાદવે સરકારના આ નિર્ણય સામે 2 ઓક્ટોબરથી વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપી હતી. યાદવે કહ્યું, 'ભાજપ પાછલા દરવાજેથી યુપીએસસી દ્વારા ઉચ્ચ સરકારી હોદ્દા પર પોતાની વિચારધારામાં માનનરા લોકોની નિમણૂક કરવાના ષડયંત્રની વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન શરૂ કરવાનો સમય આવી ગયો છે. આ પદ્ધતિ આજના અધિકારીઓ તેમજ યુવાનો માટે વર્તમાન અને ભવિષ્યમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચવાનો માર્ગ બંધ કરી દેશે. સામાન્ય લોકો માત્ર બાબુઓ અને પટાવાળાઓ સુધી જ સીમિત થઇ જશે. સરકાર લેટરલ એન્ટ્રી દ્વારા પીડીએ (પછાત, દલિત અને લઘુમતી) પાસેથી અનામત અને તેમના અધિકારો છીનવી લેશે.'

બસપાના સુપ્રીમો માયાવતીએ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવતા જણાવ્યું હતું કે, ' કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીના 45 ઉચ્ચ પદો પર સરકારનો સીધી ભરતી કરવાનો નિર્ણય યોગ્ય નથી, કારણ કે સીધી ભરતી દ્વારા નીચલા પદ પર કામ કરતા કર્મચારીઓને પ્રમોશનના લાભથી વંચિત રાખવામાં આવશે. આ સરકારી નિમણૂકોમાં, SC (અનુસૂચિત જાતિ), ST (અનુસૂચિત જનજાતિ) અને OBC (અન્ય પછાત વર્ગ) સમુદાયના લોકોને તેમના ક્વોટાના પ્રમાણમાં નિમણૂક આપવામાં આવતી નથી, તો આ બંધારણનું સીધું ઉલ્લંઘન છે. ભાજપ સરકાર માટે આ ઉચ્ચ હોદ્દાઓ પર સીધી નિમણૂક કરવી એ 'ગેરકાયદેસર અને ગેરબંધારણીય' છે.

યુપીએના સાશન દરમિયાન કરાઈ હતી ભલામણ 

વિપક્ષના આરોપોનો જવાબ આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ' વર્ષ 2005માં વરિષ્ઠ કોંગ્રેસી નેતા વીરપ્પા મોઈલીની અધ્યક્ષતામાં રચાયેલા સેકન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશને (ARC) લેટરલ એન્ટ્રીનું સમર્થન કર્યું હતું. યુપીએ શાસનમાં ARCએ વિશેષ જ્ઞાનની જરૂરિયાત ધરાવતા હોદ્દા ભરવા માટે નિષ્ણાતોની ભરતી કરવાની ભલામણ કરી હતી.'

આ પણ વાંચો: UPA સરકારે જ કરી હતી ભલામણ: લેટરલ એન્ટ્રી મુદ્દે અશ્વિની વૈષ્ણવનો રાહુલ ગાંધીને જવાબ

UPSC કઈ રીતે 'લેટરલ એન્ટ્રી' માટેની ભરતી કરે છે?

UPSC એ કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં 45 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે, જેમાં 10 ને જોઈન્ટ સેક્રેટરી અને 35 ને ડાયરેક્ટર/ડેપ્યુટી સેક્રેટરીના પદ પર 45 નિષ્ણાતોની નિમણૂક માટે જાહેરાત આપવામાં આવી છે. સામાન્ય રીતે આ ઉચ્ચ હોદાઓ અખિલ ભારતીય સેવાઓ જેવી કે ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વન સેવા (IFOS), અને અન્ય 'ગ્રૂપ A' સેવાઓના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. હવે આ જગ્યાઓને કરારના આધારે ત્રણ વર્ષના(પ્રદર્શનના આધારે પાંચ વર્ષ સુધી વધારી શકાય) સમયગાળા માટે ભરવામાં આવશે.

લેટરલ એન્ટ્રી માટે કોણ આવેદન કરી શકે અને પગાર કેટલો આપવામાં આવે છે?

ડિરેક્ટર કક્ષાની પોસ્ટ માટે લઘુતમ ઉંમર 35 વર્ષ અને મહત્તમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવી છે. પસંદ કરાયેલા ઉમેદવારોને અંદાજે રૂ. 2.32 લાખનો પગાર મળશે. ડેપ્યુટી સેક્રેટરી સુધીના સ્તર માટે, લઘુતમ ઉંમર 32 વર્ષ અને મહત્તમ 40 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. આ સ્તર માટે અંદાજે 1.52 લાખનો કુલ પગાર નક્કી કરવામાં આવ્યો છે. જોઈન્ટ સેક્રેટરી સ્તરના પદ માટે લઘુતમ અને મહત્તમ વય મર્યાદા 40 અને 55 વર્ષ છે. મોંઘવારી ભથ્થું, પરિવહન અને મકાન ભાડાના ભથ્થા સહિત અંદાજિત કુલ પગાર આશરે રૂ. 2.7 લાખ આપવામાં આવે છે.

Explainer: જાણો લેટરલ એન્ટ્રીનો રાજકીય વિવાદ, શું તેમાં સીધી જ સેક્રેટરી સ્તરનો હોદ્દો અને સત્તા મળી જાય છે? 2 - image


Google NewsGoogle News