કેમ સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ? જાણો ક્યાંથી શરૂ થઈ દુશ્મનાવટ
Salman Khan-Lawrence Bishnoi Enmity: એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની ગેંગએ સ્વીકારી છે. મુંબઇ પોલીસને શરૂઆતથી આ કેસમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગ પર શંકા હતી. હવે આ અંગે ચર્ચા ચાલી રહી છે કે બાબા સિદ્દિકીના સલમાન ખાન સાથે નજીકના સંબંધ હોવાથી લોરેન્સ બિશ્નોઇએ તેમને નિશાન બનાવ્યો હતો. બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પરંતુ અહીં સવાલ થાય છે કે, લોરેન્સ બિશ્નોઇ સલમાન ખાનની પાછળ કેમ પડ્યો છે? ચાલો તમને જણાવીએ કે તેમની વચ્ચે દુશ્મનાવટની શરૂઆત ક્યારે અને કઇ રીતે થઇ હતી.
26 વર્ષ પહેલા શું થયું હતું?
નોંધનીય છે કે, 26 વર્ષ પહેલા સપ્ટેમ્બર, 1998માં સલમાન ખાન ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ની શૂટિંગ કરવા રાજસ્થાનના જોધપુર ગયો હતો. તે સમયે તેની સાથે સેફ અલી ખાન, તબ્બુ જેવા કલાકારો સહિત ફિલ્મનો સમગ્ર ક્રુ એક ફાર્મમાં રોકાયો હતો, પરંતુ 27 સપ્ટેમ્બરની રાત્રે શૂટિંગ બાદ સલમાન ખાન અને સેફ અલી ખાને જોધપુરથી 40 કિમી દુર ભવાદ ગામમાં કાળા હરણનું શિકાર કર્યું હતું. બીજા દિવસે સમાચાર પત્રોમાં એક પ્રત્યક્ષ દર્શીના નિવેદનને ટાંકીને દાવો કરાયો હતો કે, સલમાન ખાને કાળા હરણનું શિકાર કર્યું છે.
સમાચાર પત્રોના દાવા બાદ વન વિભાગની ટીમે સલમાન ખાન જે ફાર્મમાં રોકાયા હતા ત્યાં તપાસ હાથ ધરી હતી, ત્યારે વન વિભાગના અધિકારીઓને ફાર્મમાંથી મૃત હરણના અવશેષો મળી આવ્યા હતા. જે પછી બિશ્નોઇ સમુદાયે સલમાન ખાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સલમાન ખાન ઉપરાંત સેફ અલી ખાન, સોનાલી બેન્દ્રે અને તબ્બુને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. જો કે, આ ઘટનામાં માત્ર સલમાન ખાનને જ જેલ જવું પડ્યું હતું.
આ પણ વાંચોઃ નવો દાઉદ બનવાના માર્ગે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, 700થી વધુ શૂટર્સની ગેંગ, NIAનો ધડાકો
સલમાન-બિશ્નોઇ દુશ્મન કઇ રીતે બન્યા
સલમાન ખાન વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી બાદ પણ બિશ્નોઇ સમુદાયના લોકોએ તેને માફ કર્યો નહોતો. આ પાછળનું કારણ એ છે કે, બિશ્નોઇ સમુદાયની સ્થાપના ગુરુ જંભેશ્વર અથવા જાંભોજી મહારાજે કરી હતી. તેમણે બિશ્નોઇ સમુદાય માટે 29 નિયમો બનાવ્યા હતા. જેમાં શુદ્ધ શાકાહારથી માંડીને પર્યાવરણ અને પ્રાણીઓની રક્ષા જેવા વચનો સામેલ છે. બિશ્નોઇ સમુદાયની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધી દરેક બિશ્નોઇ આ નિયમોનું પાલન કરે છે. આવી સ્થિતિમાં જોધપુર, બિકાનેર અને આસપાસના વિસ્તારોના બિશ્નોઇ લોકો ત્યાંના રણ વિસ્તારમાં જોવા મળતા કાળા હરણની રક્ષા કરવા માટે પ્રખ્યાત છે.
આ કારણસર જ્યારે સલમાન ખાનનું નામ કાળા હરણના શિકારમાં સામે આવ્યું તો બિશ્નોઇ સમુદાયને મોટો ઝટકો લાગ્યો હતો. જે બાદ બિશ્નોઇ સમુદાયના આગેવાનોએ સલમાન ખાન સમક્ષ માંગ કરી કે તે બિકાનેરના મુક્તિધામ (બિશ્નોઇ સમુદાયનો મુખ્ય મંદિર)માં આવીને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી લે, પરંતુ સલમાન ખાન ના તો ક્યારેય માફી માંગવા ગયા અને ના તો બિશ્નોઇ સમુદાયે તેમને ક્યારેય તેમને માફ કર્યું.
લોરેન્સ બિશ્નોઇની એન્ટ્રી
વર્ષ 2018માં પહેલી વાર લોરેન્સ બિશ્નોઇ ચર્ચામાં આવ્યો હતો. તે સમયે તેણે સલમાન ખાનને ધમકી આપી હતી કે, કાળા હરણનું શિકાર કરવા બદલ તે સલમાન ખાનથી બદલો લઇને રહેશે અને તેની હત્યા કરશે. ત્યારથી લોરેન્સને સલમાન ખાનનો કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. નોંધનીય છે કે, વર્ષ 2022માં સિંગર સિદ્ધૂ મુસેવાલાના મર્ડર કેસમાં લોરેન્સનું નામ સામે આવ્યું હતું. જે બાદથી તે જેલમાં બંધ છે, પરંતુ તેણે સલમાન ખાનનો પીછો છોડ્યો નથી. અગાઉ લોરેન્સ સલમાન ખાનના પિતા સલીમ ખાનને પણ ધમકી આપી ચૂક્યો છે. આ ઉપરાંત તેની ગેંગના કેટલાક સભ્યોએ સલમાન ખાનની ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું.