Get The App

જ્યારે રતન ટાટાએ એક અબોલ જીવ માટે બ્રિટનનો શાહી ઍવૉર્ડ ઠુકરાવી દીધો હતો

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
જ્યારે રતન ટાટાએ એક અબોલ જીવ માટે બ્રિટનનો શાહી ઍવૉર્ડ ઠુકરાવી દીધો હતો 1 - image


Ratan Tata turned down Britain's Royal Award : 9 ઑક્ટોબર, 2024ના રોજ મુંબઈમાં 86 વર્ષની વયે અવસાન પામનાર ટાટા સન્સના ચેરમેન રતન ટાટાના પ્રાણીપ્રેમ વિશે સૌ જાણે જ છે. પ્રસિદ્ધ તાજ હોટલની બહાર રખડતાં કૂતરાઓ માટે એમણે હોટલના દરવાજા ખોલી દીધા હતા, એ કિસ્સો તો બહુ જાણીતો છે. એ ઉપરાંત પણ એક એવો કિસ્સો છે જેમાં તેમણે એક અબોલ જીવ માટે પ્રિન્સ ચાર્લ્સ સાથેની શાહી મુલાકાત નકારી દીધી હતી. ચાલો જાણીએ એ કિસ્સા વિશે.

શું છે કિસ્સો?

વાત છે 2018ની. રતન ટાટાની વ્યાવસાયિક સફળતા ઉપરાંત એમના પરોપકારી કાર્યોની સુવાસ પણ દુનિયાના ખૂણેખૂણે પહોંચી ચૂકી હતી. બ્રિટનના શાહી પરિવારે ‘બ્રિટિશ એશિયન ટ્રસ્ટ’ સાથે મળીને રતન ટાટાના સખાવતી કાર્યોની સરાહના રૂપે એમને સન્માનિત કરવાનું નક્કી કર્યું હતું. એમને આજીવન સિદ્ધિ પુરસ્કાર (લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ) આપવામાં આવનાર હતો. આ સન્માન એમને બ્રિટનના તત્કાલિન પ્રિન્સ ચાર્લ્સ (હવે કિંગ ચાર્લ્સ ત્રીજા)ના હસ્તે મળવાનું હતું. 6 ફેબ્રુઆરીના રોજ આયોજિત સમારંભમાં હાજર રહેવા માટે રતન ટાટાએ સહમતી આપી હતી, પણ પછી સમારંભનો દિવસ આવતાં એમણે ના કહી દીધી.   

આ કારણસર છેલ્લી ઘડીએ ના કહી

આટલું મોટું સન્માન મળતું હોય અને એ પણ બ્રિટનના પ્રિન્સના હાથે તો કોણ ના કહે? પણ રતન ટાટાએ ના કહી એનું કારણ હતું તેમનો વહાલો કૂતરો. એ સમયે તેમની પાસે ‘ટેંગો’ અને ‘ટીટો’ નામના બે કૂતરા હતા, જેમાંનો એક સખત બીમાર પડી ગયો હતો. તેથી કૂતરાની સારવાર દરમિયાન એની સાથે રહેવા માટે રતન ટાટાએ બ્રિટનના શાહી સન્માન સમારંભમાં હાજર રહેવાની ના પાડી હતી. 

રતન ટાટાને સમજાવવાના પ્રયાસ

રતન ટાટાએ શાહી સન્માનને બદલે બીમાર કૂતરાને પ્રાથમિકતા આપવાનું પસંદ કર્યું, એ જાણીને સૌ ચોંકી ગયા હતા. સમારંભમાં હાજરી આપવા માટે લંડન પહોંચી ગયેલા અન્ય મહાનુભાવોએ ફોન કરીને રતન ટાટાને કાર્યક્રમમાં હાજરી આપવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમણે નિર્ણય બદલ્યો ન હતો.

પ્રિન્સ ચાર્લ્સનો પ્રતિભાવ

રતન ટાટાની ગેરહાજરીનું કારણ જ્યારે પ્રિન્સ ચાર્લ્સને જાણવા મળ્યું ત્યારે તેઓ પ્રભાવિત થઈ ગયા હતા. રતન ટાટાના આદર્શોની પ્રશંસા કરતાં પ્રિન્સ ચાર્લ્સે એક વીડિયોમાં કહ્યું હતું કે, ‘માણસ હોય તો આવો. રતન ટાટા અદ્ભુત માણસ છે. એમના આવા આદર્શોને કારણે જ એમનો વ્યવસાય આટલો સફળ અને સ્થિત છે.’ 

પ્રાણીઓ માટેની વિશેષ હૉસ્પિટલ બનાવી

ફક્ત પાળેલા જ નહીં, શેરીમાં રખડતાં કૂતરાઓ પ્રત્યે પણ રતન ટાટાને ખૂબ પ્રેમ હતો. તેમના માર્ગદર્શન હેઠળ મુંબઈની મહાલક્ષ્મીમાં ટાટા ટ્રસ્ટની સ્મોલ એનિમલ હૉસ્પિટલનું પણ જૂન 2024માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમનો પાલતુ કૂતરો ટીટો થોડા વર્ષો પહેલાં મૃત્યુ પામ્યો હતો.


Google NewsGoogle News