Get The App

15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવા વચ્ચે શું છે તફાવત? જાણો નિયમો

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
Indian National Flag



Indian Independence Day : 15 ઑગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. જો કે, 26મી જાન્યુઆરીએ પરેડ કરવામાં આવે છે અને દેશના રાષ્ટ્રપતિ કર્તવ્ય પથ પર ધ્વજ ફરકાવે છે, પરંતુ શું તમે જાણો છો કે 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવા વચ્ચે મોટો તફાવત હોય છે. તમે પણ વિચારી રહ્યા હશો કે ધ્વજ ફરકાવવામાં શું ફરક હોઈ શકે? તો ચાલો જાણીએ બન્ને દિવસે જુદી જુદી રીતે ધ્વજ ફરકાવવા પાછળ શું કારણ છે.

નામમાં પણ તફાવત

તમને જણાવી દઈએ કે, 15 ઑગસ્ટ (સ્વતંત્રતા દિવસ) અને 26 જાન્યુઆરી(ગણતંત્ર દિવસ)ના દિવસે જે રીતે ધ્વજ ફરકાવવામાં આવે છે એના નામ પણ અલગ હોય છે. 15 ઑગસ્ટે જ્યારે વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે તો તેને ધ્વજારોહણ (Flag Hoisting) કહેવામાં આવે છે અને જ્યારે ગણતંત્ર દિવસે રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે તેને તિરંગો (ઝંડો) ફરકાવ્યો (Flag Unfurling) કહેવામાં આવે છે. આમ, સ્વતંત્રતા દિવસે ધ્વજારોહણ હોય છે જ્યારે ગણતંત્ર દિવસે તિરંગો ફરકાવવામાં આવે છે.

ધ્વજારોહણ અને તિરંગા ફરકાવવા વચ્ચે અંતર

હકીકતમાં, 15 ઑગસ્ટે વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે તે સમયે ધ્વજ પોલની નીચે હોય છે અને જ્યારે વડાપ્રધાન દોરડું ખેંચે છે ત્યારે ધ્વજ ઉપર જાય છે અને તેને ફરકાવવામાં આવે છે. આમ, ધ્વજારોહણમાં ધ્વજ પોલના નીચેના ભાગથી ઉપર તરફ જાય છે. આ રાષ્ટ્ર ઉત્થાન, દેશ ભક્તિ અને આઝાદી દર્શાવે છે. 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવતી વખતે ધ્વજ પહેલેથી જ પોલના ઉપરના ભાગે બાંધવામાં આવે છે અને રાષ્ટ્રપતિ તેને ફરકાવે છે. આ આપણા બંધારણના નિયમો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ધ્વજ ફરકાવવા માટેના નિયમો

ધ્વજ ફરકાવવા અંગે વિવિધ નિયમો છે. જે મુજબ જ ધ્વજ ફરકાવવાનો હોય છે. પહેલા તિરંગો ધ્વજ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે જ ફરકાવવામાં આવતો હતો, પરંતુ હવે આ નિયમને બદલી રાતે પણ ધ્વજ ફરકાવવાની મંજૂરી આપવામાં આવી છે. પહેલાં સુતરાઉ કાપડથી બનેલો ધ્વજ જ ફરકાવવામાં આવતો હતો, પરંતુ હવે પોલિસ્ટરથી બનેલા ધ્વજને પણ ફરકાવી શકાય છે. ધ્વજ ફરકાવતી વખતે ખાસ ધ્યાન આપવામાં આવે કે કોઈપણ પરિસ્થિતિમાં ધ્વજ જમીનને ન સ્પર્શવો જોઈએ અને રાષ્ટ્ર ધ્વજથી ઊંચો કોઈ અન્ય ધ્વજ ન હોવો જોઈએ. તિરંગો ફરકાવતા સમયે તિરંગો ભીનો ન હોવો જોઈએ અથવા તો તેમાં કોઈપણ ક્ષતિ ન હોવી જોઈએ. ધ્વજનો આકાર લંબચોરસ હોવો જોઈએ. તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3.2 હોવો જોઈએ અને અશોક ચક્રમાં 24 સ્પોક્સ હોવા જોઈએ. ઉપરાંત ધ્વજ પર કંઈ લખેલું પણ ન હોવું જોઈએ. 15 ઑગસ્ટ કે 26 જાન્યુઆરીએ તિરંગો ફરકાવતા સમયે આ નિયમોના ઉલ્લંઘન કરવા પર 3 વર્ષની જેલ અથવા દંડ અથવા બન્ને થઈ શકે છે.


Google NewsGoogle News