જાણો દ્રૌપદી મુર્મૂની રાજકીય સફર વિશે
- ઓડિશા વિધાનસભાએ તેમને 2007ના વર્ષમાં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા
નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2022, ગુરૂવાર
રાજકારણમાં જોડાયા તે પહેલા દ્રૌપદી મુર્મૂએ એક શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1979થી 1983 દરમિયાન તેમણે સિંચાઈ અને વીજ વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ 1994થી 1997 દરમિયાન તેમણે ઓનરરી આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કર્યું હતું.
1997માં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને તેઓ ઓડિશાના રાઈરાંગપુર જિલ્લા ખાતે કાઉન્સેલર તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ જિલ્લા પરિષદના ઉપાધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા હતા. 2000ના વર્ષમાં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. રાઈરાંગપુર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમને બીજદ અને ભાજપના ગઠબંધનવાળી સરકારમાં સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ દ્રૌપદી મુર્મૂઃ 2 જવાન દીકરાના મોત... પતિનું મોત... પરિવારમાં છે માત્ર એક દીકરી
2002ના વર્ષમાં તેમને ઓડિશા સરકારમાં મત્સ્ય અને પશુપાલન વિભાગના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2006માં તેમને ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2009ના વર્ષમાં તેઓ રાઈરાંગપુર વિધાનસભા બેઠક પર બીજી વખત ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ત્યાર બાદ 2009માં તેઓ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ તેમાં હાર મળી હતી. 2015માં દ્રૌપદીને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા અને 2021 સુધી તેમણે રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.
સર્વશ્રેષ્ઠ ધારાસભ્યનો ખિતાબ મળ્યો
મુર્મૂએ પોતાના જીવનમાં હંમેશા સંઘર્ષ કર્યો છે. પહેલા તેમણે અભ્યાસ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને બાદમાં પરિવારમાં જે દુઃખદ ઘટનાઓ બની તેનાથી તેઓ ભાંગી પડ્યા હતા. જોકે તેમણે સમાજસેવામાં પોતાનું મન પરોવી લીધું હતું. ઓડિશા વિધાનસભાએ તેમને 2007ના વર્ષમાં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેઓ ઓડિશા સરકારમાં પરિવહનત, વાણિજ્ય, મત્સ્ય પાલન તથા પશુપાલન જેવા મંત્રાલયો સંભાળવાનો અનુભવ ધરાવે છે.