જાણો, શિવભકત અંગ્રેજ અફસર કર્નલ માર્ટિન વિશે, 140 વર્ષ પહેલા શિવમંદિરનો કરાવ્યો હતો જીર્ણોધ્ધાર
200 વર્ષના શાસનમાં અંગ્રેજો દ્વારા જીણોધ્ધાર થયો હોય તેવું એક માત્ર મંદિર,
બૈજનાથ મહાદેવ મંદિરના પથ્થરની તકતી પર ઇતિહાસનો બોલતો પુરાવો
15,ઓગસ્ટ,2023, મંગળવાર
15 મી ઓગસ્ટ 1947માં અંગ્રેજોની ગુલામીમાંથી મુકત થઇને ભારતવાસીઓએ આઝાદી મેળવી હતી. મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકે શરુ કરેલો સાર્વજનિક ગણેશ ઉત્સવ આઝાદીના આંદોલનનો પ્રતિક બની ગયો હતો. જો કે એ જાણીને નવાઇ લાગશે કે મધ્યપ્રદેશના માલવાના આગરમાં આવેલા વૈજનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કર્નલ માર્ટિન નામના અંગ્રેજ અફસરે કરાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે અંગ્રેજોના બે સદીના લાંબા શાસનકાળમાં તેમના દ્વારા જીર્ણોધ્ધાર થયું હોય એવું આ એક માત્ર મંદિર છે.
ઇસ 1880માં અંગ્રેજોનું લશ્કર ભારતથી યુધ્ધ લડવા અફઘાનિસ્તાન ગયું હતું. બ્રિટિશ સરકારે કર્નલ માર્ટિનને પણ અફઘાનિસ્તાન મોકલ્યા હતા. કર્નલ માર્ટિન કાબુલથી નિયમિત અંતરે એજન્ટ કાર્યાલય આગરમાં રહેતી પત્નીને પત્રો લખતા હતા. એક વાર એવું બન્યું કે લાંબા સમય સુધી કર્નલનો પત્ર ના આવતા પત્ની ચિંતાતૂર બની હતી. યુધ્ધના મેદાનમાં કશુંક અશુભ થયું હશે એવું વિચારીને શોકમગ્ન રહેતી હતી. મિસેઝ માર્ટિન પોતાની ચિંતાને ભૂલવા ઘોડા પર સવાર થઇને બૈજનાથ મંદિર નજીકથી પસાર થતી હતી. મંદિરની દિવાલ તૂટેલી જોઇને પૂજારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું કે આર્થિક તંગી છે.
મિસેઝ માર્ટિને વાતચિત દરમિયાન કર્નલ યુધ્ધના મેદાનમાંથી પાછા ફરશે તો ચોકકસ મદદ કરશે એવું વચન આપ્યું. મંદિરમાં મૌજુદ બ્રાહ્નણો અને પૂજારીઓએ પણ કર્નલ સકુશળ પાછા ફરશે એવી કામના કરી. આરતી સમયે મિસેઝ માર્ટિન પણ પોતાની જાતને રોકી શકી નહી.આ ઘટનાના 10 માં દિવસે અફઘાનિસ્તાન યુધ્ધમાં ફસાયેલા કર્નલ માર્ટિનનો પત્ર મળ્યો હતો. પઠાણોની સેનાએ ઘેરી લીધા હોવાથી યુધ્ધ દરમિયાન પત્રો લખવાનું બંધ થઇ ગયું હતું. બચવાની કોઇ શકયતા ન હતી પરંતુ કોઇ ચમત્કારથી જ બચી ગયા હતા. યુધ્ધમાંથી પાછા ફરેલા કર્નલને બધી વાત કરીને પત્નીએ મંદિરનો જીણોધ્ધાર કરવાનો અનુરોધ કર્યો હતો.
ઇસ 1883માં કર્નલ માર્ટિને 15000 રુપિયા દાન આપી મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. એ સમયે આ કોઇ સામાન્ય રકમ ન હતી. આ અંગેની જાણકારી બૈજનાથ મહાદેવ મંદિરની એક પથ્થર પર લખવામાં આવી છે. આગરની એજન્ટ ઓફિસમાં નાના રજવાડાના વકીલોની પણ આવન જાવન રહેતી હતી. તેમને પણ કર્નલના કહેવાથી આર્થિક મદદ કરી હતી. મિસ્ટર અને મિસેઝ અંગ્રેજ જયાં સુધી ભારતમાં રહયા ત્યાં સુધી ભગવાન શીવ પર અતૂટ શ્રધ્ધા ધરાવતા હતા.