Hit and Run: પહેલા અને હવેના નવા કાયદામાં શું છે ફરક? શું આ માત્ર ટ્રક ચાલકો પર જ થશે લાગુ? સમજો સરળ શબ્દોમાં
હિટ એન્ડ રન કાયદા હેઠળ રોડ એકસીડન્ટ કરનારાઓ સામે કાર્યવાહી કરીને સજા કરવામાં આવે છે
હિટ એન્ડ રનનો કાયદો દેશભરના તમામ વાહન ચાલકોને લાગુ પડે છે, પછી ભલે તે થ્રી-વ્હીલર હોય કે ફોર-વ્હીલર
New Hit and Run Law: દરરોજ આપણે અનેક રોડ એકસીડન્ટ વિશે સાંભળીએ છીએ. લોકો 150-200ની ઝડપે બેદરકારીપૂર્વક કાર અને બાઇક ચલાવતા જોવા મળે છે, જેના કારણે ઘણીવાર એકસીડન્ટ થાય છે અને કોઈનું મૃત્યુ પણ થાય છે. ઘણી વખત તપાસ કર્યા પછી પણ ન તો એકસીડન્ટ કરનાર વ્યક્તિ કે વાહન મળી આવે છે. આવી સ્થિતિમાં મૃતકના પરિવારજનોને વળતર આપવું મુશ્કેલ બની જાય છે. જો કે, જ્યારે પુરાવા મળે છે, ત્યારે ચોક્કસપણે ગુનેગારો સામે પગલાં લેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, જે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તેને હિટ એન્ડ રન કાયદો કહેવામાં આવે છે. આમાં, ઝડપી અને બેદરકારીથી વાહન ચલાવનારને સજા થાય છે. આ અંતર્ગત વાહનચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે. હિટ એન્ડ રનનો કાયદો દેશભરના તમામ વાહન ચાલકોને લાગુ પડે છે, પછી ભલે તે ટુ-વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય અથવા ટ્રક ડ્રાઈવર બધાને જ લાગુ પડે છે.
પહેલા નિયમ શું હતો?
જો આપણે હિટ એન્ડ રનને લગતા પહેલાના નિયમોની વાત કરીએ તો તેમાં IPC કલમ 279 લાદવામાં આવી હતી, જે બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ સાથે સંબંધિત છે. આ સાથે કલમ 304-A (બેદરકારીને કારણે મૃત્યુ) લાગુ કરવામાં આવી હતી અને કલમ 338 (જીવનને જોખમમાં મૂકવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વાહનચાલકોને 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ હતી. ખાસ કિસ્સાઓમાં, IPCની કલમ 302 પણ ઉમેરવામાં આવી હતી.
નવો નિયમ શું છે?
વર્તમાન સરકાર IPCની જગ્યાએ ભારતીય ન્યાયિક સંહિતા (BNS) લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ નવા કાયદાની કલમ 104માં હિટ એન્ડ રનનો ઉલ્લેખ છે. આ મુજબ, જો વાહનચાલકની બેદરકારીના કારણે કોઈ નાગરિકનું મૃત્યુ થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો તમે સરળ શબ્દોમાં સમજીએ તો, જો કોઈ ડ્રાઇવર એકસીડન્ટ કરે છે અને તે કોઈ માહિતી આપ્યા વગર જ સ્થળ પરથી ભાગી જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સાથે તેને 7 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે.
ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 104 (1) અને કલમ 104 (2) માં હિટ એન્ડ રન સંબંધિત બે જોગવાઈઓ છે. પ્રથમ, જો કોઈ એકસીડન્ટ થાય અને કોઈનું મૃત્યુ થાય અને તમે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો તો ડ્રાઈવર માટે 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. પરંતુ જો તમારું એકસીડન્ટ થાય અને તમે કોઈને જાણ કર્યા વિના તમારા વાહન સાથે ભાગી જાઓ તો તમારા પર કલમ 104(2) લાગુ કરવામાં આવશે, જેમાં 10 વર્ષની જેલની જોગવાઈ છે. આ ઉપરાંત 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે.
આ નવો નિયમ બધા પર લાગુ પડે છે
આ નવા નિયમો માત્ર ટ્રક ડ્રાઈવરો માટે નથી, તે તમારા અને મારા જેવા લાખો નાગરિકો માટે છે જેમની પાસે પોતાની કાર છે. જો તમે કોઈ એકસીડન્ટનો ભોગ બનશો તો આ નિયમ તમારા પર પણ લાગુ થશે. એટલે કે, જેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે અને બેજવાબદારીથી વાહન ચલાવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. નવા નિયમો ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, ટ્રક, ટેન્કર, બસ સહિતના તમામ વાહનોને લાગુ પડશે.