‘પ્રાણ જાયે પર વચન ન જાયે’ને સાર્થક કરવા મંત્રી પદેથી રાજીનામું આપનાર રાજસ્થાનના કિરોડી લાલ મીણા કોણ છે?
Kirori Lal Meena Resigned: આજના જમાનામાં કોઈ પોતાના વચનનું પાક્કું નથી હોતું અને ખાસ કરીને રાજકરણમાં તો નેતા ક્યારે પોતે બોલેલા શબ્દ પરથી ફરી જશે તે તો ખુદ તેમને કે ભગવાનને પણ ખબર નથી હોતી. તેમ છતા રાજા-રજવાડાઓના રાજ્ય રાજસ્થાનમાં એક નેતાએ પોતાની બોલી પાળી છે અને આજના જમાનામાં પણ ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’ને સાર્થક કરી બતાવ્યું છે. કિરોડી લાલ મીણાએ મંત્રી પદ પરથી રાજીનામું આપીને રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે.
રાજસ્થાનના કેબિનેટ મંત્રી કિરોડી લાલ મીણાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મીણાએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ભજનલાલ શર્માને મોકલી આપ્યું છે. જ કે હજુ સુધી તેમના દ્વારા રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. કિરોડી લાલ મીણા રાજસ્થાન અને ભાજપના અગ્રણી નેતાઓમાંથી એક છે અને લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે.
પ્રાણ જાયે પર વચન ન જાયે :
કિરોડી લાલ મીણાએ લોકસભા ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે જો ભાજપ દૌસા બેઠક હારી જશે તો તેઓ પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા અને તેઓ દૌસા સીટ હારી ગયા. ત્યારબાદથી જ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો હતા કે તેઓ રાજીનામું આપશે કે કેમ પરંતુ હવે મીણા રાજીનામાની જાહેરાત કરી દીધી છે.
કિરોડી લાલ મીણાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર રાજીનામું આપવાના સંકેત પણ અગાઉ આપ્યા હતા. દૌસા સીટ પર હાર બાદ વિપક્ષ પણ સતત તેમના પર નિશાન સાધી રહ્યું હતું કે . મીણાએ કહ્યું કે તેઓ હારની નૈતિક જવાબદારી સ્વીકારે છે અને રાજીનામું આપી રહ્યો છું. કિરોડી લાલ મીણા રાજસ્થાનના કૃષિ મંત્રી છે અને તેઓ બે દિવસ પહેલા દિલ્હી પણ ગયા હતા અને આ જ કારણ હતું કે તેઓ બજેટ સત્રમાં હાજર રહ્યાં ન હતા.
MPથી MLA :
મીણા રાજસ્થાનથી સાંસદ હતા. આ વખતે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને સવાઈ માધોપુરથી ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણી તેઓ જીત્યા પણ હતા. આ પહેલા તેઓ બે વખત લોકસભાના સાંસદ અને પાંચ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યાં છે.