Get The App

કોણ છે 8 વખતના સાંસદ કે. સુરેશ જેઓ લોકસભા સ્પીકરની ચૂંટણીમાં ઓમ બિરલાને પડકારશે

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
કોણ છે 8 વખતના સાંસદ કે. સુરેશ જેઓ લોકસભા સ્પીકરની ચૂંટણીમાં ઓમ બિરલાને પડકારશે 1 - image


Image Source: Twitter

Lok Sabha Speaker Election: લોકસભા સ્પીકર અંગે સત્તાધારી ભાજપની આગેવાની હેઠળના NDA અને વિપક્ષ વચ્ચે સહમતિ સધાઈ નથી. બંને ગઠબંધનના ઉમેદવારોએ નોમિનેશન કર્યું છે. NDAમાંથી ભાજપના સાંસદ ઓમ બિરલા અને I.N.D.I.A. બ્લોકમાંથી કોંગ્રેસના સાંસદ કે સુરેશે મંગળવારે લોકસભા મહાસચિવના કાર્યાલયમાં ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે. હવે બુધવારે સવારે 11:00 વાગ્યે મતદાન થશે અને ત્યાર બાદ પરિણામ આવશે. જો કે NDA પાસે સંપૂર્ણ બહુમતી છે અને કોઈ પ્રકારનું સંકટ નજર નથી આવી રહ્યું. તો ચાલો જાણીએ વિપક્ષના ઉમેદવાર કોડીકુન્નિલ સુરેશ વિશે..

આઝાદી બાદ દેશમાં ત્રીજી વખત લોકસભા સ્પીકર પદ માટે ચૂંટણી થવા જઈ રહી છે. I.N.D.I.A. બ્લોકે સત્તારુઢ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) પર ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવાની પરંપરાનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ અને DMK નેતા ટીઆર બાલૂએ રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ વિપક્ષે ડેપ્યુટી સ્પીકર પદના ઓફર વિના NDA ઉમેદવાર ઓમ બિરલાને સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો હતો.

મનમોહન સરકારમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે સુરેશ

વિપક્ષે મંગળવારે કે સુરેશના સમર્થનમાં ઉમેદવારીના ત્રણ સેટ જમા કર્યા છે. કે સુરેશ દલિત નેતા અને આઠ વખતના સાંસદ છે. તેઓ કેરળની માવેલિક્કારા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી રહ્યા છે. વર્ષ 1989માં તેઓ પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા. કે સુરેશને 2009માં મનમોહન સિંહના નેતૃત્વ વાળી યુપીએ સરકારમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ 2012 થી 2014 સુધી રાજ્ય મંત્રી હતા. વર્ષ 2018માં તેમને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી હતી અને કેરળ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

બે વખત ચૂંટણી હારી ચૂક્યા છે કે સુરેશ

કે સુરેશે અત્યાર સુધીમાં ચાર વખત માવેલિક્કારા બેઠક પરથી ચૂંટણી જીતી છે. માવેલિક્કારા બેઠક પરથી તેઓ 2009માં પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા. આ પહેલા તેમણે ચાર વખત અદૂર બેઠકનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ અત્યાર સુધીમાં માત્ર બે વાર ચૂંટણી હાર્યા છે. 1998 અને 2004માં તેમને જીત નહોતી મળી.

2021માં તેઓ કેરળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની રેસમાં સૌથી આગળ હતા. હાલમાં કે. સુરેશ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના ખાસ આમંત્રિત સભ્ય છે. કોંગ્રેસમાં CWCને પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા માનવામાં આવે છે. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના સચિવ પણ રહી ચૂક્યા છે.

10 હજાર મતથી ચૂંટણી જીત્યા છે કે સુરેશ

તાજેતરની લોકસભા ચૂંટણીઓમાં કે સુરેશે CPI યુવા નેતા અરુણ કુમારને 10868 હજાર મતોથી હરાવ્યા હતા. જોકે, કેરળમાં તેમની જીતનું આ સૌથી ઓછુ માર્જિન હતું. માવેલિક્કારા લોકસભામાં સાત વિધાનસભા મતવિસ્તાર આવે છે. આ તમામ બેઠકો CPI(M)ના નેતૃત્વ વાળી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ની પાસે કબજો છે. કે સુરેશે લોકસભા ચૂંટણીમાં 1.5 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.

સ્પીકરની ચૂંટણી માટે આવતી કાલે મતદાન

હવે લોકસભા સ્પીકર માટે આવતી કાલે ચૂંટણી યોજાશે. 72 વર્ષ બાદ લોકસભા સ્પીકર માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. બુધવારે સવારે 11:00 વાગ્યે મતદાન થશે. ત્યારબાદ પરિણામ આવશે. હજું સુધી સ્પીકર માટે સામાન્ય સહમતિ નથી સધાઈ.

ઓમ બિરલાએ પણ ઉમેદવારી નોંધાવી 

કે સુરેશનો મુકાબલો NDAના ઉમેદવાર ઓમ બિરલા સાથે થશે. બિરલા ત્રીજી વખત રાજસ્થાનના કોટાથી ચૂંટણી જીતીને આવ્યા છે. બિરલા 17મી લોકસભા માટે પણ સ્પીકર પદ માટે ચૂંટાયા હતા. ભાજપે બીજી વખત સ્પીકર માટે ઓમ બિરલાની પસંદગી કરી છે. મંગળવારે NDAએ તમામ નેતાઓ સાથે રાજનાથ સિંહ, અમિત શાહ અને જેપી નડ્ડા લોકસભા સેક્રેટરી જનરલ રૂમમાં પહોંચ્યા હતા અને બિરલાનું નોમિનેશન કરાવ્યું હતું.  શાસક પક્ષ પાસે સંપૂર્ણ બહુમતી છે. NDA પાસે 292 સાંસદોનું સમર્થન છે.


Google NewsGoogle News