વાત 1957ની, જ્યારે બિહારમાં નહેરુએ ચાંદીની ખુરશીને ઠોકર મારીને હટાવી દીધી હતી...
જનતાને બેસવા માટે કાર્પેટ નથી, તો હું ચાંદીની ખુરશી પર કઈ રીતે બેસી શકું : નહેરુ
નહેરુ ચાંદીની ખુરશી જોઈને એટલા નારાજ થયા હતા કે, ગુસ્સે થઈ ખુરશીને તેને લાત મારીને હટાવી દીધી હતી
Image Twitter |
Lok Sabha Elections 2024 : દીર્ઘદ્રષ્ટા નેતાઓ કેટલીકવાર પોતાના હાવભાવ કે ઈશારા દ્વારા જ જનતાને સંદેશો આપી દેતા હોય છે. આવું જ કંઈક આઝાદી પછી બીજી લોકસભાની ચૂંટણીમાં દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ કર્યું હતું. આ વાત છે વર્ષ 1957 ની, કે જ્યારે તેઓ બિહારની ભાગલપુર લોકસભા બેઠક પરથી બનારસી પ્રસાદ ઝુનઝુનવાલાના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધન કરવા માટે આવ્યા હતા. ત્યારે નહેરુ માટે મંચ પર કુરસેલા મહારાજના રજવાડામાંથી ચાંદીની ખુરશી લાવવામાં આવી હતી. પરંતુ જ્યારે નહેરુ મંચ પર પહોંચ્યા તો આ જોઈ નારાજ થયા હતા અને ખુરશીને લાત મારી હટાવી દીધી હતી.
પ્રજાને બેસવા કાર્પેટ નથી, તો હું ચાંદીની ખુરશી પર કઈ રીતે બેસું
કોંગ્રેસના દિગ્ગજ નેતા તાલિબ અંસારીએ જણાવતા કહ્યું કે, ‘નેહરુ વિમાન દ્વારા ભાગલપુરના એ જ મેદાન પર ઉતર્યા હતા, જ્યાં હાલમાં એરપોર્ટ છે. તેઓ જીપમાં બેસીને સેન્ડીસ કમ્પાઉન્ડમાં સભાને સંબોધિત કરવા પહોચ્યા હતા. આ મેદાનમાં માટીના ટેકરા પર નેહરુ માટે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. નહેરુ ચાંદીની ખુરશી જોઈને એટલા નારાજ થયા હતા કે, ગુસ્સે થઈ ખુરશીને તેને લાત મારીને હટાવી દીધી હતી. તેમણે કહ્યું કે, હવે દેશ આઝાદ થઈ ગયો છે, હવે જનતાનું રાજ છે. જનતાને બેસવા માટે કાર્પેટ નથી, તો હું ચાંદીની ખુરશી પર કેવી રીતે બેસી શકું?’