ગાંધી પરિવારના ખાસ, સોનિયા માટે 'ચાણક્ય', કોણ છે અમેઠીથી મેદાને ઉતરેલા 'દિગ્ગજ' કિશોરી લાલ
Lok Sabha Elections 2024: કોંગ્રેસ પાર્ટીએ અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. જાણીએ કોણ છે કે એલ શર્મા, જેમના પર કોંગ્રેસે અમેઠી જેવી હાઈપ્રોફાઈલ સીટ પર દાવ લગાવ્યો છે.
કિશોરી લાલને સોનિયાના ચાણક્ય માનવવામાં આવે છે
કે એલ શર્મા મૂળ લુધિયાણાના છે. તેમજ તેઓ લાંબા સમયથી ગાંધી પરિવારની નજીક છે. અમેઠી અને રાયબરેલીમાં તેઓ ચૂંટણી રણનીતિ બનાવવાનું અને તેને અમલ કરવાનું કામ કરી રહ્યા છે. આ ઉપરાંત કિશોરી લાલને સોનિયાના ચાણક્ય પણ માનવામાં આવે છે. 1983 થી તેઓ રાયબરેલી અને અમેઠીમાં કામગીરી કરી રહ્યા છે.
કેપ્ટન સતીશ શર્માએ રાજીવ ગાંધી સાથે કરાવી હતી મુલાકાત
કિશોરી લાલ અને કેપ્ટન સતીશ શર્મા સાથે મળીને કામ સંભાળતા હતા. તેમજ કેપ્ટન સતીશ શર્મા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી બંને મિત્રો હતા. આથી કેપ્ટન શર્મા દ્વારા જ કિશોરી લાલ રાજીવ ગાંધીના સંપર્કમાં આવ્યા હતા. કિશોરીલાલ નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજકની નોકરી છોડીને કેપ્ટન સતીશ શર્મા સાથે અમેઠી આવ્યા. રાજીવ ગાંધી જ્યારે અમેઠીના સાંસદ હતા ત્યારે કિશોરી લાલ કેપ્ટન શર્મા સાથે તેમનું કામ જોતા હતા.
સોનિયા ગાંધીની જીતમાં મહત્ત્વની ભૂમિકા
કિશોરી લાલને સૌપ્રથમ તિલોઈ વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી હતી. 1999ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાંથી સોનિયાની જીતમાં કિશોરી લાલે મહત્વની ભૂમિકા ભજવી હતી. ચૂંટણી પછી પણ કિશોરી લાલે પાંચ વર્ષ અમેઠીમાં રહીને સંપૂર્ણ જવાબદારી સંભાળી હતી.
સાંસદ પ્રતિનિધિની જવાબદારી લીધી
2004માં જ્યારે સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ બન્યા ત્યારે પણ કિશોરી લાલે સાંસદ પ્રતિનિધિની જવાબદારી સંભાળી હતી. તેમજ સોનિયા ગાંધીની ગેરહાજરીમાં પણ તેમણે ઓફિસમાં આવનાર દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને શક્ય એટલી મદદ પૂરી પાડી હતી. ત્યારપછીની ચૂંટણીઓમાં, તેમના કાર્યક્ષમ સંચાલનને કારણે જ સોનિયાને પ્રચંડ જીત મળી હતી.