‘બિલ વાંચો, પછી તર્ક આપો, ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો’ વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા રિજિજુ
Kiren Rijiju Slams Opposition Over Waqf Bill : સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વકફ બિલ મુદ્દે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે, તેમણે કહ્યું કે, ‘કેટલાક પક્ષો અને સંગઠનના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. કંઈપણ બોલ્યા પહેલા બિલને વાંચો અને પછી તર્ક આપો. ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે ન દોરો, અમે બિલ લાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.’
પહેલા બિલ વાંચો પછી તર્ક આપો : રિજિજુ
રિજિજુએ વકફ બિલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, ‘વકફ બિલ મુદ્દે કેટલાક પક્ષો અને સંગઠનો ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓએ બિલ અંગે ખોટું ન બોલવું જોઈએ. તેમણે પહેલા બિલ વાંચવું જોઈએ અને પછી તર્ક આપવો જોઈએ. તેઓ ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.’
‘બિલ લાવવાની સંપૂર્ણ તૈયારી કરી લેવાઈ છે’
તેમણે કહ્યું કે, ‘અમે બિલ લાવવાની તમામ તૈયારી કરી લીધી છે. અમે તે ક્યારે લાવશું, તે તમને જણાવી દઈશું. અમે બિલના નામે તણાવ ઉભો કરનારા સંગઠનોની ઓળખ કરી છે. ઈદ પર પટ્ટી બાંધીને નમાજ અદા કરવાનું કહેનારા સંગઠનો ખોટું કરી રહ્યા છે. મસ્જિક, કબ્રસ્તાન અથવા મુસ્લિમની જમીન છીનવી લેવાની વાત કહી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.’
આ પણ વાંચો : બિહારના અરરિયામાં કોંગ્રેસની યાત્રામાં બબાલ, રેલી છોડીને ભાગ્યા કન્હૈયા કુમાર
‘વકફ એક્ટને ગેરબંધારણીય કહેવું એ સૌથી મોટું જૂઠ’
રિજિજુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘વકફ એક્ટને ગેરબંધારણીય કહેવું એ સૌથી મોટું જૂઠ છે. આપણે કોઈની જમીન કેવી રીતે છીનવી શકીએ? વકફ અંગે ખોટી માહિતી ફેલાવનારાઓ આ લોકો કોણ છે? હું મીડિયાને પણ વિનંતી કરું છું કે, તેઓ ખોટી સૂચના ફેલાવનારાઓની ઓળખ કરે. કોઈપણ બિલમાં આવા સ્તરની ચર્ચા કરાઈ નથી.’
‘ઈદના દિવસે ખોટું ન બોલવું જોઈએ’
તેમણે કહ્યું કે, ‘જ્યારે CAA કાયદો લવાયો હતો, ત્યારે પણ આ લોકોએ વિરોધ કર્યો હતો. હું ફરીથી કહું છું કે, જો તમને કોઈ વાંધો હોય તો મહેરબાની કરીને આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરો. આજે ઈદનો પવિત્ર દિવસ છે, ખોટું ન ફેલાવવું જોઈએ. ઈદના દિવસે જે લોકો ખોટું બોલે છે, તેઓ નકલી વ્યક્તિ છે. અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ખૂબ જ સમજદાર છે. તેમને ખબર છે કે, તેઓ શું કરી રહ્યા છે, તેઓ ખોટું બોલી રહ્યા છે. આ બિલ પાસ થયા બાદ ઓવૈસી જેવા લોકો રાજકીય રીતે કેવી રીતે ટકી શકશે.’
આ પણ વાંચો : પાક.ના પૂર્વ PM ઈમરાન ખાનને મળશે શાંતિ નોબલ પુરસ્કાર? PWA-CPNએ નોમિનેટ કર્યા