PM મોદી રોકસ્ટાર...તેઓ દેશને આગળ લઈ જઈ રહ્યા છે અને રાહુલ ગાંધી દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે: કિરેન રિજિજુ
- વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે: કિરેન રિજિજુ
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2024, સોમવાર
એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, વડાપ્રધાન મોદી દેશને આગળ લઈ જવાનું કાનમ કરી રહ્યા છે. મોદી સરકારમાં મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી માત્ર દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેઓ ગંભીર નેતા નથી. બીજી તરફ I.N.D.I.A. ગઠબંધન અંગે તેમણે કહ્યું કે, જો વિપક્ષનું ગઠબંધન દેશ વિરોધી કામ કરશે અથવા બોલશે તો અમે તેમને જરૂર જવાબ આપીશું.
ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલાયો
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, આજે ભારતને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. તેમણે કહ્યું, ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલાયો છે અને આ પીએમ મોદીના કારણે થયું છે. આજે આપણે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ. વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે. પીએમ મોદી દેશને આગળ લઈ જઈ રહ્યા છે. તેઓ એક રોકસ્ટાર છે. કેન્દ્રીય મંત્રીએ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. પર પણ આકરા પ્રહાર કર્યા. કિરેન રિજિજુએ કહ્યું કે જો કોઈ દેશ વિરુદ્ધ કામ કરશે તો અમારે બોલવું પડશે. તમને જણાવી દઈએ કે I.N.D.I.A. ગઠબંધનમા સતત ભંગાણ જોવા મળી રહ્યું છે.ટ
રાહુલ ગાંધી પર પ્રહાર
મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. રિજિજુએ કહ્યું કે, રાહુલ ગાંધી દેશને નુકસાન પહોંચાડવા માટે જ યાત્રા કરી રહ્યા છે. તેઓ લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે. વિદેશોમાં દેશ વિરુદ્ધ બોલતા રહે છે. ચીન અથવા સુરક્ષા વિશે ભ્રમ ફેલાવવું અથવા ખોટું બોલવું એ ગુનાની શ્રેણીમાં આવે છે. રાહુલ ગાંધી ગંભીર નેતા નથી. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધી યાત્રા કરી રહ્યા છે.