ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિને ખડગેના ભાજપ ઉપર અનેકવિધ પ્રહારો
- વિશ્વના સૌથી જૂના પક્ષો પૈકીના એક
- 'ભાજપે વિભાજન કર્યું છે : ધિક્કારના બીજ વાવ્યાં છે, દેશમાં બેકારી ફેલાવી છે : ફુગાવાથી જનતા ભીંસાઈ રહી છે'
નવી દિલ્હી : વિશ્વની સૌથી જૂની રાજકીય પાર્ટીઓ પૈકીની એક અને ભારતની સૌથી પહેલી રાજકીય પાર્ટી, ગ્રાન્ડ-ઑલ્ડ-પાર્ટી (જીઓપી) પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૨૮મા સ્થાપના દિને ભારતીય જનતા પક્ષ (ભાજપ) ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે, 'ભાજપે વિભાજન કર્યું છે. ધિક્કારના બીજ વાવ્યા છે અને બેકારી ફેલાવી છે. ભારતની ભાવના ઉપર સતત આક્રમણો થઈ રહ્યા છે.' તેઓએ વધુમાં કહ્યું હતું કે, 'રોજેરોજ દેશમાં ધિક્કાર ઉંડો અને ઉંડો પ્રસરી રહ્યો છે. જનસામાન્ય ફુગાવા અને બેકારીના બોજ નીચે દબાઈ રહી છે પરંતુ સરકારને તેની કશી જ પડી નથી.'
અહીંના કોંગ્રેસ મુખ્ય મથકે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા પક્ષ પ્રમુખે કહ્યું હતું કે, કોંગ્રેસે યુવાનો, મહિલાઓ વંચિત વર્ગો અને બુદ્ધિજીવીઓ તે સર્વેને એક કરી સર્વગ્રાહીત્વ સ્થાપવું પડશે.
તેમણે કહ્યું કે, કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' તે દાયકાઓ પછીના પક્ષના જનસંપર્કની સૌથી મોટી કવાયત છે. દેશભરમાં ફેલાયેલા પક્ષના કરોડો કાર્યકરો માટે નવજીવન આપનારી બની રહી છે તે દર્શાવે છે કે, સત્ય અને અહિંસાના કોંગ્રેસના આદર્શોને જનતાએ બહુમાન્ય ગણ્યા છે તેને સબળ ટેકો પણ આપ્યો છે. ખડગેએ વધુમાં કહ્યું, 'કોંગ્રેસને લીધે જ દેશ સરમુખત્યારશાહીમાંથી બચી ગયો છે.'
આ સાથે કોંગ્રેસ પ્રમુખે પક્ષના શાસન દરમિયાન કરાયેલા વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું હતું : 'કોંગ્રેસે ભારતમાં માત્ર લોકશાહી જ સ્થાપી નથી કે માત્ર તેમાં સફળતા પ્રાપ્ત કરી નથી પરંતુ થોડા જ દશકોમાં તેણે ભારતને એક આર્થિક મહાસત્તા બનાવી દીધી છે. ઉપરાંત પરમાણુ ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે, આઇ.ટી. અને સેવા ક્ષેત્રે પણ સુપર પાવર બની રહ્યું છે.
આ પ્રસંગે કોંગ્રેસ પૂર્વ કોંગ્રેસ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તથા પક્ષના ટોચના નેતાઓ ઉપસ્થિત હતા.
કોંગ્રેસના સ્થાપના દિને હિન્દીમાં ટ્વિટ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'હું તે સંસ્થાનો એક ભાગ હોવાનું ગૌરવ અનુભવું છું કે જેણે સત્ય અને અહિંસાનો અને સંઘર્ષનો માર્ગ લીધો છે અને હંમેશા જનસામાન્ય માટે કાર્યરત રહી છે.'