એક દેશ, એક ચૂંટણી મુદ્દે રાજકીય ઘમસાણ, જાણો કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયા
One Nation One Election : કેબિનેટ બેઠકમાં 'વન નેશન-વન ઇલેક્શન'ના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. તેને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. જ્યારે વિપક્ષી નેતાઓએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે, તો એનડીએમાં સામેલ પાર્ટીઓ તેનું સમર્થન કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેની વ્યવહારિકતા પર સવાલ ઉઠાવ્યા છે, તો અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, આ સંઘવાદને ખતમ કરવાનો પ્રસ્તાવ છે.
'વન નેશન-વન ઈલેક્શન'ના પ્રસ્તાવનો વિરોધ કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, "આ વ્યવહારુ નથી, ચૂંટણી આવતી હોવાથી ધ્યાન ભટકાવવા માટે આવા મુદ્દા ઉઠાવે છે. ભાજપ દ્વારા આ માત્ર ધ્યાન ભટકાવવાનો મુદ્દો છે. આ બંધારણની વિરુદ્ધ છે, આ લોકશાહીની વિરુદ્ધ છે, તે સંઘવાદની વિરુદ્ધ છે, દેશ તેને ક્યારેય સ્વીકારશે નહીં."
ખડગેની ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, "વિપક્ષ 'વન નેશન વન ઇલેક્શન'ને લઈને આંતરિક દબાણ અનુભવી શકે છે, કારણ કે સલાહકાર પ્રક્રિયા દરમિયાન 80 ટકાથી વધુ લોકોએ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે, અને તેમાં પણ ખાસ કરીને યુવાઓ તરફથી વધુ સમર્થન મળ્યું છે."
મેં હંમેશા તેનો વિરોધ કર્યોઃ ઓવૈસી
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, "મેં હંમેશા 'વન નેશન વન ઇલેક્શન'નો વિરોધ કર્યો છે, તે સંઘવાદને નષ્ટ કરવાનો પ્રસ્તાવ છે. આ સાથે તેઓ લોકશાહી સાથે પણ ચેડા કરી રહ્યા છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સિવાય કોઈને અલગ- અલગ ચૂંટણીથી કોઈને સમસ્યા નથી. તેઓ (પીએમ મોદી અને અમિત શાહ) મ્યુનિસિપલ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પણ પ્રચાર કરે છે, તેનો અર્થ એ નથી કે આપણે એકસાથે ચૂંટણી યોજવાની જરૂર છે. વારંવાર અને સામયિક ચૂંટણીઓ લોકશાહી જવાબદારીમાં સુધારો કરે છે."
ભાજપની બીજી સસ્તી યુક્તિઃ ડેરેક ઓ'બ્રાયન
રાજ્યસભાના સાંસદ અને ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રાયને 'વન નેશન વન ઈલેક્શન' નો વિરોધ કરતાં કહ્યું કે, "લોકશાહી વિરોધી ભાજપની આ બીજી સસ્તી રણનીતિ છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીની સાથે મહારાષ્ટ્રની ચૂંટણીની જાહેરાત શા માટે ન કરવામાં આવી ? તમે એક સાથે ત્રણ રાજ્યોમાં ચૂંટણી નથી કરાવી શકો અને વન નેશન વન ઇલેક્શનની વાતો કરો છો." તેમણે કહ્યું કે અમને એ પણ જણાવો કે રાજ્યની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવા કે વધારવા સહિત કેટલા બંધારણીય સુધારા કરવામાં આવશે."
હવે મત લૂંટનારાઓનું શાસન નહીં ચાલેઃ જીતનરામ માંઝી
HAMના વડા જીતન રામ માંઝી કે, જે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનનો ભાગ છે, તેમણે 'વન નેશન-વન ઇલેક્શન'ના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે "દર વર્ષે કોઈને કોઈ રાજ્યમાં ચૂંટણી થાય છે, ચૂંટણીના આ સાતત્યને કારણે દેશ હંમેશા ચૂંટણીના મોડમાં રહે છે. આ માત્ર વહીવટી અને નીતિવિષયક નિર્ણયોને અસર કરતું નથી, પરંતુ દેશની તિજોરી પર પણ મોટો બોજ નાખે છે. 'વન નેશન-વન ઇલેક્શન' દલિત મતદારોને પણ સુવિધા આપશે. હવે મત લૂંટનારાઓનું રાજ નહીં ચાલે."
અમારું વલણ સકારાત્મક છે: માયાવતી
'વન નેશન-વન ઈલેક્શન' અંગે બસપાના વડા માયાવતીએ કહ્યું કે, આ સિસ્ટમ હેઠળ દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ અંગે અમારી પાર્ટીનું વલણ સકારાત્મક છે, પરંતુ તેનો ઉદ્દેશ્ય દેશ અને જનતાના હિતમાં હોવો જોઈએ.