ચૂંટણી ભાષણ માટે બિહાર ગયા પણ પહલગામ અંગે સર્વપક્ષીય બેઠકમાં ન આવ્યા, ખડગેએ PM મોદીને ઘેર્યા
Kharge attack on PM Modi | કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પહલગામ આતંકી હુમલા બાદ બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ ન લેવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી. ખડગેએ કહ્યું કે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સરકારે સુરક્ષામાં ખામી હોવાનો સ્વીકાર કર્યો હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અંગે તેમણે સરકારને ધારદાર સવાલ કર્યો કે પાણી તો રોકી લેશો પણ તેનો સંગ્રહ ક્યાં કરશો?
સરકારે સુરક્ષામાં ખામી હોવાનું સ્વીકાર્યું
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ હાજર હતા. જ્યાં મેં કહ્યું હતું કે જ્યારે સરકાર મીટિંગ બોલાવે છે ત્યારે વડાપ્રધાન હાજર રહે. તેમ છતાં પીએમ મોદી હાજર ન રહ્યા. પીએમ મોદી આવી મહત્ત્વની બેઠક વખતે બિહારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે જતા રહ્યા. ત્યારે મેં કહ્યું કે આ યોગ્ય નથી.
બિહારમાં PMની રેલી સામે ઉઠ્યા સવાલ
કોંગ્રેસ અધ્યક્ષે સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવાને બદલે બિહારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા બદલ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, પીએમ મોદીએ આ બેઠકમાં ભાગ નથી લીધો એનો મતલબ એ જ છે કે તેઓ આ મામલે ગંભીર જ નથી. પીએમ મોદીએ તેમના ભાષણમાં હિન્દી અને અંગ્રેજીમાં બોલવાને બદલે એ જણાવવાની જરૂર હતી કે આ હુમલો થયો કેવી રીતે?
ખડગેએ કહ્યું - રાષ્ટ્રહીતમાં અમે સાથે...
ખડગેએ શોક વ્યક્ત કર્યો કે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં સરકાર લોકોની સુરક્ષા કરી શકી નથી. તેમ છતાં, રાષ્ટ્ર અને તેની એકતાના દૃષ્ટિકોણથી અમે તેમને કહ્યું કે આપણે બધાએ એકજૂથ રહેવું જોઈએ અને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું. અમે એમ પણ કહ્યું કે અમે આ મામલે સરકારના નિર્ણયને સમર્થન આપવા માટે એકજૂટ છીએ.