'અયોધ્યાને હચમચાવી નાખીશું...' ખાલિસ્તાની આતંકી પન્નુની રામમંદિરને ઉડાવી દેવાની ધમકી
Gurpatwant Singh Pannun Threats Ayodhya Ram Mandir: કેનેડા દ્વારા મળી રહેલા સમર્થનના કારણે ખાલિસ્તાનીઓમાં એટલી હિંમત આવી ગઈ છે કે હવે તેઓ અયોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવવાની સીધી ધમકી આપવા લાગ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી સંગઠન 'શીખ ફોર જસ્ટિસ'ના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ હવે હિન્દુઓની આસ્થાનું મોટું કેન્દ્ર અયોધ્યા રામ મંદિર પર હુમલાની ધમકી આપી છે.
પન્નુએ એક વીડિયો જારી કરીને કહ્યું કે, અયોધ્યાના રામ મંદિરમાં 16 અને 17 નવેમ્બરના રોજ હિંસા થશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં પન્નુએ કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપી છે. આ વીડિયોમાં રામ મંદિરની સાથે-સાથે અનેક બીજા હિન્દુ ધાર્મિક સ્થળો વિરુદ્ધ હિંસા ભડકાવવાની પણ ધમકી આપવામાં આવી છે.
વીડિયોમાં પીએમ મોદીની પૂજા કરતી તસવીર
વીડિયોમાં પન્નુએ આગળ કહ્યું કે, 'અમે હિન્દુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાનો પાયો હચમચાવી નાખીશું.' પન્નુની આ ધમકીને ભારતના સૌથી પવિત્ર સ્થળોમાંથી એક (રામ મંદિર) માટે મોટા જોખમ તરીકે જોવામાં આવી રહી છે. પન્નુના વીડિયોમાં પીએમ મોદી અયોધ્યા રામ મંદિરમાં પ્રાર્થના કરતા હોવાની તસવીરો પણ દેખાડવામાં આવી છે. ખાલિસ્તાની આતંકવાદીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિન્દુ મંદિરો પર થઈ રહેલા ખાલિસ્તાની હુમલાઓથી દૂર રહેવાની પણ ધમકી આપી છે.
આ પણ વાંચો: માત્ર દિવાળીમાં જ ફટાકડા પર પ્રતિબંધ કેમ? ચૂંટણીઓમાં પણ થાય છે ઉપયોગ: SCનો સણસણતો સવાલ
ભારતમાંથી ફરાર થઈ ગેયલ ભાગેડુ પન્નુ ભારત વિરુદ્ધ સતત ઝોર ઓકી રહ્યો છે. તે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ હિંસા માટે ખાલિસ્તાનીઓને ભડકાવવાનું કામ કરે છે.
અગાઉ પણ ધમકી આપી ચૂક્યો છે પન્નુ
પન્નુએ ભારતને પહલીવાર જ ધમકી નથી આપી. તે અગાઉ પણ અનેક વખત ભારતને ધમકી આપી ચૂક્યો છે. તેણે ભારતને ધમકી આપતા વિમાનને ઉડાવી દેવાની વાત કરી હતી. પન્નુએ કહ્યું હતું કે, શીખ રમખાણોના 40 વર્ષ પૂરા થવા પર એર ઈન્ડિયાની ફ્લાઈટ પર હુમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય મુસાફરોને 1 થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયામાં ઉડાન ન ભરવાની ચેતવણી આપી હતી.
કોણ છે આતંકવાદી પન્નુ?
ગુરપતવંત સિંહ પન્નુનો જન્મ પંજાબમાં થયો હતો. તેણે અભ્યાસ પણ અહીંથી જ કર્યો હતો. હાલમાં તે વિદેશમાં છે. તે ક્યારેક કેનેડામાં રહે છે તો ક્યારેક અમેરિકામાં રહે છે. તેની પાસે આ બંને દેશોની નાગરિકતા છે. વિદેશમાં રહીને જ તે ભારતમાં આતંકવાદી હુમલા કરવાની ધમકી આપે છે. 1947માં ભાગલા પછી પન્નુનો પરિવાર પાકિસ્તાનથી અમૃતસરના ખાનકોટ ગામમાં આવી ગયો હતો. પન્નુનો જન્મ 14 ફેબ્રુઆરી 1967ના રોજ થયો હતો. પન્નુના પિતા પંજાબમાં એક કંપનીમાં કામ કરતા હતા. તેનો એક ભાઈ પણ છે, જે વિદેશમાં રહે છે. તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. પન્નુએ ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીથી લો નો અભ્યાસ કર્યો છે. હાલમાં તે અમેરિકામાં વકાલાત કરી રહ્યો છે. પન્નુએ 2007માં 'શીખ ફોર જસ્ટિસ' નામનું સંગઠન બનાવ્યું હતું. જુલાઈ 2020માં ભારતે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ ISIની મદદથી ખાલિસ્તાન અભિયાન ચલાવી રહ્યો છે.