ખાલિસ્તાની આતંકી પન્નુની અયોધ્યાના રામ મંદિરને ઉડાવવાની ધમકી
- વીડિયોમાં કેનેડાના સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપી
- 16-17 નવેમ્બરે અયોધ્યાના રામ મંદિરમાં હિંસા થશે : પન્નુ રામ મંદિર ઉપરાંત અન્ય મંદિરો વિરુદ્ધ હિંસાની ધમકી
નવી દિલ્હી : કેનેડાથી મદદથી ખાલિસ્તાનીઓની હિંમત એટલી વધી ગઇ છે કે હવે તે હિંદુઓની આસ્થાના સૌથી મોટા કેન્દ્ર અયોધ્યાના રામ મંદિરને નિશાન બનાવવાની ધમકી આપવા લાગ્યા છે.
ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ વીડિયો જારી કરીને રામ મંદિરને ઉડાવવાની ધમકી આપી છે. વીડિયોમાં પન્નુએ કેનેડાના હિંદુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપી છે.
સિખ ફોર જસ્ટિસ (એસએફજે) નામના આતંકી સંગઠનના વડા પન્નૂએ વીડિયોમાં ધમકી આપી છે કે ૧૬ અને ૧૭ નવેમ્બરે અયોધ્યાના રામ મંદિરમાં હિંસા થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રૈમ્પટનમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રામ મંદિરની સાથે સાથે બીજા અનેક હિંદુ ધાર્મિક સ્થળોની વિરુદ્ધ હિંસા ભડકાવવાની ધમકી આપવામાં આવી છે.
વીડિયોમાં પન્નુએ આગળ જણાવ્યું છે કે હિંદુત્વ વિચારધારાના જન્મસ્થળ અયેોધ્યાનો પાયોે હચમચાવી દઇશું. પન્નુની આ ધમકીને ભારતના સૌથી પવિત્ર સ્થળોમાંથી એક રામ મંદિર માટે મોટા ખતરાના રૂપમાં જોવામાં આવી રહી છે.
પન્નુના વીડિયોમાં પીએમ મોદીના અયોધ્યા રામ મંદિરમાં પ્રાર્થના કરતા ફોટા દેખાડવામાં આવ્યા છે. ખાલિસ્તાની આતંકીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિંદુ મંદિરો પર થઇ રહેલા ખાલિુસ્તાની હુમલાઓથી દૂર રહેવાની પણ ધમકી આપી છે.
ભારતથી ફરાર થયેલા ભાગેડુ પન્નુ ભારતની વિરુદ્ધ સતત ઝેર ઓકી રહ્યો છે. તે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની વિરુદ્ધ હિંસા માટે ખાલિસ્તાનીઓની ઉશ્કેરણીનું કાર્ય કરતો રહ્યો છે.
ગુરુપતવંત સિંહ પન્નુનો જન્મ પંજાબમાં થયો હતો. હાલમાં તે વિદેશમાં છે. ક્યારેક તે કેનેડામાં તો ક્યારેક અમેરિકામાં રહે છે. તેની પાસે આ બંને દેશોની નાગરિકતા છે.