મણિપુરને સળગાવવામાં પન્નુનો પણ હાથ, મુસ્લિમ-ખ્રિસ્તીઓને ભડકાવ્યા: એજન્સી નોટમાં દાવો
Gurpatwant Singh Pannun: ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ પર 5 વર્ષના પ્રતિબંધને દિલ્હી હાઇકોર્ટની ટ્રિબ્યુનલે મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલય દ્વારા જુલાઈ 2020માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ સિવાય સંગઠનના નેતા ગુરપતવંત સિંહ પન્નુને પણ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. હવે આ પ્રતિબંધ વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.
શીખ ફોર જસ્ટિસે મણિપુરના લોકોને ઉશ્કેર્યા હોવાનું કહેવાય છે
ટ્રિબ્યુનલ સમક્ષ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કેટલાક તથ્યો પણ રજૂ કર્યા છે, જેમાં શીખ ફોર જસ્ટિસે મણિપુરમાં ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતથી અલગ થવા માટે ઉશ્કેર્યા હોવાનું કહેવાય છે. કેન્દ્ર સરકારે કહ્યું કે શીખ ફોર જસ્ટિસે પંજાબ માટે ખાલિસ્તાનના રૂપમાં અલગ દેશ બનાવવાની હિમાયત કરી હતી, જ્યારે મણિપુરના મુસ્લિમો, તમિલો અને ખ્રિસ્તીઓને દેશથી અલગ થવા માટે ઉશ્કેર્યા હતા.
શીખ ફોર જસ્ટિસે ભારત વિરોધી એજન્ડા વધાર્યો છે
આ ઉપરાંત એવા પણ આરોપ છે કે શીખ ફોર જસ્ટિસે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ ધમકી આપી હતી. આ માહિતી સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશનના રૂપમાં રજૂ કરવામાં આવતા ટ્રિબ્યુનલના આદેશમાં આપવામાં આવી છે. ઇન્ટેલીજન્સ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલી નોટમાં કહેવામાં આવ્યું હતું કે શીખ ફોર જસ્ટિસે ભારત વિરોધી એજન્ડા વધાર્યો છે અને દેશ વિરુદ્ધ હિંસા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
આ સંગઠનનો દેશના ભાગલા પાડવાનો પ્રયાસ
આ સંગઠને પંજાબના લોકોને ઉશ્કેરવા ઉપરાંત મુસ્લિમો અને ખ્રિસ્તીઓ અંગે પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. તેમજ તમિલોને દ્રવિડસ્તાનની માંગ કરવા ઉશ્કેર્યા. આ સિવાય સંગઠને મુસ્લિમો માટે ઉર્દૂસ્તાનની જગ્યાની પણ માંગ કરી હતી. આ રીતે લઘુમતીઓ પર અત્યાચારના બનાવટી પ્રચારના નામે તેમણે દેશના ભાગલા પાડવાની વાત કરી છે.
મણિપુરને સળગાવવામાં પન્નુનો પણ હાથ
માત્ર આટલું જ નહિ આ સંગઠને દલિતોને પણ ઉશ્કેર્યા છે અને કહ્યું કે ભારત સરકાર તેમના પર અત્યાચાર કરી રહી છે. આથી તમારે અલગ દેશની માંગને સમર્થન આપવું જોઈએ. કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ સંગઠને પંજાબ અને હરિયાણાના ખેડૂતોને કૃષિ બિલ વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમજ મણિપુરમાં પણ હિંસા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ સંગઠને કુકી સમુદાયના લોકોને ઉશ્કેર્યા, જેમાંથી મોટાભાગના ખ્રિસ્તીઓ છે. આ સિવાય મૈતેઈ સમુદાયના જે લોકો મુસ્લિમ છે તેમને પણ ઉશ્કેરવામાં આવ્યા હતા.