Get The App

પંજાબથી કેનેડામાં ખાલિસ્તાની આતંકી બનવા સુધીની સફર...જાણો હરદીપ સિંહ નિજ્જરની ક્રાઈમ કુંડળી

હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લીધે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા, સામ-સામે કાર્યવાહીનો દોર

1996માં નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગી ગયો હતો, ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરવાનું શરૂ કર્યું

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
પંજાબથી કેનેડામાં ખાલિસ્તાની આતંકી બનવા સુધીની સફર...જાણો હરદીપ સિંહ નિજ્જરની ક્રાઈમ કુંડળી 1 - image

હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો પણ બગડ્યા છે. પંજાબની ધરતીમાં ઉછરેલો નિજ્જર કઈ રીતે ખાલિસ્તાની આતંકવાદી બન્યો તે જાણવું રસપ્રદ છે. હરદીપ સિંહ નિજ્જર પંજાબના જલંધરના ભર સિંહ પુરા ગામનો રહેવાસી હતો. શરૂઆતના દિવસોથી જ તેના સ્થાનિક ગુંડાઓ સાથે સંબંધો હતા.

કોનાથી પ્રભાવિત થયો હતો? 

1980 અને 90ના દાયકામાં ગુરનેક સિંહ નેકાથી પ્રભાવિત થઈને, તેણે ગેંગસ્ટર બનવા તરફ આગળ વધ્યો હતો. પહેલા તે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)ના આતંકવાદીઓ સાથે જોડાયો અને બાદમાં 2012થી તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા જગતાર સિંહ તારાની નજીકનો સાથી બન્યો.

નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગ્યો હતો

જ્યારે હરદીપ સિંહ નિજ્જરનું નામ ઘણી આતંકી ગતિવિધિઓમાં આવવા લાગ્યું ત્યારે તે 1996માં નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગી ગયો હતો. નિજ્જરે કેનેડામાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જેથી તેની લો પ્રોફાઈલને કારણે તેના પર લોકોની નજર ના પડે. બાદમાં તે પાકિસ્તાનમાં KTF ચીફ જગતાર સિંહ તારાના સંપર્કમાં આવ્યો હતો.

પાકિસ્તાન પણ ગયો હતો 

બૈસાખી જૂથના સભ્યના વેશમાં નિજ્જરે એપ્રિલ 2012માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને લગભગ 14 દિવસ સુધી પાકિસ્તાનમાં હથિયાર અને વિસ્ફોટકોની તાલીમ લીધી હતી. કેનેડા પરત ફર્યા પછી નિજ્જરે ડ્રગ અને શસ્ત્રોની દાણચોરીમાં રોકાયેલા તેના સહયોગીઓ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્ર કરવાનું શરૂ કર્યું.નિજ્જરે જગતાર સિંહ તારા સાથે મળીને પંજાબમાં આતંકવાદી હુમલા કરવાની યોજના શરૂ કરી અને કેનેડામાં એક ગેંગ બનાવી, જેમાં મનદીપ સિંહ ધાલીવાલ, સરબજીત સિંહ, અનુપવીર સિંહ અને દર્શન સિંહ ફૌજી સામેલ હતા.

હથિયારોની પણ તાલીમ લીધી હતી 

નિજ્જરે ડિસેમ્બર 2015માં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં હથિયારોની તાલીમ લીધી હતી. વર્ષ 2014માં નિજ્જરે હરિયાણાના સિરસામાં ડેરા સચ્ચા સૌદાના હેડક્વાર્ટર પર આતંકી હુમલો કરવાની યોજના બનાવી હતી પરંતુ તે ભારત પહોંચી શક્યો નહોતો. નિજ્જરે તેના મોડ્યુલને ભૂતપૂર્વ ડીજીપી મોહમ્મદ ઇઝહર આલમ, પંજાબ સ્થિત શિવસેના નેતા નિશાંત શર્મા અને બાબા માનસિંહ પેહોવાવાલેને નિશાન બનાવવા માટે સુચના આપી હતી.નિજ્જરે પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે પંજાબના ગેંગસ્ટર અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલા સાથે હાથ મિલાવ્યા હતા.

પડદા પાછળ આતંકનો માહોલ ઊભો કર્યો 

વર્ષ 2020માં નિજ્જરે અર્શદીપને ખાલિસ્તાની પ્રવૃત્તિઓ કરવા માટે પ્રખ્યાત પિતા-પુત્રની જોડી મનોહર લાલ અરોરા અને જતિન્દરબીર સિંહ અરોરાની હત્યાની જવાબદારી સોંપી હતી. મનોહર લાલની 20 નવેમ્બરે ભટિંડામાં તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી પરંતુ તેમનો પુત્ર ત્યાંથી ભાગી ગયો હતો. બંનેની હત્યા માટે નિજ્જરે કેનેડાથી અર્શદીપને પૈસા મોકલ્યા હતા.વર્ષ 2021માં, હરદીપ સિંહ નિજ્જરે તેના જ ગામ ભર સિંહ પુરાના પૂજારીને મારવાનું કામ અર્શદીપને સોંપ્યું હતું, જો કે પૂજારી બચી ગયો હતો. આ રીતે નિજ્જરે કેનેડામાં પડદા પાછળ પંજાબમાં આતંકનો માહોલ ઉભો કર્યો હતો.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 






Google NewsGoogle News