'પીલીભીત એન્કાઉન્ટરનો બદલો મહાકુંભમાં લઇશું...': ખાલિસ્તાની આતંકી પન્નુની ધમકી
Pilibhit Encounter : ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (KZF)ના ત્રણ આતંકીના એન્કાઉન્ટરથી નારાજ ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નુએ મહાકુંભમાં બદલો લેવાની ધમકી આપી છે. આ અંગે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેણે વડાપ્રધાન મોદી તેમજ ઉત્તર પ્રદેશ અને પંજાબના મુખ્યમંત્રીઓને આ માટે જવાબદાર ઠેરવીને બદલો લેવાની ધમકી આપી છે.
ફરિયાદ નોંધાઇ
પન્નુની ધમકી બાદ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ, મંગળવારે (24 ડિસેમ્બર) ત્રણ ખાલિસ્તાની આતંકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાયું હતું. હાલ કેસની વધુ તપાસ કરવા NIA અને ATSની ટીમ પીલીભીતમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
પોલીસે આતંકીઓને કર્યા હતા ઠાર
નોંધનીય છે કે, સોમવારે (23 ડિસેમ્બર) સવારે પીલીભીત પોલીસ અને પંજાબ પોલીસે એક સંયુક્ત કાર્યવાહીમાં પંજાબના ગુરદાસપુર જિલ્લાના ત્રણ ખાલિસ્તાની આતંકીઓ ગુરવિંદર, વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ અને જસનપ્રીત ઉર્ફે પ્રતાપ સિંહને ઠાર માર્યા હતા. જે પછી પન્નુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ધમકીભર્યો વીડિયો શેર કર્યો. જેમાં તેણે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ ખાલિસ્તાની આતંકીઓને નિર્દોષ ગણાવ્યા છે અને પ્રયાગરાજ મહાકુંભમાં બદલો લેવાની ધમકી આપી છે.
મૃતક આતંકીઓના પરિજનોને સહાય જાહેર કરી
પન્નુએ ત્રણેય આતંકીઓના પરિજનોને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાનું એલાન કર્યું છે. આ ઉપરાંત તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માટે અપશબ્દો ઉચ્ચારી મહાકુંભ મેળામાં બદલો લેવાની ધમકી આપી છે. જે બાદ પીલીભીત પોલીસના સોશિયલ મીડિયા સેલ દ્વારા આ મામલે સાયબર પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.