Ind vs Aus | મેલબોર્નમાં મેદાન બહાર પણ બબાલ! ખાલિસ્તાની અને ભારતીય સમર્થકો સામ-સામે આવ્યાં
IND vs AUS 4th Test: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ની બહાર ખાલિસ્તાની અને ભારતીય સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ પહેલા મેદાનમાં કોહલી અને કાંગારૂ બેટર વચ્ચે ઝઘડો થયાનો વીડિયો સામે આવ્યો હતો.
ખાલિસ્તાનીઓ ઝંડા લઈને દેખાવ કરવા લાગ્યા
એક ડઝન ખાલિસ્તાની લોકો ઝંડા લઈને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેનો ભારતીય સમર્થકોએ જોરદાર વિરોધ કર્યો હતો. ભારતીય સમર્થકોએ ભારત ઝિંદાબાદના નારા લગાવીને તેમને શાંત પાડ્યા હતા. આ અથડામણનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો પણ સામે આવ્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ આજથી એટલે કે 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ટેસ્ટ મેચ પહેલા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર ખાલિસ્તાની અને ભારતીય સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખાલિસ્તાન સમર્થકો અને ભારતીય ચાહકો હાથમાં ઝંડા લઈને સતત નારા લગાવતા એકબીજા સાથે લડી રહ્યાં છે.
પોલીસ વચ્ચે પડી
આ ઘટના આજે સવારે બની હતી, જ્યારે ભારતીય ચાહકોની ખાલિસ્તાની સમર્થકો સાથે ઘર્ષણ થયું હતું, જેમને પાછળથી વિક્ટોરિયા પોલીસે વિખેરી નાખ્યા હતા. મેલબોર્ન ટેસ્ટ મેચની ટિકિટ ન હોવા છતાં ખાલિસ્તાની સમર્થકો માત્ર હંગામો કરવા માટે સવારે પહોંચ્યા હતા. જો કે ટૂંક સમયમાં જ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.