KGF બાબુ: ચૂંટણીને હજી એક વર્ષની વાર પણ આ ભાઈ રૂ.350 કરોડ ગરીબોને ફાળવશે
- કર્ણાટક કોંગ્રેસના એક સંભવિત ઉમેદવારની સખાવત કે રેવડી, ચીક્પેટ બેઠકના ૫૦,૦૦૦ કુટુંબ પાછળ આ ખર્ચ થશે એવો દાવો
બેંગલુરું તા. 23 ઓગષ્ટ 2022,મંગળવાર
હજી ચૂંટણીને એક વર્ષની વાર છે પણ કર્ણાટકન એક ઉમેદવારે પોતે ઉમેદવારી અને પ્રચાર શરુ કરી દીધો છે. યુસુફ શેરીફ નામના આ નેતાની ગણના રાજ્યમાં સૌથી ધનિક રાજકીય તેના તરીકે થાય છે. સામાન્ય માણસો તેને KGF બાબુ તરીકે ઓળખે છે.
કોંગ્રેસ પક્ષના આ સંભિવત ઉમેદવારે જાહેરાત કરી છે તે કે ચીકપેટ બેઠક ઉપરથી આગામી ચૂંટણી લડશે. આ જાહેરાત સાથે તેને પોતાના વ્યક્તિગત ચૂંટણી ઢંઢેરાની પણ જાહેરાત કરી દીધી છે.
આ જાહેરાતથી બેંગલુરુંના તેના મહેલ જેવા નિવાસસ્થાને સેંકડો કાર્યકરોનો ભીડ જામી છે. પોતાની વ્યક્તિગત મિલકતમાંથી તેણે અગામી પાંચ વર્ષ માટે રૂ.૩૫૦ કરોડ લોકોના કલ્યાણ માટે વાપરવાની જાહેરાત કરી હોવાથી આ ભીડ એકત્ર થઇ ગઈ છે.
વિવિધ સ્કીમ હેઠળ આ રકમ KGF બાબુ વાપરવાના છે. “હું ચૂંટણીને ધ્યાનમાં રાખી આ પૈસા વાપરી રહ્યો નથી. હું ચીકપેટના રહીશોને મદદ કરવા માટે આ રકમ વાપરી રહ્યો છું. હું અહી ઉછર્યો છું અને વર્ષોથી સમાજસેવા કરી રહ્યો છું,” એમ બાબુ જણાવે છે.
સત્તાવાર રીતે ચૂંટણી પહેલા ગત વર્ષે તેણે ફાઈલ કરેલા એફીડેવીટ અનુસાર બાબુ પાસે રૂ.૧,૭૪૩ કરોડની મિલકત છે. એ અત્યારે કર્નાટક રાજ્યના સૌથી ધનિક ઉમેદવાર તરીકે સ્થાપિત થઇ ચુક્યા છે. અગાઉ, રાજ્ય સરકારમાં લઘુ ઉદ્યોગોની બાબતોના મંત્રી MTB નાગરાજે રૂ.૧,૨૦૦ કરોડની મિલકત એફિડેવિટમાં જાહેર કરી હતી. નાગરાજ મૂળ કોંગ્રેસી હતા પણ પછી તેમણે ભાજપમાં પ્રવેશ કરી મંત્રીપદ હાંસલ કર્યું છે.
નાણા કેવી રીતે લોકો સુધી પહોંચશે તેનું આયોજન કરતા બાબુ જણાવે છે કે હું બાળક અને બાળકોના શિક્ષણ માટે દરેક કુટુંબને રૂ.૫,૦૦૦ દર મહીને પ્રાથમિક શિક્ષણ માટે આપવાનો છું. આ માટે લગભગ મારા મતવિસ્તારના ૫૦,૦૦૦ કુટુંબને ફાયદો થશે જેના માટે પાંચ વર્ષમાં રૂ.૧૨૫ કરોડનો ખર્ચ થશે. યુનિવર્સીટીના ઉંબરે ઉભેલા વિધાર્થીઓ માટે હું ૫૦૦૦ વિધાર્થીઓને રૂ.૫૦૦૦ આપીશ જેના માટે મેં રૂ.૭.૫૦ કરોડ ફ્લાવેલા છે. આ ઉપરાંત, ઝુંપડપટ્ટીના લોકો માટે ઘર બનાવવા માટે એપાર્ટમેન્ટ કન્સ્ટ્રકશન માટે રૂ.૧૮૦ કરોડની ફાળવણી કરી છે, એવી વિગતો KGF બાબુ આપી રહ્યા છે. અગાઉ, પોતાના જન્મસ્થળ કોલારમાં પણ ૨૫,૦૦૦ કુટુંબ માટે રૂ.૧૦૦ કરોડનો ખર્ચ પોતે કર્યો હોવાનો દાવો બાબુ કરે છે.
બહુ પ્રસિદ્ધ ફિલ્મ KGFમાં દર્શાવવામાં આવેલી કોલાર ગોલ્ડ ફિલ્ડ વિસ્તારમાંથી બાબુ આવે છે એટલે બાબુને લોકો KGF બાબુ તરીકે ઓળખે છે. શરૂઆતના દિવસોમાં એ ભંગારનો ધંધો કરતા હોવાથી તેમનું નામ સ્ક્રેપ બાબુ પણ છે.