'પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો હિસ્સો'- ફેમસ રેસ્ટોરામાં લાગ્યું પોસ્ટર, જાણો કારણ
- આ પ્રદર્શન બાદ KFC દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાવાઈ
નાગપુર, તા. 16 ફેબ્રુઆરી, 2022, બુધવાર
રેસ્ટોરન્ટ ચેઈન KFC સોશિયલ મીડિયામાં કાશ્મીર સંબંધી પોસ્ટને લઈ ચર્ચામાં છે. તાજેતરમાં જ KFCની પાકિસ્તાન સ્થિત ફ્રેન્ચાઈઝીએ 'કાશ્મીર સોલિડરેટી ડે'ને સમર્થન આપ્યું હતું. ત્યાર બાદ ભારતીય લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. લોકોની નારાજગી વધ્યા બાદ KFCએ માફી માગવી પડી હતી. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના નાગપુર સ્થિત KFCના એક આઉટલેટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં કેટલાક લોકો KFC આઉટલેટની અંદર જઈને પ્રદર્શન કરી રહ્યા છે. આ સાથે જ કેએફસી મુર્દાબાદ અને ભારતના સમર્થનમાં નારા પણ બોલાવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પ્રદર્શનકારીઓએ KFCના સ્ટાફ પાસે પણ નારા બોલાવ્યા હતા. પ્રદર્શનકારીઓ રેસ્ટોરન્ટમાં કેટલાક પોસ્ટર લગાવતા પણ જોવા મળ્યા હતા.
ફ્રેન્ડ્સ ઓફ RSSના ટ્વિટર એકાઉન્ટ પર તેનો એક ફોટો શેર કરવામાં આવ્યો છે. તેમાં KFC આઉટલેટમાં એક પોસ્ટર દેખાઈ રહ્યું છે જેમાં લખેલું છે કે- 'POK સહિતનું સંપૂર્ણ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.'
વાયરલ વીડિયોમાં શું છે?
આ વાયરલ વીડિયો 14 ફેબ્રુઆરી, 2022નો છે. નાગપુરના માટે ચોક સ્થિત KFC આઉટલેટમાં કેટલાક યુવાનો નારેબાજી કરી રહ્યા છે.
આ પ્રદર્શન બાદ KFC દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાવાઈ અને પોલીસે પ્રદર્શન કરનારા સંગઠન નેશનલ યુથ અલાયન્સ સામે કોઈ કેસ પણ નથી નોંધ્યો. આ સંગઠનના પ્રમુખ રાહુલ પાંડેના કહેવા પ્રમાણે KFCનું આ કૃત્ય રાષ્ટ્રવિરોધી છે આ કારણે તેમણે આઉટલેટમાં જઈને પ્રદર્શન કર્યું અને ભારતના સમર્થનમાં નારા લગાવ્યા.