કેરળના મંદિરોમાં શર્ટ ઉતાર્યા પછી જ પુરુષોને પ્રવેશની પ્રથા બંધ કરવાની માંગ, જાણો કેમ શરુ થઈ હતી આ પરંપરા
Men to Wear Shirt in Kerala Temples: કેરળમાં સદીઓ જૂની એક પરંપરા છે, જે મુજબ મંદિરમાં દર્શનાર્થે જનાર પુરુષોએ તેમના ધડ પરના વસ્ત્રો એટલે કે શર્ટ કે ટીશર્ટ ઉતારીને જ મંદિરમાં પ્રવેશ કરવાનો હોય છે. અન્યથા એમને મંદિરમાં દાખલ થવા દેવાતા નથી. તાજેતરમાં આ પ્રથા બંધ કરવાની માંગ ઊઠી છે, જેને લીધે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીએ પણ ટિપ્પણી કરી હોવાથી વિવાદ વધુ ગરમાયો છે.
કોણે પ્રથા બંધ કરવાની માંગ કરી?
કેરળના ‘શ્રી નારાયણ ધર્મ સંઘમ ટ્રસ્ટ’ના પ્રમુખ સ્વામી સચ્ચિદાનંદે આ પ્રથા બંધ કરવાની અપીલ કરતાં આ વિવાદ સર્જાયો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ ટ્રસ્ટના વડાના વિચારોને સમર્થન આપીને એને સુધારાવાદી વિચાર ગણાવ્યો છે. આ મુદ્દે કેરળની જનતા અને ધાર્મિક સંસ્થાઓ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને જાતભાતની દલીલો થવા લાગી છે.
આ કારણસર ઊઠી માંગ
કેરળમાં મંદિરોમાં દાખલ થનાર પુરુષોએ ફરજિયાતપણે શર્ટ કાઢવું પડે છે, જેને લીધે અમુક પુરુષો અસહજતા અનુભવતા હોય છે. આ પ્રથાથી ટેવાઈ ન હોય એવી મહિલાઓ પણ ખુલ્લા ધડવાળા પુરુષોને જોઈને અસહજ થઈ જતી હોય છે. ઘણા દર્શનાર્થીઓનું એવું કહેવું છે કે જાહેર સ્થળે વસ્ત્રહિન અવસ્થામાં સામે આવવાની આદત ન હોવાથી તેઓ મનોમન સંકોચ અનુભવતા હોય છે અને તેમનું ધ્યાન પૂજાપાઠમાં નથી લાગતું. આ બાબતે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને આ જ કારણસર આ પ્રથા બંધ કરવાની માંગ ઊઠી છે.
વિવિધ વર્ગોના વિવિધ મત
કેરળનો એક વર્ગ માને છે કે મંદિરોમાં પુરુષો શર્ટ ઉતારીને દર્શને જાય એ ખૂબ જૂની પરંપરા છે, તેથી તેને જાળવી રાખવી જોઈએ. જ્યારે સમાજનો એક વર્ગ આવી વિચારસરણીને પછાત ગણીને તેને બદલવાની હિમાયત કરે છે. આ મુદ્દે નિષ્પક્ષ લોકોનું કહેવું છે કે આ પ્રથા બંધ કરી દેવી કે જાળવી રાખવી એનો નિર્ણય જે-તે મંદિરો પર છોડી દેવો જોઈએ; મંદિરના સંચાલકો જે નિયમ અનુસરવા કહે તે અનુસરવો.
આ સંગઠનોની પ્રથા બંધ કરવાની તરફેણ
આ મુદ્દે વિવિધ હિન્દુ સંગઠનોમાં મતભેદ છે. શ્રી નારાયણ ધર્મ પરિપાલન (SNDP) અને બહુમતી એઝવા સમુદાયની સંસ્થાઓ પુરુષોને શર્ટ પહેરવાની મંજૂરી આપવાની માંગ કરી રહી છે. તેઓ પોતાને હસ્તકના મંદિરોમાં આનો અમલ કરવા જઈ રહ્યા છે. આ જાહેરાત તેઓ કોલ્લમમાં 4 જાન્યુઆરીએ યોજાનારી બેઠકમાં કરશે. નાયર સર્વિસ સોસાયટી (NSS) એ આ મુદ્દાને વ્યક્તિગત મંદિર સત્તાવાળાઓની વિવેકબુદ્ધિ પર છોડી દીધો છે.
પ્રથા જાળવવા બહાનું કઢાઈ રહ્યું છે
કેરળના બ્રાહ્મણ પૂજારીઓની સંસ્થા ‘અખિલ કેરળ તંત્રી મંડલમ’નો મત એવો છે કે, ‘આવી પ્રથાઓ દેવતાની સ્થાપના સમયે ભક્તો, પૂજારીઓ અને મંદિરના સંચાલકો દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવેલ શપથનો એક ભાગ છે, તેથી તેને ક્યારેય બદલી ન શકાય.
કયા કારણે મંદિરોએ આ પ્રથા અપનાવી હતી?
પ્રાચીન ભારતમાં હિન્દુઓ માટે જનોઈનું મહત્ત્વ ખૂબ હતું. જનોઈધારી હિન્દુ અમુક-તમુક ધાર્મિક રસમોનું પાલન કરતો હોવાની માન્યતા હતી. તેથી ઘણા મંદિરોમાં ફક્ત જનોઈધારી લોકોને જ પ્રવેશ મળતો. મંદિરમાં દાખલ થનાર પુરુષે ખરેખર જનોઈ (મલયાલમમાં ‘પૂનૂલ’) પહેરી છે, એ વાતની ખાતરી કરવા માટે જ પુરુષો દ્વારા ધડ ઊઘાડું કરીને મંદિરમાં પ્રવેશ કરવાની પ્રથા અપનાવાઈ હતી. કેરળમાં આ પ્રથા આજ સુધી જાળવી રખાઈ છે.
કયા મંદિરોમાં શર્ટ પહેરીને પ્રવેશની છૂટ અને ક્યાં નથી?
સબરીમાલા જેવા પ્રસિદ્ધ મંદિરમાં પુરુષોને શર્ટ પહેરીને પ્રવેશવાની છૂટ છે. પદ્મનાભસ્વામી, કેરીક્કાકોમ અને ઇત્તુમાનૂર જેવા રાજ્યના ઘણા મોટા મંદિરોમાં આવું કરવાની છૂટ નથી.
મહિલાઓના ડ્રેસ કોડનો પણ વિવાદ સર્જાયો હતો
કેરળમાં અગાઉ નિયમ હતો કે મંદિરમાં પ્રવેશનાર પ્રત્યેક મહિલાએ ફરજિયાતપણે સાડી જ પહેરવી. ગુરુવાયુર શ્રીકૃષ્ણ મંદિરમાં ચુડીદાર પહેરેલી મહિલાઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, સમય જતાં એ ફેરફાર સ્વીકારી લેવામાં આવ્યો હતો. અલબત્ત, આ મંદિરમાં પણ પુરુષોએ તો હજુ પણ શર્ટ ઉતારીને જ પ્રવેશ કરવો પડે છે.
આ કારણસર મંદિરોમાં ડ્રેસ કોડ જરૂરી છે
મંદિરોને પવિત્ર સ્થાન માનવામાં આવે છે. ડ્રેસ કોડ એ ધાર્મિક લાગણીઓનું સન્માન કરવાનો અને પવિત્રતા જાળવવાનો એક માર્ગ છે. ઘણા મંદિરોમાં ડ્રેસ કોડનું પાલન એ વર્ષો જૂની સાંસ્કૃતિક પરંપરાઓનો એક ભાગ છે. દરેક મંદિરની પોતાની સ્થાનિક પરંપરાઓ અને માન્યતાઓ હોય છે. મંદિરમાં ડ્રેસ કોડ આ પરંપરાઓના આધારે નક્કી કરવામાં આવે છે. અમુક મંદિરોમાં ડ્રેસ કોડ બાબતના નિયમો વધુ કડક હોઈ શકે છે. કેરળના ઘણા મંદિરોમાં તો પેન્ટ ઉપર પણ ધોતી લપેટવાની હોય છે.
મંદિરોમાં કેવા વસ્ત્રો પહેરવાની મનાઈ છે?
મોટાભાગના મંદિરોમાં ટૂંકા અને ઉઘાડા કહેવાય એવા કપડાં, મીની સ્કર્ટ, શોર્ટ્સ, બરમુડા, ટી-શર્ટ, નાઇટ સૂટ, ટોપી, કેપ, કોટ વગેરે પહેરીને પ્રવેશવાની મનાઈ છે. ઘણાં મદિરોમાં જીન્સની પણ છૂટ નથી હોતી. ફાટેલા કે ગંદા કપડા પહેરવાની પણ મનાઈ છે. ઘણા મંદિરોમાં બૂટ સાથે મોજાં પણ બહાર ઉતારવા પડતાં હોય છે. કેટલાક મંદિરોમાં ઘડિયાળ, કમરપટ્ટો, પાકિટ જેમાં ચામડાંનો ઉપયોગ થયો હોય એવી ચીજો પહેરીને પણ દાખલ થવા પર પ્રતિબંધ હોય છે. આવા નિયમો વિદેશીઓને પણ લાગુ પડે છે. ઘણા મંદિરોના નિયમો એટલા કડક હોય છે કે હિન્દુ ધર્મ સિવાયનો ધર્મ પાળનારનો પ્રવેશ સદંતર વર્જિત હોય છે.