Get The App

મમતા શર્મસાર: કેરળમાં માતાએ પોતાની બાળકી સાથે રેપ કરવામાં પ્રેમીની કરી મદદ, 40 વર્ષની મળી સજા

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
મમતા શર્મસાર: કેરળમાં માતાએ પોતાની બાળકી સાથે રેપ કરવામાં પ્રેમીની કરી મદદ, 40 વર્ષની મળી સજા 1 - image


Image Source: Freepik

- સુનાવણી દરમિયાન મુખ્ય આરોપી શિશુપાલને આત્મહત્યા કરી લીધી હતી

નવી દિલ્હી, તા. 28 નવેમ્બર 2023, મંગળવાર

કેરળની એક સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે ગઈ કાલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) કેસમાં એક મહિલાને  40 વર્ષની સખત કેદ અને 20,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. ન્યાયાધીશ આર. રેખાએ કહ્યું કે આરોપી સંપૂર્ણ રીતે માતૃત્વ માટે  શરમજનક છે. તે માફી માટે હકદાર નથી અને તેને મહત્તમ સજા આપવામાં આવી છે.

અહેવાલ પ્રમાણે આ ઘટના માર્ચ 2018 થી સપ્ટેમ્બર 2019 વચ્ચે બની હતી. ત્યારે આ મહિલા તેના માનસિક રીતે બીમાર પતિને છોડીને શિશુપાલન નામના તેના પ્રેમી સાથે રહેવા લાગી. આ દરમિયાન શિશુપાલને મહિલાની પુત્રી સાથે ઘણી વખત દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પણ થઈ હતી. યુવતીએ આ વાત તેની માતાને ઘણી વખત કહી પરંતુ તેણે તેની અવગણના કરી. તે વારંવાર બાળકીને પોતાના ઘરે લઈ જતી હતી અને શિશુપાલન તેની હાજરીમાં જ બાળકી સાથે આ કૃત્ય આચરતો હતો. 

કાઉન્સિલિંગ દરમિયાન બાળકીઓએ આપી જાણકારી

જ્યારે બાળકીની 11 વર્ષની બહેન ઘરે આવી ત્યારે તેણે તેને પોતાની સાથે થયેલા દુર્વ્યવહારની જાણ કરી. શિશુપાલને મોટી છોકરી સાથે પણ આવું જ કર્યું. આ પછી તેણે બંનેને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું. એક દિવસ તક મળતાં જ મોટી બહેન બાળકીને લઈને ઘરેથી ભાગીને દાદીના ઘરે પહોંચી ગઈ. ત્યાં જઈને તેણે દાદીને બધી વાત કહી. આ પછી દાદી બંને છોકરીઓને બાળ ગૃહમાં લઈ ગયા. ત્યાં થયેલી કાઉન્સિલિંગ દરમિયાન બાળકીઓએ સંપૂર્ણ માહિતી આપી હતી. અહીંથી પોલીસને માહિતી આપવામાં આવી હતી.

મહિલાની સામે જ બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું

વિશેષ સરકારી વકીલ આરએસ વિજય મોહને જણાવ્યું કે, આ ગુના માટે માતાને 40 વર્ષની જેલ અને 20,000 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. મુખ્ય આરોપી શિશુપાલન મહિલાનો પ્રેમી હતો અને તેણે મહિલાની સામે જ બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ યુવતીનું સૌપ્રથમ યૌન શોષણ ત્યારે કર્યું જ્યારે તે સાત વર્ષની હતી અને પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી હતી. યુવતીએ તેની માતાને બધું કહ્યું હતું પરંતુ તેણે કંઈ ન કર્યું. ઉલટું તેણે આગળ જઈને તેના પ્રેમીને મદદ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન મુખ્યઆરોપી શિશુપાલને આત્મહત્યા કરી લીધી હતી. તેથી કેસ માત્ર માતા વિરુદ્ધ જ ચાલ્યો. બાળકીઓ હાલમાં બાળ ગૃહમાં રહે છે. 


Google NewsGoogle News