માફીથી કામ નહીં ચાલે, 6 મહિના મફત કાનૂની સેવા આપો...' હાઈકોર્ટની 28 વકીલોને અનોખી સજા
Keral High court Directions: કેરળ હાઈ કોર્ટે કોટ્ટયમ બાર એસોસિએશનના 28 વકીલોને કોર્ટની અવમાનનના કરવા બદલ છ મહિના સુધી મફત કાનૂની સેવાઓ આપવા નિર્દેશ કર્યો છે. કોર્ટની કાર્યવાહીમાં ભંગ કરવા બદલ 28 વકીલોને આ સજા ફટકારી છે.
અપમાનજનક સુત્રોચ્ચારના કારણે કાર્યવાહી
કેરળ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ગતવર્ષે કોટ્ટાયમમાં કોર્ટની અંદર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિરૂદ્ધ અપમાનજનક સુત્રોચ્ચારના કારણે આ વકીલો વિરૂદ્ધ કોર્ટની અવમાનના કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી કોર્ટે ગરીબ અને જરૂરિયાતમંદોને છ મહિના સુધી મફત કાનૂની સેવા આપવા આદેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું હતું કે, અમે માનીએ છીએ કે, માફી માંગી ગુનામાંથી છટકી જવાનો માર્ગ મંજૂર નથી. માફી એ ફરજમાંથી છટકી જવાનો સરળ માર્ગ છે. વકીલો આ નિર્દેશનું પાલન કરવા મંજૂર થયા હતા. તેમના કાયદાની પ્રેક્ટિસ પર આ આદેશની કોઈ અસર થશે નહીં. 29માંથી 2 વકીલોએ બિનશરતી માફી માગી હતી, જેને સ્વીકારવામાં આવી છે, પરંતુ તેમણે પણ છ મહિના સુધી આ સેવા તો આપવી જ પડશે.
શું બનાવ હતો?
ગત નવેમ્બરે કોટ્ટયમ સીજેએમના વી.વી. સેથુમોહને એક વકીલ વિરૂદ્ધ બનાવટી કેસ ઉભો કર્યો હોવાના આરોપ સાથે કોર્ટમાં તેમના પ્રવેશ સાથે જ વકીલોના ટોળાંએ વિરોધ કરતાં તેમની વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાનો રિપોર્ટ મળતાં કેરળ હાઈકોર્ટે અવમાનનાની નોટિસ જારી કરી હતી.