મહિલા પતિને છોડી અન્ય પુરુષ સાથે જાય, તો તે ખરાબ માતા નથી બની જતીઃ કેરળ હાઈકોર્ટ
Kerala High court Gives Custody To Mother On Moral Values: બાળ કલ્યાણ સમિતિ સાથે સંકળાયેલા એક કેસની સુનાવણીમાં કેરળ હાઈકોર્ટના જસ્ટિસ વી. જી. અરૂણે મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું છે કે, મહિલા પતિને છોડી અન્ય પુરુષ સાથે જાય, તો તે ખરાબ માતા નથી બની જતી. આ કેસમાં કેરળ હાઈકોર્ટે બાળ કલ્યાણ સમિતિનો સંતાનની કસ્ટડી પિતાને આપવાનો આદેશ પણ રદ કરી દીધો હતો. આ આદેશ રદ કરતા હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે, કોઈ મહિલા કોઈની પણ સાથે રહે તેનાથી સાબિત નથી થતું કે તે એક સારી માતા સાબિત નહીં થાય.
બાળકને સ્તનપાન કરાવવુ એ માતાનો અધિકાર
કેરળ હાઈકોર્ટે આ મામલે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, બાળકને સ્તનપાન કરાવવું તે માતાનો અને સ્તનપાન કરવું તે બાળકનો મૌલિક અધિકાર છે. આ અધિકાર બંધારણની કલમ 21 હેઠળ જીવન જીવવાના અધિકારનો એક ભાગ છે. માતાની નૈતિક ફરજ અને મૂલ્યોને આ રીતે છીનવી શકાય નહીં. બાળ કલ્યાણ સમિતિના આદેશમાં પૂર્વગ્રહ જોવા મળી રહ્યોછે. મહિલા તેના પતિને છોડીને તેના સાવકા સસરા સાથે રહેવાનો વિકલ્પ પસંદ કરે તે સમિતિની ચિંતાનો વિષય જ નથી. સમિતિનું કહેવું છે કે અરજદાર મહિલા એક સારી વ્યક્તિ નથી, તો શું તે એક સારી માતા પણ ના હોય? સમિતિના સભ્યોએ મહિલા પ્રત્યે પૂર્વગ્રહ રાખીને પિતાને બાળક સોંપવાનો આદેશ આપ્યો છે.
મહિલાના વકીલે પણ સાચું કહ્યું છે કે એક વર્ષના બાળકને તેની માતાથી અલગ કરવું બાળકના સ્તનપાન કરવાના અને માતાના સ્તનપાન કરાવવાના અધિકારોનું ઉલ્લંઘન છે. આ સમગ્ર મામલામાં બાળકે એક મહિના સુધી તેની માતાથી અલગ રહેવુ પડ્યું હતું. તેથી હાઈકોર્ટ માતા અને બાળકને એક કરવાનો આદેશ કરે છે.
આ પણ વાંચોઃ અમેરિકાએ ગેરકાયદે રહેતા 145 દેશોના 1.6 લાખ લોકોને ઘરભેગા કર્યા, તેમાં ભારતીયો પણ સામેલ
માતા પાસે બાળક સુરક્ષિત નહીઃ બાળ કલ્યાણ સમિતિ
બાળ કલ્યાણ સમિતિએ અવલોકન કર્યુ હતું કે, બાળક તેની માતા પાસે સુરક્ષિત નથી કારણકે તે પોતાના જ સાવકા સસરા સાથે રહે છે. જો કે, જસ્ટિસ અરૂણે દલીલ કરી કે, બાળ કલ્યાણ સમિતિના આદેશમાં નૈતિકતાનો દુરાગ્રહ જોવા મળે છે. વ્યક્તિ કોઈની સાથે રહે છે, તેનાથી તે વ્યક્તિનું ચારિત્ર્ય આંકી શકાય નહીં. એવું પણ ના કહી શકાય કે, તે એક સારી માતા નહીં બની શકે.
શું હતો કેસ?
આ કેસની વિગત એવી છે કે, પતિની શારીરિક અને માનસિક સતામણીથી ત્રાસીને પત્ની પિયર જતી રહી હતી. ત્યાં તે માતા સાથે રહેતી હતી, પરંતુ એક દિવસ પત્ની ગુમ થઈ જતાં પતિએ ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે, પત્ની તો પતિના સાવકા પિતા સાથે જ રહે છે. છેવટે આ કેસમાં કોર્ટે કહ્યું હતું કે, પત્નીએ સ્વૈચ્છિક રીતે કોની સાથે રહેવું તે નિર્ણય લેવાનો તેને અધિકાર છે, પરંતુ બાળક અંગેનો નિર્ણય લેવાની સત્તા બાળ કલ્યાણ સમિતિને સોંપવાનો અમે નિર્દેશ કરી છીએ. બાદમાં આ સમિતિએ મહિલા સાવકા સસરા સાથે રહેતી હોવાથી બાળકની કસ્ટડી પિતાને સોંપી દીધી હતી. સમિતિએ કહ્યું હતું કે, આ મહિલા સાવકા સસરા સાથે રહેતી હોવાથી સારી માતા ના બની શકે. છેવટે આ ચુકાદાને મહિલાએ કેરળ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.