કેરળમાં 'નિપાહ'ની રફ્તાર ધીમી પડી, આરોગ્ય મંત્રીએ કહ્યું- બે દિવસમાં એક પણ કેસ નથી નોંધાયો

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
કેરળમાં 'નિપાહ'ની રફ્તાર ધીમી પડી, આરોગ્ય મંત્રીએ કહ્યું- બે દિવસમાં એક પણ કેસ નથી નોંધાયો 1 - image

Image Source: Twitter

- નિપાહ વાયરસથી સંક્રમિત થયેલા વ્યક્તિના મૃત્યુનું જોખમ 40થી 45% સુધી છે

કેરળ, તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર

કેરળમાંથી રાહતભર્યા સમાચાર મળ્યા છે. કારણ કે, ત્યાં સતત બીજા દિવસે જીવલેણ નિપાહ વાયરસનો એક પણ કેસ નથી નોંધાયો. કેરળ સરકારે રવિવારે જણાવ્યું કે, રાજ્યમાં નિપાહ વાયરસને નિયંત્રિત કરી લેવામાં આવ્યો છે. સતત બીજા દિવસે એક પણ કેસ નથી નોંધાયો અને સંક્રમિત દર્દીઓની સ્થિતિમાં સુધારો નોંધાઈ રહ્યો છે. કેરળમાં જ્યારથી નિપાહ વાયરસ નોંધાવાના સમાચાર મળ્યા હતા ત્યારથી ડરનો માહોલ બની ગયો હતો.

રાજ્યના આરોગ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું કે, હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. કોઝિકોડમાં નિપાહની સ્થિતિની સમીક્ષા કરતી વખતે તેમણે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, સંક્રમિત થયેલા 4 લોકો સ્વસ્થ થઈ રહ્યા છે. 9 વર્ષના એક બાળક સહિત 4 સંક્રમિત દર્દીઓને હવે વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યું છે. નિપાહ વાયરસને ખતરનારક વાયરસ એટલા માટે માનવામાં આવે છે કારણ કે, તેનાથી સંક્રમિત થયેલા વ્યક્તિના મૃત્યુનું જોખમ 40થી 45% સુધી છે.

મોનોક્નોનલ એન્ટીબોડીથી થઈ રહ્યો છે ઈલાજ

હાલમાં નિપાહ વાયરસથી સંક્રમિત થયેલા લોકોનો ઈલાજ મોનોક્નોનલ એન્ટીબોડી દ્વારા કરવામાં આવી રહ્યો છે. સરકાર પાસે હાલમાં આ વાયરસનો સામનો કરવા માટે આ જ એકમાત્ર હથિયાર છે. કેરળના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, મોનોક્નોનલ એન્ટીબોડી વેરિએન્ટ 50થી 60% સુધી જ અસરકારક છે. ઈન્ડિયન કાઉનેસિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ અમને આશ્વાસન આપ્યું છે કે, તેઓ નવી અને વધુ અસરકારક વર્ઝન વાળી મોનોક્નોનલ એન્ટીબોડી આપશે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, 36 ચામાચીડિયાના સેમ્પલને પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. તેના દ્વારા જાણી શકાશે કે, ક્યાંક ચામાચીડિયાની અંદર પણ આ વાયરસ નથી ને. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 1,233 લોકોની ઓળખ કરવામાં આવી છે જેઓ સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હતા. તેમાંથી 352 લોકો એવા છે જે હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે. નિપાહ વાયરસના કેસ નોંધાયા બાદ તાજેતરમાં જ કેટલાક લોકોને આઈસોલેટ પણ કરવામાં આવ્યા હતા. 

નિપાહ વાયરસની બીજી લહર નથી: આરોગ્ય મંત્રી

કેરળના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, 31 ઓગષ્ટના રોજ જે વ્યક્તિનું નિપાહ વાયરસના કારણે મોત થઈ ગયુ હતું તેમના કોન્ટેક્ટમાં આવ્યા બાદ જ આ તમામ લોકો બીમાર પડ્યા છે. તેમણે જણાવ્યું કે, તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, હાલમાં નિપાહ વાયરસની કોઈ બીજી લહેર નથી. આરોગ્ય મંત્રીએ આને સારા સમાચાર ગણાવ્યા અને કહ્યું કે, જીનોમિક સિક્વન્સિંગ દ્વારા પણ આ સાબિત કરી શકાય છે અને તે કરવામાં આવી રહ્યું છે.


Google NewsGoogle News