કેરળમાં કચરો વીણતી 11 મહિલા બની કરોડપતિ, પૈસા ભેગા કરી ખરીદેલી રૂ. 250ની 1 ટિકિટ પર લાગ્યો 10 કરોડનો જેકપોટ!
નગરપાલિકામાં કામ કરતી હરિત સેનાની સભ્ય આ 11 મહિલાએ થોડા થોડા પૈસા મિલાવી કુલ 250ની એક જ ટિકિટ ખરીદી હતી
એમાય એક મહિલા તો પોતાના ભાગના પૈસા પણ ઉધાર લાવીને લોટરીની ટિકિટ ખરીદવામાં જોડાઈ હતી
image : Twitter |
કેરળમાં 11 મહિલાઓનું ભાગ્ય એકાએક બદલાઈ ગયું એ પણ ઉછીના લીધેલાં પૈસાથી. આ મહિલાઓ પાસે થોડા દિવસ પહેલા 250 રૂ.ની લોટરીની ટિકિટ ખરીદવા માટે પણ પૈસા નહોતા અને હવે તેમને 10 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો છે. તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે આ 11 મહિલાઓ કચરો વીણવાનું કામ કરતી હતી.
આ મહિલાઓ કચરો વીણવાનું કામ કરતી હતી
આ 11 મહિલાઓએ 25-25 રૂપિયા એકઠાં કરીને આ ટિકિટ લીધી હતી. તેમનામાંથી એક મહિલાએ તો એમાય પૈસા ખૂટતાં હોવાથી ઓળખીતા પાસેથી ઉછીના લીધા હતા. આ તમામ મહિલાઓ કેરળના પરપ્પનંગડી નગર પાલિકા હેઠળ આવતી હરિત સેનામાં કચરો વીણવાનું કામ કરે છે. તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેઓ એક ઝાટકે કરોડપતિ બની જશે.
લોટરીની ટિકિટ ખરીદવા દર વખતે પૈસા એકઠા કરવા પડતા હતા...
આ મહિલાઓ પૈકી એક રાધાએ કહ્યું કે અમે પહેલા પણ આ રીતે પૈસા એકઠાં કરીને લોટરીની ટિકિટો ખરીદી હતી પણ આ પહેલીવાર છે જ્યારે અમને કોઈ મોટી ઈનામી રકમ મળી છે. એક અન્ય મહિલાએ કહ્યું કે અમે ડ્રોની ભારે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા પણ જ્યારે કોઈએ કહ્યું કે પાડોશના પલક્કડમાં વેચાયેલી એક ટિકિટે પ્રથમ પુરસ્કાર જીત્યો છે તો આંચકો લાગ્યો. પણ જ્યારે ખબર પડી કે જેકપોટ તો અમને જ લાગ્યો છે તો અમારી ખુશીનું ઠેકાણું ન રહ્યું.