Get The App

ગાંધીજીની હત્યા કોણે કરી તે લોકોને યાદ રહે એ માટે તસવીર પ્રસિદ્ધ કરી હોવાનો કેરળ સરકારનો બચાવ

- કેરળ બજેટના કવર પર ગાંધીહત્યાનું ચિત્ર છાપતા વિવાદ

- ગાંધીજીની લોહીથી લથબથ તસવીર છાપવા બદલ વિપક્ષો દ્વારા આકરી ટીકા

Updated: Feb 7th, 2020


Google NewsGoogle News
ગાંધીજીની હત્યા કોણે કરી તે લોકોને યાદ રહે એ  માટે તસવીર પ્રસિદ્ધ કરી હોવાનો કેરળ સરકારનો બચાવ 1 - image

થીરૂવનંતપુરમ્, તા. 07 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

કેરળ સરકારે બજેટના કવર પર ગાંધીજીની હત્યાની તસવીર છાપી હતી. એ તસવીર પછી વિપક્ષોએ ગૃહમાં અને ગૃહની બહાર  ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, સરકારે કહ્યું હતું કે આ તસવીર છાપવા પાછળનો ઈરાદો ગાંધીજીની હત્યા કોણે કરી તે લોકોને યાદ કરાવવાનો હતો.

કેરળ સરકારના નાણામંત્રી ટી એમ થોમસ ઈસાકે  વિધાનસભામાં બજેટ ભાષણ રજૂ કર્યું તે પહેલાં બજેટના કવર પેજ પરની તસવીર બતાવી હતી. એ તસવીર જોતાં જ ગૃહમાં હોબાળો થયો હતો. બજેટ ભાષણના કવર પેજમાં ગાંધીજીની હત્યાનું ચિત્ર પ્રસિદ્ધ થયું હતું. વિપક્ષોએ આ ઘટનાને સંવેદનહિન ગણાવી હતી.

જોકે, વિવાદ પછી કેરળ સરકારના નાણામંત્રીએ એવી દલીલ કરી હતી કે ભાષણના કવર પેજ ઉપર ગાંધીજીની હત્યાની તસવીર છાપવા પાછળ મેસેજ આપવાનો હેતુ હતો. ગાંધીજીની હત્યા કોણે કરી તે લોકોને યાદ કરાવવા માટે આ ચિત્ર પસંદ કરાયું હતું.

નાણામંત્રી ઈસાકે કહ્યું હતું કે બાપુની હત્યા કોણે કરી તે આ દેશ ક્યારેય ભૂલી શકશે નહી અને દેશે ગાંધીજીના હત્યારાને પણ ક્યારેય ભૂલવો ન જોઈએ. તેમણે કહ્યું  કે અમે ક્યારેય એ વાત ભૂલ્યા નથી કે મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી. વર્તમાન પરિસ્થિતિ જોતાં આ ચિત્ર ખૂબ જ સમયસરનું છે. કારણ કે ઈતિહાસ હવે ફરીથી લખાઈ રહ્યો છે.

વિલનને હીરો બનાવવાની વેતરણ થઈ રહી છે. નાણામંત્રીએ આડકતરી રીતે ગોડ્સેની બાબતે ભાજપના નેતાઓ તરફ ઈશારો કરીને આ નિવેદન આપ્યું હતું. આ તસવીર પછી વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ગાંધીજીની લોહીથી લથબથ તસવીરની ટીકા કરતા કેરળના કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે રાષ્ટ્રપિતાની લોહીથી લથબથ તસવીર આ રીતે પ્રસિદ્ધ કરવી અયોગ્ય છે. ગાંધીજી અહિંસાના પૂજારી હતા. તેમની તસવીરમાં આટલી હિંસા બતાવવી ન જોઈએ.

ભાજપના પ્રવક્તા જેઆર પદ્મકુમારે કહ્યું હતું કે ડાબેરી સરકારે બુદ્ધિનું દેવાળું ફૂંકી દીધું છે. ડાબેરી સરકાર પાસે બતાવવાનું કે કહેવાનું કશું રહ્યું ન હોવાથી સરકારે આ પગલું ભર્યું છે. મુસ્લિમ લીગના નેતાએ પણ સરકારના આ વલણની ટીકા કરી હતી.


Google NewsGoogle News