કોચ્ચિની CUSAT યુનિવર્સિટીમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન મચી નાસભાગ, 4 વિદ્યાર્થીનાં મોત, 60 ઘાયલ
ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે કાલામાસેરી મેડિકલ કોલેજ ખસેડાયા
કેરળના સ્વાસ્થ્યમંત્રીએ પણ આપી માહિતી
image : Twitter |
Kerala stampede at CUSAT University : કેરળની કોચ્ચિની CUSAT યુનિવર્સિટીમાં શનિવારે એક સંગીત સમારોહ (મ્યુઝિક કોન્સર્ટ) દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં લગભગ 4 વિદ્યાર્થી મૃત્યુ પામી ગયાની માહિતી મળી છે જ્યારે 60થી વધુ લોકો ઘવાયા છે. ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે કાલામાસેરી મેડિકલ કોલેજ ખસેડાયા હતા.
કેરળના સ્વાસ્થ્યમંત્રીએ આપી માહિતી
કેરળના સ્વાસ્થ્યમંત્રી વીણા જ્યોર્જના જણાવ્યાનુસાર ચાર વિદ્યાર્થીઓ અત્યાર સુધી મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે અન્ય ઘણાં ઘાયલ થયા છે. CUSAT યુનિવર્સિટીમાં આ નાસભાગ નિખિતા ગાંધીના એક સંગીત સમારોહ દરમિયાન મચી હતી. આ સમારોહનું આયોજન યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ઓપન એર ઓડિટોરિયમમાં થયું હતું. સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે કલામાસેરી મેડિકલ કોલેજમાં સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.
નાસભાગ કેવી રીતે મચી?
નગર નિગમના કાઉન્સિલર પ્રમોદના જણાવ્યાનુસાર યુનિવર્સિટીમાં એક જ ગેટથી એન્ટ્રી અને એક્ઝિટ હોવાને લીધે નાસભાગ મચી ગઈ હતી. લોકો એક જ ગેટથી અંદર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે ઊભા પગથિયાથી એન્ટ્રી કરનારા વિદ્યાર્થીઓ પડી જતાં ગેટ પર ભારે ભીડ થઈ ગઈ અને તેઓ કચડાઈ ગયા.