કેજરીવાલ પાછળ ઈડી લગાવવામાં કોંગ્રેસનો મોટો હાથ, ઈન્ડિયા ગઠબંધનના નેતાનો આક્ષેપ
Lok Sabha Elections 2024: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઉમેદવારીને લઈને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં વિવાદ જોવા મળી રહ્યો છે. હવે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રાહુલના વાયનાડથી ચૂંટણી લડવાને 'અયોગ્ય' ગણાવ્યો છે. ડાબેરી પક્ષના નેતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
કોંગ્રેસનો નિર્ણય અયોગ્ય : કેરળ CM
વિજયનનું કહેવું છે કે સીપીઆઈ ઉમેદવાર એની રાજા સામે રાહુલને મેદાનમાં ઉતારવાનો કોંગ્રેસનો નિર્ણય અયોગ્ય છે. તેમણે કહ્યું, 'શું રાહુલ ગાંધી કહી શકે છે કે તેઓ અહીં NDA સામે લડવા આવ્યા છે? તેઓ અહીંયા એલડીએફ સામે લડવા આવ્યા છે, જે એક મોટી રાજકીય શક્તિ છે. તેમણે સવાલો કર્યા કે, ' શું ઈન્ડિયા બ્લોકમાં સામેલ એવા એલડીએફ સામે ચૂંટણી લડવા માટે તેઓ સ્ષ્ટતા આપી શક્શે? અને એ પણ એની રાજા સામે જે રાષ્ટ્રીય કક્ષાના નેતા છે. તેમણે રાહુલ ગાંધી પર 'બેવડા ધોરણો'નો આરોપ પણ લગાવ્યો છે. કેરળના સીએમએ સવાલ કર્યો હતો કે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ સીએએ (નાગરિકતા સંશોધન અધિનિયમ)ના મુદ્દે મૌન કેમ રહ્યા?'
કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપો
આ દરમિયાન વિજયને કેન્દ્રીય એજન્સીઓના મુદ્દે કોંગ્રેસને પણ ઘેરી હતી. તેમણે કહ્યું કે 'કેન્દ્રીય એજન્સીઓ દ્વારા બિનકોંગ્રેસી વિપક્ષી નેતાઓને નિશાન બનાવે છે, ત્યારે કોંગ્રેસ કશું કહેતી નથી'. આ ઉપરાંત ડાબેરી પક્ષના નેતાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, 'દિલ્હીમાં AAP સરકારની લીકર પોલિસી નીતિ સાથે સંબંધિત કેસમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી છે, જેના કારણે EDએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી ત્યારે કોંગ્રેસે ફરિયાદ કરી હતી કે કેજરીવાલની અટકાયત કેમ કરવામાં આવી નથી.