દુર્લભ બિમારી: 12 વર્ષનો છોકરો મગજ ખાઇ જનાર અમીબાથી સંક્રમિત, કેરળમાં ત્રીજો કેસ

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
amoeba


12 Years Old Boy Rare Disease : કેરલના કોઝિકોડ જિલ્લામાં એક છોકરો મગજ ખાઇ જનાર અમીબાથી સંક્રમિત છે, આ સંક્રમણને અમીબિક મેનિંગોએનસેફેલાઇટિસ કહે છે. આ અંગે કેરલની હોસ્પિટલે જાણકારી આપી છે, હાલ તેની હાલત ગંભીર છે, તેના માટે તેને બેબી મેમોરિયલ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. 

આ જીવલેણ દુર્લભ મગજના સંક્રમણનો ત્રીજો કેસ છે. સોમવારે એટલે 24 જૂને આ છોકરાને બેબી મેમોરિયલ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ આ સંક્રમણની ઓળખ કરી લીધી હતી, ત્યારબાદથી તેની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘાતક અમીબા ગંદા પાણીમાં મળી આવે છે અને ગંદા પાણીમાં ન્હાવાથી અથવા ડૂબકી લગાવવાથી કોઇપણ વ્યક્તિ આ અમીબાના સંપર્કમાં આવી શકે છે. 

સ્થિતિ ખૂબ ગંભીર, સારવાર ચાલુ

ડૉક્ટરોએ જણાવ્યું કે છોકરાની સ્થિતિ ખૂબ ગંભીર છે. ડૉક્ટરોએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે આ બિમારીથી વ્યક્તિના મોતનો દર 95 થી 100 ટકા છે. છોકરાની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ કહ્યું કે આ બિમારીની ઓળખ જલદી જ કરી લેવામાં આવી છે અને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી, કારણ કે હોસ્પિટલ પાસે આ બિમારીની સારવાર કરવા માટે તમામ જરૂરી સામાન હાજર હતો. 

આ ત્રીજો કેસ, 2 લોકોના થઇ ચૂક્યા છે મોત

અત્યાર સુધી આ બિમારીથી 2 લોકોના મોત થયા છે. આ બિમારી પ્રથમ કેસ મલપ્પુરમ ગામની 5 વર્ષની બાળકીમાં જોવા મળ્યો હતો. 21 મેના રોજ તેનું મૃત્યું થયું હતું, ત્યારબાદ 25 જૂને  આ સંક્રમણથી બીજું મોત કન્નૂરના 13 વર્ષના છોકરાનું થયું હતું.  સ્વાસ્થ્ય વિભાગે લોકોને આ બિમારીથી બચવા માટે સાવધાની વર્તવા કહ્યું છે. આ બિમારી આ પહેલાં 2023 અને 2017 માં રાજ્યના તટીય અલપ્પુઝા જિલ્લામાં જોવા મળી હતી. 

આ બિમારીના લક્ષણ ખૂબ  જ સામાન્ય હોય છે. તેમાં વ્યક્તિને તાવ, માથાનો દુખાવો, ઉલટી અને ચક્કરથી પીડિત હોય છે. આ અમીબા પાણી દ્વારા નાક અને કાન વડે શરીરમાં પ્રવેશ કરે છે. 



Google NewsGoogle News