કેરળમાં ભાજપના એકમાત્ર સાંસદે ઈન્દિરાને 'મધર ઓફ ઈન્ડિયા' અને કોંગ્રેસી દિગ્ગજને ગુરુ ગણાવ્યાં
Image Twitter |
કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને 'મધર ઓફ ઈન્ડિયા' અને કોંગ્રેસ નેતા તેમજ કેરલના મુખ્યમંત્રી રહી ચૂકેલા દિવંગત કે. કરુણાકરણને સાહસી વહીવટકર્તા ગણાવ્યા હતા. ભાજપના નેતાએ કરુણાકરણ અને માર્ક્સવાદી દિગ્ગજ ઈકે નાયનારને પોતાના રાજકીય ગુરુ ગણાવ્યા હતા. ગોપીએ કરુણાકરણનાં સ્મારક 'મુરલી મંદિર'ની મુલાકાત બાદ આ વાત જણાવી હતી.
તેમણે કહ્યું હતું કે, લોકો કરુણાકરણ સ્મારકની મુલાકાતને રાજનીતિ સાથે ન જોડે. ભાજપના નેતાએ જણાવ્યું કે, તેઓ પોતાના ગુરુ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે નાયનાર અને તેમની પત્ની શારદા ટીચરની માફક કે કરુણાકરણ અને તેમના પત્ની કલ્યાણીકુટ્ટી અમ્મા સાથે પણ તેમના નજીકના સંબંધો છે. સુરેશ ગોપીએ 12 જુનના રોજ કન્નુરમાં ઈકે નાયનારનાં ઘરની મુલાકાત લીધી હતી અને તેમના પરિવારના સદસ્યોને મળ્યા હતા. ગોપીએ જણાવ્યું હતું કે, તેઓ ઈન્દિરા ગાંધીને ભારતની માતાના સ્વરૂપમાં જોવે છે અને કે કરૂણાકરણને કેરળમાં કોંગ્રેસ પાર્ટીના જનક માને છે.
સુરેશ ગોપીએ કોંગ્રેસના દિગ્ગજ નેતાની વહીવટી ક્ષમતાઓનાં વખાણ કર્યા હતા અને તેમને પોતાની પેઢીના સાહસી વહીવટકર્તા તરીકેનું બહુમાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હું 2019માં પણ મુરલી મંદિર જવા ઈચ્છતો હતો, પરંતુ કે કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલે રાજકીય કારણોસર મનાઈ ફરમાવી દીધી હતી. પદ્મજા તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ છે.