ઈઝરાયલી પોલીસના યુનિફોર્મ ભારતના આ રાજ્યમાં બને છે, કંપનીએ કહ્યું '...ત્યાં સુધી નહીં બનાવીએ'
કંપનીએ આ મામલે એક નિવેદન જાહેર કરી આપી માહિતી
2015થી ઈઝરાયલી પોલીસ માટે યુનિફોર્મ બનાવી રહી છે આ કંપની
Israel vs Hamas War | તમને જાણીને નવાઈ લાગશે કે ઈઝરાયલી પોલીસના (Israel police) યુનિફોર્મ ભારતમાં જ તૈયાર થાય છે. હાં છેલ્લે 2015થી કેરળમાં સંચાલિત કંપની (A Kerala-based apparel firm) ઈઝરાયલી પોલીસના યુનિફોર્મ (uniform for Israel police) તૈયાર કરી રહી છે. જોકે હવે આ કંપનીએ એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ સ્થાપિત નહીં થાય ત્યાં સુધી તે ઈઝરાયલનો નવો કોઈ ઓર્ડર નહીં લે.
કંપનીએ જાહેર કર્યું નિવેદન
કેરળના કન્નૂરમાં (Kannur) કુથુપરંબા ખાતે આવેલી મારયાન એપરલ પ્રાઈવેટ લિમિટેડ (Maryan Apparel Private Limited) નામની કંપનીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અમે છેલ્લે 2015થી ઈઝરાયલી પોલીસ માટે યુનિફોર્મ બનાવી રહ્યા છીએ. તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ, હોસ્પિટલ પર બોમ્બમારો અને હજારો લોકોના મૃત્યુને પગલે અમે એક નૈતિક નિર્ણય લીધો છે. કંપનીએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધનું અંત ન આવી જાય અને શાંતિ સ્થાપિત ન થઈ જાય ત્યાં સુધી અમે ઈઝરાયલી પોલીસ માટે કોઈ યુનિફોર્મ તૈયાર કરવાના નથી.
કંપનીના એમડીએ શું કહ્યું?
આ મામલે કંપનીના એમડી થોમસ ઓલિકલે કહ્યું કે અમે અમારી અગાઉની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા બંધાયેલા છીએ. અમે સમજીએ છીએ કે બંને તરફ નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં જ બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાશે અને એકતા સ્થાપિત થશે. ઉલ્લેખનીય છે કે હમાસ દ્વારા એકસાથે ઈઝરાયલ પર 5000 જેટલાં રોકેટ ફાયર કરાયા બાદથી એક નવા યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે જેમાં મૃત્યુઆંક હજુ સુધી 5000ને પણ વટાવી ગયો છે.