Get The App

કેજરીવાલના પીએએ મને ૭ થપ્પડો મારી, મારો કુર્તો પણ ફાટી ગયો : સ્વાતિ

Updated: May 18th, 2024


Google NewsGoogle News
કેજરીવાલના પીએએ મને ૭ થપ્પડો મારી, મારો કુર્તો પણ ફાટી ગયો : સ્વાતિ 1 - image


- કેજરીવાલના પીએ સામે એફઆઇઆર, મહિલા પંચની નોટિસ

- મુજે હાથ લગાયા તો ગંજે તેરી નોકરી ખાઉંગી : પીએ અને અન્ય સ્ટાફ સાથે સ્વાતિના વિવાદનો વીડિયો વાયરલ

- અધુરો વીડિયો જાહેર કરીને હિટમેન ખુદને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે પણ હું છોડીશ નહીં : સ્વાતિનો દાવો

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર સામે આમ આદમી પાર્ટીના જ સાંસદ સ્વાતિ માલિવાલે મારપીટ વગેરેની ફરિયાદ કરી છે. આ મામલાને લઇને રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કેજરીવાલના પીએને હાજર થવા નોટિસ મોકલવામાં આવી હતી. જોકે તેઓ હાજર નહોતા રહ્યા. જેને પગલે બાદમાં મહિલા પંચની ટીમ દિલ્હી પોલીસ સાથે ફરી નોટિસ આપવા ગઇ હતી, જોકે તેનો સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી. જેથી બાદમાં ગેટ પર જ નોટિસ લગાવી દેવામાં આવી હતી.  

સ્વાતિ માલિવાલે દિલ્હી પોલીસ સમક્ષ દાખલ કરાવેલી ફરિયાદમાં દાવો કર્યો હતો કે કેજરીવાલના પીએ વિભવ કુમારે મારી સાથે બહુ મારપીટ કરી છે, મને પેટ અને શરીર પર માર મારવામાં આવ્યો. ૭-૮ થપ્પડો મારવામાં આવી, મારુ કુર્તુ પણ ફાટી ગયું હતું. ફરિયાદ દાખલ થયા બાદ સ્વાતિનું મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. સ્વાતિને મેજિસ્ટ્રેટ સમક્ષ લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. 

બીજી તરફ સ્વાતિ માલિવાલ અને અરવિંદ કેજરીવાલના પીએ વચ્ચે વિવાદનો કથિત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્વાતિ માલિવાલ કેજરીવાલના સ્ટાફને કહી રહ્યા છે કે ઓ ગંજા, મૈં તુમ્હારી નૌકરી ખા જાઉંગી, આપ મેરી ડીસીપી સે બાત કરાઇએ, જો હોગા યહી હોગા, મુજે હાથ લગાયા તો આપ લોગો કી ભી નૌકરી ખાઉંગી. દલીલો દરમિયાન કેજરીવાલનો સ્ટાફ શાંતિથી વિનંતી કરતા કહી રહ્યો છે કે મેમ પ્લીઝ હમ રિક્વેસ્ટ કર રહે હૈ, આપ પઢે લીખે લોગ હૈ. સ્વાતિ આ વીડિયોમાં કેજરીવાલના સ્ટાફ પર ભડકી રહ્યા હોવાના દાવા સાથે શેર કરાઇ રહ્યો છે. 

આ વીડિયો બહાર આવ્યા બાદ સ્વાતિ માલિવાલે પોતાના બચાવમાં કહ્યું હતું કે હંમેશની જેમ આ વખતે પણ રાજનીતિક હિટમેને ખુદને બચાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. પોતાના લોકો દ્વારા ટ્વીટ કરાવીને અને અધુરો વીડિયો શેર કરીને તેને લાગી રહ્યું છે કે તે પોતાના લોકોને બચાવી લેશે. ઘરની અંદરના સીસીટીવી ફૂટેજ તપાસ કરો બધુ સામે આવી જશે. જે હદ સુધી નીચે પડવુ હોય એટલુ પડી જા, એક દિવસ સત્ય બહાર આવશે. સ્વાતિએ મારપીટનો આરોપ લગાવ્યો તે ઘટના ૧૩ મેની છે જ્યારે જે વીડિયો બહાર આવ્યો તે પણ તે જ દિવસનો હોવાનો દાવો થઇ રહ્યો છે. હાલ આ સમગ્ર મામલે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં કેજરીવાલના પીએની ધરપકડ કરવામાં આવી શકે છે.


Google NewsGoogle News