કેજરીવાલની દારૂ નીતિથી દિલ્હીને રૂ. 2,000 કરોડનું નુકસાન થયું
- દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં લીક થયેલા કેગ રિપોર્ટમાં દાવો
- કેજરીવાલે નિષ્ણાત પેનલની ભલામણોને અવગણી, અનેક મહત્વપૂર્ણ નિર્ણયો માટે કેબિનેટ કે ઉપરાજ્યપાલની મંજૂરી લેવાઈ નહીં
નવી દિલ્હી : દિલ્હીમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે કથિત દારૂ કૌભાંડ ફરી એક વખત આપ સરકાર માટે મુશ્કેલી સર્જે તેવી આશંકા સેવાઈ રહી છે. કેગનો રિપોર્ટ લીક થયો હોવાનો દાવો કરતા ભાજપે આક્ષેપ કર્યો છે કે શાસક આમ આદમી પાર્ટીની દારૂ નીતિના કૌભાંડથી રાજ્યને રૂ. ૨,૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. નવી દારૂ નીતિ ઘડવા માટે આપના અનેક નેતાઓને લાંચ મળી હતી. જોકે, આ મુદ્દા પર આપે પલટવાર કરતા ભાજપને સવાલ કર્યો કે કેગનો આ રિપોર્ટ ક્યાં છે?
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે તેવામાં ભાજપે કેગના લીક થયેલો રિપોર્ટ જાહેર કર્યો છે અને દિલ્હી સરકાર પર આક્ષેપ કર્યો છે કે અરવિંદ કેજરીવાલની દારૂ નીતિના કારણે રાજ્યની તિજોરીને રૂ. ૨,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. કેજરીવાલ સરકાર પર નિષ્ણાત પેનલની ભલામણોની અવગણના કરવાનો આક્ષેપ પણ ભાજપે કર્યો હતો.
ભાજપના સૂત્રોનું કહેવું છે કે કેગના રિપોર્ટમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. દારૂ કૌભાંડથી સરકારી ખજાનાને રૂ. ૨,૦૨૬ કરોડનું નુકસાન થયું છે. નવી દારૂ નીતિ લાગુ કરવામાં કેજરીવાલ સરકારે ભૂલ કરી હતી. નવી નીતિ લાવવા માટે આપ નેતાઓને લાંચ પણ મળી હતી.
કેજરીવાલ સરકારની કથિત નવી દારૂ નીતિ વિવાદોમાં સપડાયા પછી બંધ કરી દેવાઈ હતી. જોકે, વિધાનસભા ચૂંટણી સમયે જ પહેલી વખત આ નીતિથી સરકારી તીજોરીને થયેલા નુકસાનનો આંકડો સામે આવ્યો છે. ભાજપ સૂત્રોનું કહેવું છે કે કેગના આ રિપોર્ટથી ખ્યાલ આવે છે કે મનીષ સિસોદિયાના નેતૃત્વવાળા મંત્રીઓના જૂથે નિષ્ણાત પેનલની ભલામણોની અવગણના કરી હતી. ફરિયાદો પછી બધી જ સંસ્થાઓને બોલી લગાવવાની મંજૂરી અપાઈ હતી. લાયસન્સ જાહેર કરતા પહેલાં બોલી લગાવનારાઓની નાણાકીય સ્થિતિ પર ધ્યાન અપાયું નહોતું. જોકે, કેગનો આ રિપોર્ટ હજુ સુધી દિલ્હી વિધાનસભામાં રજૂ કરાયો નથી. ભાજપ સૂત્રોનો દાવો છે કે રિપોર્ટમાં કહેવાયું છે કે એક કંપનીએ નુકસાન દર્શાવ્યું હતું છતાં લાઈસન્સ રિન્યુ કરાયું હતું. આ સિવાય નિયમોને બાજુ પર મૂકનારાઓને દંડ કરાયો નહોતો. મૂલ્ય નિર્ધારણમાં પણ પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો હતો. અનેક મહત્વના નિર્ણયો પર કેબિનેટની મંજૂરી અથવા ઉપરાજ્યપાલની મંજૂરી લેવાઈ નહોતી. એક્સાઈઝ ડયુટીના નિયમોની મંજૂરીને વિધાનસભા સમક્ષ રાખવાની હતી, પરંતુ તેવું પણ કરાયું નહોતું.કેગ રિપોર્ટમાં કહેવાયું છે કે કેટલાક રિટેલ વિક્રેતાઓએ પોલિસીની મુદત પુરી થવા સુધી લાઈસન્સ પોતાની પાસે રાખ્યું ત્યારે કેટલાકે મુદત પૂરી થતા પહેલા જ લાઈસન્સ પાછું આપી દીધું, કારણ કે સરકારે સરન્ડર કરવામાં આવેલા રિટેલ લાઈસન્સ માટે ફરીથી ટેન્ડર આપ્યું નહીં. તેથી સરકારી ખજાના પર અંદાજે ૮૯૦ કરોડનો બોજ પડયો હતો. લાઈસન્સ ધારીઓને અપાતી છૂટથી રૂ. ૯૪૧ કરોડનું નુકસાન થયું. કોરોના પ્રતિબંધોના આધારે ઝોનલ લાઈસન્સ ધારકોને રૂ. ૧૪૪ કરોડની લાઈસન્સ ડયુટીમાં છૂટ અપાઈ હતી, જેના કારણે સરકારને મહેસૂલની આવકમાં નુકસાન થયું હતું.
સિક્યોરિટી ડિપોઝીટના ખોટા સંગ્રહણના કારણે પણ મહેસૂલમાં રૂ. ૨૭ કરોડનું નુકસાન થયું હતું.કથિત દારૂ કૌભાંડ પર ભાજપના દાવા સામે પલટવાર કરતા આપ નેતા સંજય સિંહે કહ્યું કે, આ કેગ રિપોર્ટ ક્યાં છે? આ દાવો ક્યાંથી થઈ રહ્યો છે? શું કેગનો આ રિપોર્ટ ભાજપની ઓફિસમાં દાખલ કરાયો છે? ભાજપ નેતા તેમનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. કેગનો જે રિપોર્ટ રજૂ જ નથી થયો તેના તરફથી આ દાવા કેવી રીતે થઈ શકે? જોકે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, શીશ મહેલ પર ખર્ચ કરેલા રૂપિયા દારૂ નીતિમાંથી આવ્યા હતા. આપે વિધાનસભા સત્ર બોલાવવું જોઈએ અને આ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવો જોઈએ.