કેજરીવાલને ઇડીના કેસમાં વચગાળાના જામીન પણ હજુ જેલમાં જ રહેવું પડશે

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
કેજરીવાલને ઇડીના કેસમાં વચગાળાના જામીન પણ હજુ જેલમાં જ રહેવું પડશે 1 - image


- ઇડીના કેસમાં સુપ્રીમમાં રાહત, સીબીઆઇના કેસમાં ૨૫મી સુધી કસ્ટડી

- ઇડીના અધિકારીઓ આડેધડ ધરપકડ ના કરી શકે, કાર્યવાહી માટે યોગ્ય આધાર પણ જોવો જોઇએ : સુપ્રીમ

- કેજરીવાલને મુખ્યમંત્રીપદ છોડવા આદેશ ના આપી શકીએ, આ નિર્ણય તેમના પર છોડીએ છીએ તેવી સુપ્રીમની સ્પષ્ટતા

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાં આંશિક રાહત મળી છે, દિલ્હીની એક્સાઇઝ નીતિ કૌભાંડમાં ઇડીના મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને સુપ્રીમે શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે. જોકે કેજરીવાલ સામે સીબીઆઇનો કેસ ચાલી રહ્યો છે જેને કારણે તેઓ હાલ જેલમાંથી નહીં છુટી શકે. સુપ્રીમ કોર્ટે ઇડીના કેસમાં જામીન વખતે શરતો મુકી છે જે મુજબ કેજરીવાલ દિલ્હી સચિવાલય, મુખ્યમંત્રી કાર્યાલય નહીં જઇ શકે, ૫૦ હજારના બોન્ડ જમા કરવાના રહેશે, કોઇ સરકારી ફાઇલ પર સહી નહીં કરી શકે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઇડીની કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.   

માર્ચ મહિનામાં ઇડીએ કરેલી ધરપકડ અને જામીન અરજી બન્નેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઇડીની સત્તાને લઇને કહ્યું હતું કે યોગ્ય કારણો અને આધાર પુરાવા વગર ઇડીના અધિકારી કોઇની પણ આડેધડ ધરપકડ ના કરી શકે. ઇડીના અધિકારી પાસે ધરપકડ માટેના મટિરિયલનો કબજો હોવો જોઇએ, જેમની પણ ધરપકડ કરવામાં આવી રહી હોય તેને ધરપકડનું યોગ્ય કારણ કાર્યવાહી સમયે જ આપવું પડે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ધરપકડને પડકારતી કેજરીવાલની અપીલની સુનાવણી લાર્જર બેંચને મોકલી આપી છે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ સંજીવ ખન્નાની બેંચે વચગાળાના જામીન મંજૂર કરતા કહ્યું હતું કે જીવન અને સ્વતંત્રતાનો અધિકાર પવિત્ર છે, ૯૦ દિવસ સુધી કેદ દરમિયાન કેજરીવાલે નુકસાન ઉઠાવવુ પડયું છે, અમે તેમને વચગાળાના જામીન પર છોડવા આદેશ આપીએ છીએ. આ સાથે જ અમે માનીએ છીએ કે અરવિંદ કેજરીવાલ એક ચૂંટાયેલા નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી છે જે મહત્વનુ અને પ્રભાવ ધરાવતુ પદ છે. 

સુપ્રીમે કહ્યું હતું કે અમે કેજરીવાલને મુખ્યમંત્રીનું પદ છોડવાનો આદેશ ના આપી શકીએ કેમ કે અમને શંકા છે કે શું કોઇ કોર્ટ કોઇ ચૂંટાયેલા નેતાને પદ છોડવા આદેશ આપી શકે ખરી? અમે આ નિર્ણય કેજરીવાલ પર છોડીએ છીએ. તેમ છતા યોગ્ય લાગે તો તેનો નિર્ણય લાર્જર બેંચ લઇ શકે છે. સુપ્રીમે એ પણ સ્પષ્ટતા કરી હતી કે વચગાળાના જામીનના અમારા આદેશની અસર કાયમી જામીનની સુનાવણી પર ના થવી જોઇએ. આમ આદમી પાર્ટીએ ચુકાદાનું સ્વાગત કર્યું હતું, આપના નેતા આતિશીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આદેશ ઐતિહાસિક અને સત્યની જીત અને કેજરીવાલ સામેના ભાજપના કાવતરાની હાર છે. જ્યારે દિલ્હીના ભાજપના સાંસદ બંસુરી સ્વરાજે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, સુપ્રીમે ધરપકડ મુદ્દે કોઇ રાહત નથી આપી. 

કેજરીવાલને માત્ર ઇડીના કેસમાં સામાન્ય રાહત મળી છે, સીબીઆઇના ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલ હજુ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. એક તરફ ઇડીના કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા હતા બીજી તરફ સીબીઆઇના કેસમાં દિલ્હીની સીબીઆઇ કોર્ટે દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડમાં ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલની ન્યાયીક કસ્ટડીને ૨૫મી જુલાઇ સુધી લંબાવી હતી, તેથી હવે કેજરીવાલ આ મામલાને પણ હાઇકોર્ટમાં પડકારશે.  


Google NewsGoogle News