કેજરીવાલે લાંચની રકમનો સીધો જ ઉપયોગ કર્યો હતો : ઇડી

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
કેજરીવાલે લાંચની રકમનો સીધો જ ઉપયોગ કર્યો હતો : ઇડી 1 - image


- કેજરીવાલ લાંચની રકમથી ગોવાની લક્ઝરી હોટેલમાં રોકાયા હતાં

- મની લોન્ડરિંગમાં સંડોવણી બદલ કેજરીવાલને સજા થવી જોઇએ :આપના સંયોજક હોવાથી પક્ષના અપરાધ માટે પણ તે જવાબદાર

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડમાંથી મળેલ લાંચનો ઉપયોગ ગોવામાં લકઝરી હોટેલમાં રહેવા માટે કર્યો હતો તેવો દાવો ઇડીએ કોર્ટમાં આપ સુપ્રીમો સામે દાખલ કરેલી ચાર્જશીટમાં કર્યો છે.

ફેડરલ તપાસ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે કેજરીવાલ સરકાર દ્વારા આ સંબધમાં ગુ્રપ ઓફ મિનિસ્ટરની રચના કરવી એક શરમજનક બાબત હતી. 

સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટે ૧૭ મેના રોજ દાખલ કરવામાં આવેલી ફરિયાદને ધ્યાનમાં રાખીને જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ માટે ૧૨ જુલાઇના રોજ હાજર થવા પ્રોડકશન વોરન્ટ જારી કર્યુ છે.

૫૫ વર્ષીય કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને કેસમાં દાખલ કરવામાં આવેલી સાતમી પૂરક ચાર્જશીટમાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. 

ઇડીએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે પીએમલએ કલમ ૪ હેઠળ મની લોન્ડરિંગના અપરાધમાં સંડોવણી બદલ કેજરીવાલને સજા થવી જોઇએ. આ ઉપરાંત પીએમએલએની કલમ ૭૦ અનુસાર આમ આદમી પાર્ટીના સંયોજક હોવાના કારણે પક્ષે કરેલા અપરાધ માટે પણ તે જવાબદાર છે. 

ઇડીએ વધુમાં જણાવ્યું છે કે કેજરીવાલ દ્વારા વાપરવામાં આવેલા ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે પણ કેજરીવાલ અત્યાર સુધી આ ડિજિટલ ઉપકરણોને ખોલવા માટે પાસવર્ડ આપી રહ્યાં નથી. પૂછપરછના વિડિયો ફૂટેજમાં તેમણે કરેલા ઇન્કાર વીડિયો રેકોર્ડેડ છે. 

પોતાના બચાવમાં કેજરીવાલે ઇડીના પૂછપરછકર્તાઓને જણાવ્યું હતું કે તેમના વકીલે તેમને સલાહ આપી છે કે આ ડિજિટલ ઉપકરણોના પાસવર્ડ શેર કરવાની કોઇ જરૂર નથી.

ચાર્જશીટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વિજય નાયર કેજરીવાલના નજીકના સહયોગી હતાં અને લાંચ લેવા માટે તેમણે વચેટિયાની ભૂમિકા ભજવી હતી. 

ઇડીએ જણાવ્યું છે કે બીઆરએસ નેતા કે કવિતાએ સાઉથ ગુ્રપના સભ્યો સાથે મળીને કાવતરું ઘડયું હતું અને વિજય નાયરની મદદથી આપ નેતાઓને ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ આપી હતી. કસ્ટોડિયલ પૂછપરછમાં કેજરીવાલે ખોટી માહિતી આપી હતી. 

ચાર્જશીટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીએ ખોટા પુરાવા રજૂ કર્યા છે. કેજરીવાલ અને અન્ય નેતાઓ હકીકતોથી વિપરિત નિવેદનો અને પુરાવાઓ આપી રહ્યાં છે. જ્યારે તેમને તેમના જ પક્ષના નેતાઓના નિવેદન અંગે પૂછવામાં આવે છે તો  તે તેમના નેતાઓ વ્યાકુળતામાં આ નિવેદનો આપ્યા હતાં તેમ જણાવે છે.

ઇડીએ દાખલ કરેલ ચાર્જશીટના મુખ્ય અંશો

- બીઆરએસ નેતા કવિતાના પીએ  એ વચેટિયા વિનોદ ચૌહાણ દ્વારા ૨૫.૫ કરોડ રૂપિયા ગોવા ચૂંટણી માટે આપને પહોંચૌડયા હતાં.

- વિનોદ ચૌહાણ પ્રોસીડ ઓફ ક્રાઇમ એટલે કે અપરાધથી સર્જિત આવકને દિલ્હીથી ગોવા હવાલાથી ટ્રાન્સફર કરી રહ્યો હતો. 

- હવાલાથી ગોવા મોકલવામાં આવેલા નાણા અંગે થયેલી વાતચીત અંગેના પુરાવા પણ ઇડી પાસે ઉપલબ્ધ છે. 

- ઇડી પાસે હવાલા મની ટ્રાન્સફરથી જોડાયેલ વિનોેદ ચૌહાણ અને અભિષેક બોઇંગ પિલ્લાઇ વચ્ચેની વોટ્સએપ ચેટ પણ ઉપલબ્ધ છે. 

- કેજરીવાલને અપરાધની આવક અંગે સંપૂર્ણ માહિતી હતી અને તેઓ તેમાં સામેલ હતાં. આ નાણાનો ઉપયોગ ગોવા ચૂંટણીમાં કરાયો હતો. 

- દિલ્હી એક્સાઇઝ નીતિ ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા વિજય નાયર કેજરીવાલની ખૂબ જ નજીક હતાં અને તે કેજરીવાલના ઇશારે કાર્ય કરી રહ્યાં હતાં. સમીર મહેન્દ્રુએ પૂછપરછમાં જણાવ્યું હતું કે વિજય નાયરે તેમને કહ્યું હતું કે એક્સાઇઝ નીતિ પાછળ સંપૂર્ણ મગજ કેજરીવાલનું છે. 

- ઇડીએ દાવો કર્યો છે કે દારૂના ઉદ્યોગપતિઓ પાસેથી મળેલા ૧૦૦ કરોડ  રૂપિયા કેજરીવાલના હાથમાં આવ્યા હતાં. 


Google NewsGoogle News