કેજરીવાલે ખાલિસ્તાનીઓ પાસેથી 134 કરોડ લીધા, એનઆઇએ તપાસ કરે : એલજી
- પન્નૂના વીડિયો, એક હિંદુ સંગઠનના દાવાના આધારે ગૃહ મંત્રાલયને ભલામણ
- આતંકી સંગઠન શિખ ફોર જસ્ટિસને ભંડોળના બજલામાં તિહારમાં કેદ આતંકી ભુલ્લરને છોડાવવાનું વચન આપ્યાનો આક્ષેપ
- એલજી ભાજપના એજન્ટ, દિલ્હીની તમામ બેઠકો પર હાર ભાળી ગયા હોવાથી આ કાવતરું ઘડાયું છે : આપ
નવી દિલ્હી : એક્સાઇઝ નીતિના કથિત કૌભાંડમાં જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ ખાલિસ્તાની સંગઠન પાસેથી ફંડ લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સાથે જ આ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએ દ્વારા તપાસ કરવા માટે ભલામણ પણ કરી છે. કેજરીવાલ સામે આ ફરિયાદ વર્લ્ડ હિંદુ ફેડરેશન નામની સંસ્થાના એક સભ્ય દ્વારા કરાઇ હતી, જેના આધારે બાદમાં ઉપરાજ્યપાલે કેજરીવાલ સામે કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરવાની ભલામણ કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સચીવને કરાયેલી ભલામણમાં ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ પર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ પાસેથી ફંડ લેવાની ફરિયાદ મળી હતી, આશરે ૧.૬૦ કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. ફરિયાદીએ કેટલાક ઇલેક્ટ્રોનિક પુરાવા પણ આપ્યા છે, તેથી તેની ફોરેંસિક તપાસ થવી જોઇએ. સાથે જ એક પત્ર પણ ફરિયાદીએ મોકલ્યો છે, આ પત્ર અરવિંદ કેજરીવાલે જાન્યુઆરી ૨૦૧૪માં ઇકબાલ સિંઘને લખ્યો હતો, જેમાં તેઓએ ઇકબાલ સિંઘને કહ્યું હતું કે દિલ્હીની આપ સરકારે પ્રોફેસર ભુલ્લારને છોડવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરી છે. સાથે જ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંઘ પન્નૂને જાહેર કરેલો વીડિયો પણ તપાસમાં સામેલ કર્યો હતો જેમાં પન્નૂએ દાવો કર્યો હતો કે ખાલિસ્તાની સંગઠન પાસેથી દિલ્હીની આપ સરકારે વર્ષ ૨૦૧૪થી ૨૦૨૨ દરમિયાન ૧૬ મિલિયન ડોલર એટલે કે આશરે દોડ કરોડ રૂપિયા લીધા હતા. આ તમામ આરોપો સાથે ઉપરાજ્યપાલે એનઆઇએને તપાસ સોંપવા ભલામણ કરી છે. દેવિંદર પાલ સિંઘ ભુલ્લર ૧૯૯૩માં યુથ કોંગ્રેસની ઓફિસ બહાર થયેલા વિસ્ફોટના આરોપી છે, આ કેસમાં ભુલ્લરને ફાંસીની સજા થઇ હતી જેને બાદમાં આજીવન કેદમાં ફેરવી નાખવામાં આવી હતી, તેઓ ૧૯૯૫થી દિલ્હીની તિહાર જેલમાં કેદ છે. તેમને છોડવા માટે પંજાબના અન્ય સ્થાનિક પક્ષો પણ માગણી કરી રહ્યા છે. બીજી તરફ ઉપરાજ્યપાલના આરોપોને ફગાવતા આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે દિલ્હીના ઉપરાજ્યપાલ ભાજપના એજન્ટ છે. દિલ્હીમાં ભાજપ લોકસભાની તમામ સાત બેઠકો ગુમાવવા જઇ રહી છે તેથી ભાજપ દ્વારા કેજરીવાલ સામે આ વધુ એક કાવતરુ ઘડવામાં આવ્યું છે. દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે ભાજપે આ જ પ્રકારનું કાવતરુ પંજાબની વિધાનસભાની ચૂંટણી પહેલા પણ રચ્યું હતું.