Get The App

રાજીનામા બાદ કેજરીવાલનો પહેલો રોડ શો, કહ્યું- 'હરિયાણામાં AAPના સપોર્ટ વગર નહીં બને કોઈની સરકાર'

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
રાજીનામા બાદ કેજરીવાલનો પહેલો રોડ શો, કહ્યું- 'હરિયાણામાં AAPના સપોર્ટ વગર નહીં બને કોઈની સરકાર' 1 - image


Arvind Kejriwal Big Statement : હરિયાણામાં આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલે એક રોડ શોમાં મોટું નિવેદન આપ્યું છે. કેજરીવાલ યમુનાનગરના જગાધરીમાં બોલ્યા કે, હરિયાણામાં કોઈ પણ સરકાર આમ આદમી પાર્ટી વગર નહીં બને. દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આ તેમનો પહેલો રાજકીય કાર્યક્રમ છે. હરિયાણાની જગાધરી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે રોડ શો કર્યો. જણાવી દઈએ કે, બે અઠવાડિયામાં અરવિંદ કેજરીવાલ હરિયાણામાં 10થી વધુ ઉમેદવારો માટે રોડ શો કરશે.

'આપના સપોર્ટ વગર નહીં બને કોઈની સરકાર'

જગાધરી વિધાનસભામાં ભાષણ આપતા કેજરીવાલે કહ્યું કે, 'દિલ્હીમાં અમે સરકારી શાળા શાનદાર બનાવી નાખી અને પ્રાઇવેટ સ્કૂલોની દાદાગીરી બંધ કરી દીધી છે. ગત 10 વર્ષને બાદ કરતા કંવર પાલે જગાધારી માટે એક કામ પણ કર્યું હોય તો મને કહો, તો તેને મત શા માટે આપો છો. જગાધરી પીતળના વાસણોનું હબ હતું, પરંતુ ભાજપે તમને ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી અને બાળકોને નશો આપ્યો.  હરિયાણામાં જે પણ સરકાર બનશે તે આમ આદમી પાર્ટીના સપોર્ટ વગર નહીં બને. આમ આદમી પાર્ટીની આટલી બેઠકો આવી રહી છે, મેં હિસાબ કર્યો છે કે જે પણ સરકાર બનશે, આમ આદમી પાર્ટીના સપોર્ટ વગર નહીં બને. આખા હરિયાણામાં સૌથી પહેલી બેઠક જગાધરીથી આદર્શ પાલ જ જીતશે.'

'મારી નસોમાં હરિયાણાનું લોહી વહી રહ્યું'

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'જગાધરીના લોકોને મારા રામ રામ. આ લોકોએ મને નકલી કેસમાં જેલ હવાલે કર્યો હતો, તમે લોકોએ જોયું હશે. હું 5 મહિના જેલમાં રહ્યો. જેલમાં તેમણે મને તોડવાના ખુબ પ્રયાસો કર્યા. મને સામાન્ય ગુનેગારને મળતી સુવિધાઓ પણ ન આપી. આ મને તોડવા માંગતા હતા પરંતુ તેમને એ ખબર નથી કે હું હરિયાણાનો છું. મારી નસોમાં હરિયાણાનું લોહી વહી રહ્યું છે. તમે કોઈને પણ તોડી શકો છો પરંતુ હરિયાણા વાળાને ન તોડી શકો. તેમણે મારી સાથે જે કંઈ પણ કર્યું હરિયાણાના લોકો તેનો બદલો લેશે. તેમણે (ભાજપ) મને જેલ મોકલ્યો હવે હરિયાણા વાળા તેમને હરિયાણાથી બહાર મોકલશે.'

'હું પણ અગ્નિપરીક્ષા આપીશ'

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'હું ઈચ્છતો હોત તો આરામથી મુખ્યમંત્રીની ખુરશી પર બેસી શકતો હતો. 14 વર્ષના વનવાસ બાદ જ્યારે ભગવાન રામ પરત ફર્યા હતા તો સીતા માતાને અગ્નિપરીક્ષા આપવી પડી હતી. એવી જ રીતે કેજરીવાલ પણ અગ્નિપરીક્ષા આપશે. આ લોકો મારા પર આરોપ લગાવે છે કે કેજરીવાલ બેઈમાન અને ભ્રષ્ટ છે. મેં દિલ્હીની જનતાને કહ્યું હતું કે હું રાજીનામું આપી રહ્યો છું અને જો તમને લાગે કે કેજરીવાલ ચોર છે તો મને મત ન આપતા. અને લાગે કે કેજરીવાલ ઈમાનદાર છે તો જ મત આપજો. જો દિલ્હીની જનતાને લાગે છે કે અરવિંદ કેજરીવાલ ઈમાનદાર છે અને દિલ્હીની જનતા જ્યારે ફરી મત આપીને જીતાડશે ત્યારે જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ. મને નથી લાગતું કે કોઈ પણ નેતાએ આજ સુધી આટલી હિમ્મત કરી હોય.'


Google NewsGoogle News