‘હું રોજ ઈન્સ્યુલિન માંગું છું, તિહાર તંત્ર ખોટું બોલી રહ્યું છે’ કેજરીવાલે જેલ સુપરિન્ટેડન્ટને લખ્યો પત્ર
Delhi Liquor Scam : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ની ડાયાબિટીસની બિમારી અને ઈન્સ્યુલિન મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી કેજરીવાલે તિહાર જેલના સુપરિન્ટેડન્ટને પત્ર લખી જેલ તંત્ર પર આક્ષેપ કર્યો છે કે, ‘તિહાર જેલ તંત્ર ખોટું બોલી રહ્યું છે. તેઓ મને ઈન્સ્યુલિન નથી આપતા.’
‘દિવસમાં મારું ત્રણ વાર સુગર હાઈ થઈ જાય છે’
કેજરીવાલે કહ્યું કે, ‘મેં સમાચાર પત્રોમાં તિહાર તંત્રનું નિવેદન વાચ્યું હતું, જે વાંચીને મને દુઃખ થયું. તિહાર જેલ તંત્રના બંને નિવેદનો ખોટા છે. હું રોજ ઈન્સ્યુલિન માંગી રહ્યો છું. મેં ગુલુકો મીટરની રીડિંગ બતાવીને કહ્યું હતું કે, દિવસમાં મારું ત્રણ વાર સુગર હાઈ પર જઈ રહ્યું છે. સુગર 250થી 320 વચ્ચે પહોંચી જાય છે. AIIMSના ડૉક્ટરોએ એવું ક્યારેય કહ્યું નથી કે, ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. ડૉક્ટરોએ કહ્યું કે, તેઓ ડેટા અને હિસ્ટ્રી જોઈને કહેશે. તિહાર જેલનું તંત્ર રાજકીય દબાણમાં આવી ખોટું બોલી રહ્યું છે.’
આતિશી માર્લેનાએ ED પર ઉઠાવ્યા સવાલ
બીજી તરફ દિલ્હીના PWDના મંત્રી આતિશી માર્લેના (Atishi Marlena)એ આજે મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડ્રિંગ કેસની તપાસ કરી રહેલી ઈડીની કાર્યવાહી સામે આજે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, કેજરીવાલે રાઉઝ એવન્યૂ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં તેમણે કહ્યું છે કે, તેઓ પોતાના સુગર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર સાથે વાતચીત કરી ફરી ઈન્સ્યુલિન લેવા ઈચ્છે છે. ઈડી અને જેલ વહીવટી તંત્રએ કેજરીવાલની આ અરજીનો કોર્ટમાં વિરોધ કર્યો છે.
‘ઈન્સ્યુલિન આપવાનો નિર્ણય AIIMSના ડૉક્ટરો કરશે’
આતિશીના જણાવ્યા મુજબ ‘કોર્ટમાં હાજર થયેલા ઈડી અને તિહાર જેલના વકીલે કહ્યું કે, કેજરીવાલને પોતાના ડૉક્ટર સાથે ન મળવા દેવા જોઈએ. અમે કેજરીવાલને ઈન્સ્યુલિન નહીં લેવા દઈએ. તેમને ઈન્સ્યુલિનની જરૂર નથી. AIIMS ડૉક્ટરો સૌથી શ્રેષ્ઠ ડૉક્ટર છે. તેઓ જ કહેશે કે તેમને ઈન્સ્યુલિનની જરૂર છે કે નહીં.’
રવિવારે આવ્યો હતો રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે, રવિવારે એવા અહેવાલો સામે આવ્યા હતા કે, સુનીતા કેજરીવાલ (Sunita Kejriwal)ની વિનંતી બાદ તિહાર જેલ પ્રશાસને ડૉક્ટરો અને દિલ્હીના મુખ્યમંત્રી વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ યોજી હતી. આ દરમિયાન એઈમ્સના સિનિયર ડાયાબિટીસ સ્પેશ્યાલિસ્ટ અને આરએમઓ તિહાર અને એમઓ તિહાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટરોએ સીજીએમ (ગ્લૂકોઝ મોનિટરિંગ સેન્સર)નો સંપૂર્ણ રેકોર્ડ અને કેજરીવાલ દ્વારા લેવાતો આહાર, દવાઓની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ દરમિયાન કેજરીવાલે ઈન્સ્યુલિનનો મુદ્દો પણ ઉઠાવ્યો ન હતો અને ડૉક્ટરોએ તેમને તેના ઉપયોગની સલાહ પણ આપી ન હતી.