કેજરીવાલે કોર્ટમાં રૂબરૂ હાજર થવું જ પડશે, સમન્સ સામે અરજી રદ
- ઇડીની ફરિયાદ પર કોર્ટે સમન્સ મોકલ્યું હતું
- કેજરીવાલ સાદુ જીવન જીવે છે, દિવસમાં 3 વખત કપડા નથી બદલતા: વકીલની દલીલ ના ચાલી
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. જેની સામે કેજરીવાલ દ્વારા ઉપરી કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જોકે કોર્ટે આ અપીલને ફગાવી દીધી હતી અને નીચલી કોર્ટમાં અપીલ કરવા કહ્યું હતું. દારૂ નીતિના કથિત કૌભાંડ મુદ્દે હાજર ના થતા કેજરીવાલ સામે ઇડીએ કોર્ટમાં ફરિયાદ કરી જે બાદ કોર્ટે તેમને હાજર થવા સમન્સ મોકલ્યું હતું.
કોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે કેજરીવાલના વકીલે રૂબરૂ હાજર થવાથી છૂટ આપવાની માગણી કરી હતી. જેના જવાબમાં ઇડીના વકીલે એવી દલીલ કરી હતી કે કેજરીવાલ ખૂદ અગાઉ કહી ચુક્યા છે કે તેઓ ૧૬ માર્ચે રૂબરૂ હાજર થવા તૈયાર છે.
કોર્ટ તરફથી કેજરીવાલને બીજુ સમન્સ મોકલવામાં આવ્યું છે. કેજરીવાલના વકીલે કોર્ટમાં મુખ્યમંત્રીની સાદગીની વાતો કરી હતી અને કહ્યું હતું કે કેજરીવાલ એકદમ સામાન્ય વ્યક્તિ છે, તેઓ ક્યારેય સૂટ નથી પહેરતા, જુતા પણ નથી પહેરતા. તેઓ જે શર્ટ પહેરે છે તે પણ પેન્ટની બહાર રહે છે.
દિવસમાં ત્રણ વખત કપડા નથી બદલતા, તેઓ એક સામાન્ય વ્યક્તિ છે.
કેજરીવાલને દિલ્હીના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાની સમક્ષ હાજર થવાનું છે. આ કોર્ટના સમન્સને તેઓએ ઉપરી કોર્ટમાં પડકાર્યું હતું. જોકે કેજરીવાલની સાદગીની દલિલોને કોર્ટે નકારી દીધી હતી. જેને પગલે હવે શનિવારે કેજરીવાલે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવુ પડશે. આ પહેલા કેજરીવાલને ઇડીએ દિલ્હીની દારુ એક્સાઇઝ નીતિના કથિત કૌભાંડ મુદ્દે પૂછપરછ માટે અનેક વખત બોલાવ્યા હતા, જોકે તેઓ હાજર ના રહેતા અંતે કોર્ટમાં ફરિયાદ કરી દીધી હતી. જેની હાલ સુનાવણી ચાલી રહી છે.