કેજરીવાલ દોષનો ટોપલો સિસોદિયા પર ઢોળી રહ્યા છે : કોર્ટમાં સીબીઆઇ
- સીબીઆઇએ કેજરીવાલની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા, ત્રણ દિવસની કસ્ટડી
- સિસોદિયા આરોપી છે તેવું મે કહ્યું જ નથી, સીબીઆઇએ મીડિયામાં હેડલાઇન માટે આ જુઠો દાવો કર્યો : કેજરીવાલ
- જામીન પર વચગાળાના સ્ટે સામે કેજરીવાલે સુપ્રીમમાં કરેલી અરજી પાછી ખેંચી, હવે હાઇકોર્ટના અંતિમ આદેશને પડકારશે
નવી દિલ્હી : એક્સાઇઝ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે. ઇડીના મની લોન્ડરિંગના કેસ વચ્ચે હવે સીબીઆઇ દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇએ બુધવારે કેજરીવાલને દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાં રજુ કર્યા હતા અને પાંચ દિવસની કસ્ટડીની માગણી કરી હતી. આ દરમિયાન સીબીઆઇ અને કેજરીવાલ વચ્ચે ધારદાર દલીલો થઇ હતી. બન્નેની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ત્રણ દિવસની કસ્ટડી મંજૂર કરી હતી.
સીબીઆઇએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે કેજરીવાલ તમામ દોષનો ટોપલો દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર ઢોળી રહ્યા છે. તેઓ કોઇ પણ સવાલનો યોગ્ય રીતે જવાબ નથી આપી રહ્યા. જ્યારે અરવિંદ કેજરીવાલે પોતે કોર્ટમાં દલીલો કરી હતી, આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સીબીઆઇ મીડિયામાં હેડલાઇન બનાવવા માટે મનીષ સિસોદિયાનું નામ લઇ રહી છે, મે એવુ કહ્યું જ નથી કે મનીષ સિસોદિયા દોષી છે. સિસોદિયા નિર્દોશ છે, આમ આદમી પાર્ટી નિર્દોશ છે, હું નિર્દોશ છું, સીબીઆઇનો પુરો પ્લાન અમને મીડિયામાં બદનામ કરવાનો છે. સીબીઆઇએ પોતાના સુત્રોને એક્ટિવ કર્યા છે. જેના તમામ દાવા જુઠા છે. સીબીઆઇનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર મીડિયામાં એ દેખાડવાનો છે કે કેજરીવાલે મનીષ સિસોદિયા પર આરોપો ઢોળ્યા છે. તેમનો આઇડીયા એ છે કે કાલના છાપામાં એવી હેડલાઇન બને કે કેજરીવાલે સિસોદિયા પર ઠીકરુ ફોડયું છે.
કોર્ટના સ્પેશિયલ જજ અમિતાભ રાવત સમક્ષ બાદમાં સીબીઆઇએ કહ્યું હતું કે અમે જે કઇ કહ્યું છે કે હકીકત છે, કોઇ સુત્રોના આધારે નથી કહી રહ્યા. જવાબમાં જજે કહ્યું હતું કે મીડિયા એક લાઇન પકડી લેશે, મીડિયાને કન્ટ્રોલ કરવું અશક્ય છે. સીબીઆઇએ કહ્યું હતું કે કેજરીવાલની કસ્ટડી જરૂરી છે. જે પુરાવા મળ્યા છે અને અન્ય જે પણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની સામે કેજરીવાલને બેસાડીને પૂછપરછ કરવી જરૂરી છે. કેજરીવાલ કહી રહ્યા છે કે આ કેસમાં અન્ય એક આરોપી વિજય નૈયર તેમની સાથે કામ નહોતા કરતા.
સીબીઆઇએ કહ્યું હતું કે કેજરીવાલે દાવો કર્યો છે કે નૈયર આતિશી, સૌરભ ભારદ્વાજ સાથે કામ કરતા હતા, તેઓ તમામ દોષનો ટોપલો સિસોદિયા પર ઢોળી રહ્યા છે. સીબીઆઇએ હાલ કેજરીવાલની પાંચ દિવસ માટે કસ્ટડીની માગણી કરી હતી જો કે અંતે તેને ત્રણ દિવસની કસ્ટડીની મંજૂરી મળી હતી. બીજી તરફ ટ્રાયલ કોર્ટ દ્વારા કેજરીવાલને જામીન આપવામાં આવ્યા હતા, જેના પર હાઇકોર્ટ દ્વારા વચગાળાનો સ્ટે મુકાયો હતો, આ વચગળાના સ્ટેને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. જોકે મંગળવારે હાઇકોર્ટે સ્ટે યથાવત રાખતા કેજરીવાલે સુપ્રીમમાં વચગાળાના સ્ટે સામેની અરજીને પરત ખેંચી લીધી હતી, હવે ફરીથી અપીલ કરવામાં આવશે.