કેજરીવાલને માત્ર ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન
- લોકસભા ચૂંટણી વચ્ચે કેજરીવાલને 50 દિવસ પછી 21 દિવસ માટે આંશિક રાહત, બે જૂને આત્મસમર્પણ કરવું પડશે
- કેજરીવાલ ટોચના નેતા, લોકસભા ચૂંટણી સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના : સુપ્રીમ સામાન્ય નાગરિક કરતાં વિશેષ લાભ આપવાનો ઈડીનો તર્ક ફગાવ્યો
- કેજરીવાલને જામીન લોકતંત્રનો વિજય, હનુમાનજીનો જય : પત્ની સુનીતા
- દેશને તાનાશાહીથી બચાવવાનો છે : કેજરીવાલ
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. ત્રણ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને હવે બે દિવસ પછી સોમવારે ચોથા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે ૧ જૂન સુધી વચગાળાના શરતી જામીન આપ્યા છે. જોકે, આ સાથે સુપ્રીમે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર સીએમ ઓફિસમાં જવા, સરકારી દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે તેમને બે જૂને આત્મસમર્પણ કરવા આદેશ આપ્યો છે.
દિલ્હીમાં કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૨૧ માર્ચે ધરપકડના લગભગ ૫૦ દિવસ પછી ૨૧ દિવસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલીક શરતો સાથે રાહત આપવામાં આવી છે, જે મુજબ જામીનના આ સમયમાં કેજરીવાલ મુખ્યમંત્રી તરીકેની ફરજો બજાવી નહીં શકે. વધુમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન અપાયા છે, કેસના મેરિટ પર હજુ સુધી કોઈ વિચાર કરાયો નથી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સંજિવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કરતા કહ્યું હતું કે, તેમને નેતા તરીકે કોઈ વિશેષ સુવિધા આપવામાં આવી નથી. લોકસભા ચૂંટણી આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ ઘટના છે. કરોડો મતદારો આગામી પાંચ વર્ષ માટે આ દેશની સરકારને ચૂંટી કાઢવા માટે તેમના વોટ આપશે. લોકસભાની ચૂંટણી દેશના લોકતંત્રને જીવનશક્તિ પૂરી પાડે છે.બેન્ચે કહ્યું કે, લોકસભા ચૂંટણીના મહત્વને ધ્યાનમાં રાખતા અમે ફરિયાદી પક્ષ તરફથી અપાયેલા તર્કને ફગાવી દઈએ છીએ, જેમાં તેમણે કહ્યું હતું કે જામીન આપવાથી નેતાઓને આ દેશના સામાન્ય નાગરિકોની સરખામણીમાં લાભદાયક સ્થિતિમાં હોવાનો ફાયદો મળશે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અને એક રાષ્ટ્રીય પક્ષના નેતા છે. બેન્ચે ઉમેર્યું કે, નિશ્ચિતરૂપે તેમના પર લગાવાયેલા આરોપો ગંભીર છે, પરંતુ હજુ સુધી તેમને દોષિત ઠેરવવામાં આવ્યા નથી. તેમનો કોઈ ગુનાઈત ઇતિહાસ નથી. તેઓ સમાજ માટે જોખમી નથી. વર્તમાન કેસની તપાસ ઑગસ્ટ ૨૦૨૨થી પેન્ડિંગ છે. કેજરીવાલની ૨૧ માર્ચ ૨૦૨૪ના રોજ ધરપકડ કરાઈ હતી. તેનાથી પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે ધરપકડની કાયદેસરતાને પણ આ કોર્ટ સમક્ષ પડકારવામાં આવી છે અને હજુ સુધી આ અંગે અંતિમ ચુકાદો આપવાનો બાકી છે. આથી તેમને વચગાળાના જામીન આપવામાં આવે છે. આ સાથે સુપ્રીમે કેજરીવાલને રૂ. ૫૦,૦૦૦ના બોન્ડ પર જામીન આપ્યા હતા.
અરવિંદ કેજરીવાલને શુક્રવારે વચગાળાના જામીન મળતા તેમના પત્ની સુનીતા કેજરીવાલે આ આદેશને 'લોકતંત્રનો વિજય' ગણાવ્યો હતો. સુનીતા કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, હનુમાનજીનો જય, આ લોકતંત્રનો વિજય છે. આ લાખો લોકોની પ્રાર્થના અને આશીર્વાદનું પરિણામ છે. બધાનો ખૂબ-ખૂબ આભાર.
બીજીબાજુ જેલમાંથી છૂટયા પછી અરવિંદ કેજરીવાલે લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, હું સૌથી પહેલા હનુમાનજીનો આભાર માનું છું. મેં કહ્યું હતું કે, હું જલ્દી બહાર આવીશ. આવી ગયો છું. તમને બધાને એક જ નિવેદન છે કે બધાએ સાથે મળીને દેશને તાનાશાહીથી બચાવવાનો છે. હું તાનાશાહી વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યો છું. ૧૪૦ કરોડ લોકોએ તાનાશાહી વિરુદ્ધ સંઘર્ષ કરવો પડશે.