કેજરીવાલ સરકાર પર સંકટના વાદળ, LGએ આપ્યા CBI તપાસના આદેશ, જાણો શું છે મામલો
દિલ્હીની મોહલ્લા ક્લિનિકમાં પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટમાં કૌભાંડ કરવાનો આરોપ
નવી દિલ્હી, તા. 04 જાન્યુઆરી ગુરૂવાર
Delhi Mohalla Clinic Fake Medical Test Scam: દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સંકટમાં ઘેરાયેલી કેજરીવાલ સરકાર ફરી એક વખત સંકટના વાદળ ઘેરાયા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના હાલના દિવસોમાં કેજરીવાલ સરકાર વિરુદ્ધ એક્શન મોડમાં ચાલી રહ્યા છે ત્યારે LG પણ એક પછી એક મામલે સરકાર વિરુદ્ધ CBI તપાસની ભલામણ કરી રહ્યા છે.
હવે શું છે મામલો?
દિલ્હીની મોહલ્લા ક્લિનિકમાં પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટમાં કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે, દિલ્હીની આ મોહલ્લા ક્લિનિકોમાં નકલી રેડિયોલોજી અને પેથોલોજી ટેસ્ટ કરાવીને પ્રાઈવેટ લેબને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તપાસ રિપોર્ટ મળ્યા બાદ LG વિનય સક્સેનાએ CBI તપાસના આદેશ આપ્યા છે.
LGએ શું કહ્યું?
LGએ પોતાના ભલામણ પત્રમાં લખ્યું કે, મોહલ્લા ક્લિનિકોમાં નકલી લેબ ટેસ્ટ થઈ રહ્યા છે. તેના માટે નકલી અથવા જે મોબાઈલ નંબર સેવામાં જ નથી તેને નોંધીને દર્દીઓની એન્ટ્રી બતાવવામાં આવી રહી છે.
રિપોર્ટ પ્રમાણે 11 હજાર 657 દર્દીઓના રિપોર્ટમાં મોબાઈલ નંબરની જગ્યાએ 0 લખવામાં આવ્યું હતું. બીજી તરફ 8,251ના રિપોર્ટમાં મોબાઈલ નંબરની જગ્યાએ કંઈ પણ લખવામાં નહોતું આવ્યું. 3092 દર્દીઓના રેકોર્ડમાં મોબાઈલ નંબરની જગ્યાએ તમામ 10 અંક 9 હતા. જ્યારે કેટલાક દર્દીઓના મોબાઈલ નંબર 1,2,3,4,5 થી શરૂ થઈ રહ્યા હતા. 999 દર્દીઓના રેકોર્ડમાં 15 સમાન મોબાઈલ નંબર મળી આવ્યા છે.