Get The App

કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે નહીં: એલજી .

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે નહીં: એલજી                 . 1 - image


- વધુ એક મુદ્દે આપ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે તકરાર વધી

- કેજરીવાલ લાંબો સમય સુધી જેલમાંથી જ સરકાર ચલાવવાનું શરૂ રાખે તો ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરે તેવી શક્યતા

- મારા પતિ લિકર પોલિસીના કેસને ખુલ્લો પાડશે, કોર્ટમાં તમામ પુરાવા રજુ કરવામાં આવશે : સુનિતા કેજરીવાલ

- હાઇકોર્ટમાં કેજરીવાલને હાલ રાહત નહીં, ધરપકડ સામે અપીલ મુદ્દે ઇડીનો જવાબ માગ્યો, ત્રણ એપ્રીલે વધુ સુનાવણી

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૨૮મી માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં છે, જોકે આ દરમિયાન આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે કેજરીવાલ જેલમાં રહીને પણ સરકાર ચલાવશે. હવે આ મુદ્દે જવાબ આપતા દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ કહ્યું છે કે જેલમાંથી સરકાર નહીં ચાલે. હું દિલ્હીના નાગરિકોને ખાતરી આપવા માગુ છું કે જેલમાંથી દિલ્હીની સરકાર નહીં ચાલે. આ પહેલા ઇડીની કસ્ટડીમાંથી કેજરીવાલે પત્ર દ્વારા સરકારી કામનો આદેશ આપ્યો હોવાનો દાવો મંત્રી આતિશીએ કર્યો હતો. એવા સમયે ઉપરાજ્યપાલે આ નિવેદન આપ્યું છે. તેથી દિલ્હીમાં સરકાર ચલાવવા મુદ્દે હવે આમ આદમી પાર્ટી અને ઉપરાજ્યપાલ વચ્ચે વિવાદ વધ્યો છે. 

બીજી તરફ ઇડીની ધરપકડ સામે કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી. બુધવારે તેના પર સુનાવણી દરમિયાન કેજરીવાલે હાઇકોર્ટને અપીલ કરી હતી કે મને છોડી મુકવામાં આવે, આ ધરપકડને કોઇ માહિતી મેળવવા સાથે કઇ જ લેવાદેવા નથી, માત્ર મને અને મારા પક્ષને નિષ્ક્રિય બનાવવા આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં હાઇકોર્ટે કોઇ વચગાળાનો આદેશ આપવાની ના પાડી દીધી છે. સાથે જ ઇડી પાસેથી ૨ એપ્રીલ સુધીમાં જવાબ પણ માગ્યો છે. તેથી હવે ત્રણ એપ્રીલે વધુ સુનાવણી કરવામાં આવશે. 

અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે કહ્યું હતું કે ૨૮મી માર્ચના રોજ મારા પતિ કેજરીવાલ તમામ આરોપો અંગે સત્ય બહાર લાવશે. કોર્ટમાં લિકર પોલિસી કેસનું સત્ય બહાર લાવવામાં આવશે.  નાણાકીય માહિતી પણ જાહેર કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જેલમાંથી દિલ્હીના નાગરિકો માટે વધુ એક સંદેશો મોકલ્યો છે, તેમના પત્નીએ આ સંદેશો વાંચી સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે મુખ્યમંત્રીએ કહ્યું છે કે મારુ શરીર જેલમાં છે પણ મારી આત્મા જનતાની વચ્ચે છે.    ૨૮મી તારીખે ઇડીની કસ્ટડી પુરી થવા જઇ રહી છે. ત્યાં હવે સીબીઆઇ કેજરીવાલને સકંજામાં લેવાની તૈયારીમાં છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે સીબીઆઇ કેજરીવાલની કસ્ટડીની માગણી કરશે. ઇડીની કસ્ટડીનો સમય પુરો થઇ જાય તે બાદ સીબીઆઇ કોર્ટમાં કેજરીવાલની કસ્ટડી માટે અરજી કરશે. જેને પગલે દિલ્હીના મુખ્યમંત્રીની મુશ્કેલી હજુ પણ વધી શકે છે. 

દરમિયાન દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને સવાલ કરાયો હતો કે શું દિલ્હીની સરકાર હાલ જેલમાંથી ચલાવવામાં આવશે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું દેશના નાગરિકોને ખાતરી આપવા માગુ છું કે દિલ્હીની સરકાર જેલમાંથી નહીં ચાલે. એવા અહેવાલો સામે આવ્યા છે કે જો સીબીઆઇ પણ કેજરીવાલને કસ્ટડીમાં લે તો જેલમાંથી સરકાર ચલાવવાની મુશ્કેલ સાબિત થઇ શકે છે. એવામાં દિલ્હીના મુખ્યમંત્રીનું પદ દિલ્હીના નાણા મંત્રી આતિશી અથવા તો કેજરીવાલના પત્ની સુનિતા સંભાળી શકે છે તેવા અહેવાલો સામે આવ્યા છે. જોકે આ અંગેનું ચિત્ર એક બે દિવસમાં સ્પષ્ટ થઇ શકે છે. જો કેજરીવાલ મુખ્યમંત્રી પદ ના છોડે અને જેલમાંથી જ લાંબો સમય સુધી સરકાર ચલાવે તો ઉપરાજ્યપાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ભલામણ કરી શકે છે. ઉપરાજ્યપાલ પોતાની ભલામણમાં કહી શકે છે કે કેજરીવાલની આગેવાનીમાં દિલ્હીનો વહિવટ પોતાની જવાબદારીથી દૂર ના ભાગી શકે. તેઓ રાજ્યમાં બંધારણીય મશીનરીની નિષ્ફળતાનેસાબિત કરી શકે છે. આ સ્થિતિમાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવી શકે છે.

અમેરિકી રાજદૂતને બોલાવીને જવાબ આપ્યો

કેજરીવાલની ધરપકડ પર સવાલો ઉઠાવવા બદલ યુએસને ભારતનું સમન્સ

- કેજરીવાલની ધરપકડ ભારતનો આંતરિક મામલો, અમેરિકાએ દખલ દેવાની જરૂર નથી : ભારત 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મની બાદ અમેરિકાએ ટિપ્પણી કરી હતી. જેને પગલે ભારતે દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતને સમન્સ પાઠવ્યા હતા. અગાઉ આ જ પ્રકારના સમન્સ જર્મનીને પણ આપવામાં આવ્યા હતા. આ બન્ને દેશોએ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે અમે આશા રાખીએ કે આ ધરપકડમાં કાયદાનું પાલન કરાશે. જોકે ભારતે જવાબમાં કહ્યું હતું કે આ અમારો આંતરિક મામલો છે. 

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એક દેશ અન્ય દેશ પાસેથી એવી આશા રાખતો હોય છે કે તે આંતરિક બાબતોમા દખલ ના દે. લોકશાહીવાળા દેશો માટે આ જવાબદારી વધી જાય છે. જો  આ મર્યાદા જાળવવામાં ના આવે તો તેની અસર બન્ને દેશોના સંબંધો પર થઇ શકે છે. ભારતની ન્યાયિક પ્રક્રિયા સ્વતંત્ર ન્યાય પ્રણાલી પર નિર્ભર છે, જે યોગ્ય અને પારદર્શી ન્યાય માટે કટિબદ્ધ છે. 

દરમિયાન અમેરિકાના ભારત સ્થિત રાજદૂતને સમન્સ પાઠવી જવાબ આપવા કહ્યું હતું. જેને પગલે અમેરિકી રાજદૂત અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે એક કલાક સુધી બેઠક યોજાઇ હતી. આ દરમિયાન ભારતે અમેરિકાના નિવેદનની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ અમારો આંતરીક મામલો છે, તેથી તેમાં અમેરિકાએ કોઇ પણ પ્રકારની દખલ દેવાની જરૂર નથી. આ પહેલા જર્મની સામે પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. 

કેજરીવાલનું સ્વાસ્થ્ય કથળ્યું, શુગર લેવલ ઘટી ગયું

દરમિયાન અરવિંદ કેજરીવાલનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. કેજરીવાલનું શુગરનું સ્તર સતત વધી ઘટી રહ્યું છે. એક સમયે તે ઘટીને ૪૬ પર આવી ગયું હતું. આ માહિતી મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારી દ્વારા આપવામાં આવી હતી. ડોક્ટરોનું કહેવું છે કે શુગરનું સ્તર આટલા નીચલા સ્તર પર જવું ખતરનાક સાબિત થઇ શકે છે. આ જાણકારી કેજરીવાલના પત્ની સુનિતાએ પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે મે અરવિંદ કેજરીવાલની ઇડીની કસ્ટડીમાં મુલાકાત કરી હતી. જે દરમિયાન તેમણે મને કહ્યું હતું કે મારુ શુગર ઘટી ગયું છે.


Google NewsGoogle News