દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાથી કેજરીવાલને ફાયદો? જાણો ત્રણ કારણ
Delhi Assembly Polls 2024 AAP Congress: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક જાહેરાત કરતાં કહ્યું કે, અમારી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી નહીં લડે. તેમનો આ નિર્ણય જે લોકો આમ આદમી પાર્ટી અને કેજરીવાલની રાજનીતિને સમજે છે તેમના માટે બહુ આશ્ચર્યજનક નથી, પરંતુ કોંગ્રેસ માટે ચોક્કસપણે મોટો ઝટકો છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી કરતા મોટી રાજકીય પાર્ટી છે. અચાનક ગઠબંધનનો ઇનકાર કરીને AAP કોંગ્રેસને એવું દેખાડવાની કોશિશ કરી રહી છે કે, દિલ્હીમાં તેમની જરૂર નથી.
દિલ્હીમાં 2013ની વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે, જો કે, ત્યારે સરકાર માત્ર 49 દિવસ જ ચાલી અને કેજરીવાલના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાને કારણે સરકાર પડી ભાંગી હતી.
દળ મળ્યા, દિલ નહીં
લોકસભા ચૂંટણી 2024 માટે જ્યારે ઈન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ગઠબંધન કર્યું હતું. આ ગઠબંધન પણ ઘણી અનિચ્છા બાદ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડવા સંમત થયા હતા. દિલ્હી અને હરિયાણામાં બંને પક્ષોએ ગઠબંધન કર્યું હોવા છતાં પંજાબમાં બંનેએ એકલા હાથે ચૂંટણી લડી હતી. એટલે કે પક્ષો એકસાથે આવી ગયા હતા, પરંતુ આ નેતાઓના દિલ એકબીજા સાથે જોડાયેલા ન હતા. આવો જાણીએ કે કેજરીવાલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા પાછળના મુખ્ય ત્રણ કારણ શું છે.
1 દિલ્હીમાં કોંગ્રેસના ઉમેદવાર નબળા છે.
AAPનું કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાનું પહેલું મોટું કારણ એ છે કે, દિલ્હીમાં કોંગ્રેસના ખેલાડીઓ નબળા છે. પાર્ટી 2015 અને 2020ની વિધાનસભા ચૂંટણીમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી. 2020ની વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર તેમની ડિપોઝીટ જપ્ત થઈ હતી. કેજરીવાલ સારી રીતે જાણે છે કે, તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ મોટો રાજકીય ફાયદો મેળવી શકશે નહીં.
2- ભાજપ તરફથી સખત પડકાર
આ વખતે આમ આદમી પાર્ટીને ભાજપ તરફથી આકરા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ 2015 અને 2020ની વિધાનસભા ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા બાદ હવે દિલ્હીમાં નવી વ્યૂહરચના સાથે કામ કરી રહ્યું છે. તે પોતાના તમામ મોટા નેતાઓને ચૂંટણીમાં ઉતારી રહી છે. દિલ્હીને અડીને આવેલા રાજ્ય હરિયાણા અને પછી મહારાષ્ટ્રમાં જીત બાદ પાર્ટીનું મનોબળ વધ્યું છે.
એટલે કોઈ પણ સંજોગોમાં કેજરીવાલ ભાજપના પડકારને હળવાશથી લેવા માંગતા નથી, તેથી તેઓ તમામ 70 બેઠકો પર એકલા હાથે લડવા માંગે છે.
3- એક્સાઇઝ કૌભાંડ અને સ્વાતિ માલીવાલ કેસ
દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સામે કથિત એક્સાઈઝ કૌભાંડ અને સ્વાતિ માલીવાલ કેસ સૌથી મોટો પડકાર છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ જેવા મોટા નેતાઓ કથિત એક્સાઇઝ કૌભાંડ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે. ભાજપનું કહેવું છે કે, કેજરીવાલ આ કથિત કૌભાંડના માસ્ટરમાઇન્ડ છે અને AAP સરકારે તેમાં કરોડોનું કૌભાંડ આચર્યું છે.
કથિત એક્સાઈઝ કૌભાંડ ઉપરાંત રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાની ઘટનાથી આમ આદમી પાર્ટી પણ પરેશાન છે. આ મામલે માલીવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પૂર્વ પીએ વિભવ કુમાર પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. માલીવાલે કહ્યું છે કે વિભવ કુમારે અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને તેમની સાથે મારપીટ કરી હતી.
સ્વાતિ માલીવાલે જે રીતે આ મામલે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને સતત ઘેરી લીધા છે, પાર્ટીને મહિલાઓની સુરક્ષાને લઈને જવાબ આપવો મુશ્કેલ થઈ રહ્યો છે. ભાજપ સ્વાતિ માલીવાલ પર હુમલાનો મુદ્દો પણ સતત ઉઠાવી રહી છે.
દિલ્હીની છેલ્લી બે વિધાનસભા ચૂંટણીના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે દિલ્હીમાં કોંગ્રેસ કોઈ પડકાર નથી, જો કે ભાજપે કેજરીવાલને ઘેરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે, પરંતુ તે ઘણી હદ સુધી સફળ પણ નથી રહી. આમ આ ત્રણ કારણોને લઈને કેજરીવાલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા રાજી નથી.
જોકે 2025ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે, પરંતુ તે સરકાર બનાવવામાં સફળ રહેશે કે કેમ તે જોવાનું રહ્યું.